- રસવલ્લરી
આદિ ચિત્રકળા - સમસ્ત ચિત્રકળાની જનની
વિશાળ ભારત દેશના મોટા ભાગના રાજ્યોમાં આદિવાસીઓના સમૂહની આગવી જીવનશૈલીનાં દર્શન થાય છે. તેઓ તેમની પરંપરા, સંસ્કૃતિ, વારસો, સંસ્કાર અને કલાને સાચવીને બેઠાં છે. અલબત્ત, શિક્ષણનો વ્યાપ વધતાં અનેક આદિવાસી નાગરિકો ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપી રહ્યાં છે. પરંતુ તેમણે પોતાની સહજ સાધ્ય કલાને તિલાંજલિ આપી દીધી નથી. મહારાષ્ટ્ર ગુજરાતની સરહદ પર સહ્યાદ્વિની ગિરિમાળાના માર્ગે સમુદ્ર તરફ ડગ માંડતા વારલી આદિવાસીઓની વારલી ચિત્રકળાએ આંતર રાષ્ટ્રીય સ્તરે કાઠું કાઢ્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે પશ્ચિમ ભારતની આ કળા જેવી જ અદ્દલ દેખાતી સૌરાકળા પૂર્વ ભારતના ઓડીશા રાજ્યમાં જોવા મળે છે. બન્ને પહેલી નજરે સમાન લાગે પણ બન્નેની શૈલીમાં જે સમાનતા છે તેમાં ખાસ્સો ફરક છે.કળા રસિકોને ઝીણી નજરે જે દેખાય છે તેની બારીકી ધ્યાનકર્ષક છે. તે બન્નેની કળાનાં નામ તેમની પ્રજાતિઓના નામ ઉપરથી જ પડયાં છે. બંનેમાં પ્રતીકો બોલકાં અને અર્થસભર છે. દેખીતી ભૌમિતિક ભાતનાં ભિન્ન ભિન્ન આકારો, વળાંકો, પ્રકારો, શૈલી, પ્રમાણભાન આદિમાં એક ટપકા કે એક રેખામાં ફરક પડવાથી તેની કાયા પલટ થઇ જાય અને ભાવકોની દ્રષ્ટિ, સમજ અને રસની કસોટી થઇ જાય. હજારો માઈલ છેટી રહેતી આ બન્ને પ્રજાઓમાં જે સામ્ય છે તેનું મૂળ અને તેના જૈવિક તત્ત્વો (ડી.એન.એ.) જવાબદાર હોઈ શકે. 'એક વેલનાં અનેક તૂંબડાં સૌનાં ભાગ્ય નિરાળાં રે...' ન્યાયે છૂટા પડેલા લોકો પાછલી પેઢીઓ વિશે વિચાર કરે, તેનાં પગલાં તપાસે તો કોઇક તો કડી મળે. ખેર, બન્ને કળાઓમાંથી વારલીનો આપણે વ્હાલી છે જ પણ સૌરાની ઓરા લેશે ય કમ નથી હોં ! વારલીમાં બે તીક્ષ્ણ ત્રિકોણ વડે માનવ સર્જાઈ જાય અને સૌરામાં ઉંધો ત્રિકોણ કોમળ હોય - પણ માણસ હોય !

