
સુપ્રીમ કોર્ટે અશોકા યુનિવર્સિટીના પ્રોફેસર અલી ખાન મહમૂદાબાદને વચગાળાના જામીન આપ્યા છે અને તેમની પોસ્ટની તપાસ માટે SITની રચના કરવા કહ્યું છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એનકે સિંહની પીઠે તપાસ પર રોક લગાવવાનો ઇનકાર કરતા હરિયાણાના DGPને 24 કલાકમાં SITની રચના કરવાનો આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
કોર્ટે કહ્યું કે SITમાં હરિયાણા અને દિલ્હીના સીનિયર IPS અધિકારી સામેલ ના થવા જોઇએ અને ટીમમાં એક મહિલા અધિકારી હોવા જરૂરી છે. કોર્ટે 3 સભ્યોની SITનું નેતૃત્ત્વ IG રેન્કના અધિકારી પાસે કરાવવા અને અન્ય 2 સભ્ય SP રેન્કના રાખવા કહ્યું છે. કોર્ટે પ્રોફેસર ખાનને વિષય સંબંધિત કોઇ લેખ, પોસ્ટ લખવા અને વિચાર વ્યક્ત કરવા પર રોકી દીધા છે.
જસ્ટીસ સૂર્યકાંતે શું કહ્યું?
સુનાવણી દરમિયાન જસ્ટીસ સૂર્યકાંતે કહ્યું, "દરેક કોઇને પોતાની વાત કહેવાનો અધિકાર છે પરંતુ શું હવે આટલી સાંપ્રદાયિકતાની વાત કરવાનો સમય આવી ગયો છે? દેશે મોટા પડકારનો સામનો કર્યો. રાક્ષસ આવ્યા અને આપણા માસૂમો પર હુમલો કર્યો, અમે એકજુટ રહ્યાં પરંતુ આ સમય...આ પ્રસંગે સસ્તી લોકપ્રિયતા કેમ મેળવવી જોઇએ? બધા અધિકારોનીવાત કરે છે, એવુ લાગે છે કે દેશ 75 વર્ષોથી અધિકાર વહેંચી રહ્યું છે."
શું છે સમગ્ર ઘટના?
પ્રોફેસર ખાને Operation Sindoorની બ્રીફિંગ માટે કર્નલ સોફિયા અને વિંગ કમાન્ડર વ્યોમિકાને મોકલવામાં આવતા તેને મહત્ત્વપૂર્ણ ગણાવતા કહ્યું હતું કે જો મહિલાઓ પ્રત્યે આ બદલાવ જમીની સ્તર પર જોવા નથી મળતો તો આ ભારતીય સેનાનું પાખંડ ગણાશે. પ્રોફેસર ખાનનું નિવેદન મહિલા આયોગે રાષ્ટ્રીય સૈન્ય કાર્યવાહીઓને બદનામ કરવાનો પ્રયાસ ગણાવતા કારણ જણાવો નોટિસ ફટકારી હતી. ભારતીય જનતા મોર્ચાની ફરિયાદ પર પોલીસે તેમની ધરપકડ કરી હતી.
સોનીપતની કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા
હરિયાણા પોલીસે પ્રોફેસર ખાન વિરૂદ્ધ BNSની કલમ 152, 196(1) સહિત કેટલીક કલમ હેઠળ કેસ નોંધ્યો છે. સોનીપત કોર્ટે મંગળવારે પ્રોફેસર ખાનને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા.