- સહજને કિનારે
બસ અલ્યા મળવું છે તમને મન મૂકીને. બધું જ એક તરફ. સમાજ. રાત. દિવસ. બધું જ અને એક બાજુ તું. - મનાલી બોલી.
ન ય થાય તારાથી. - નિમેશે કહ્યું.
તો હવે શું કરું કો? - મનાલીએ છણકો કર્યો.
એ ટોન સાંભળી અને ઉદાસ ભાવે નિમેશે કહ્યું: હંધાય હાલી નીકળ્યા ને તોય?
જવાબમાં મનાલીએ એ જ સ્થિર ભાવે કહ્યું : ચ્યમનું કરશું?
બસ, સ્યાર વાગવા આવ્યા છે. બેહની.
આટલું પાસે?
તો કોણ જોશે? ને હવે વાટે ય કોની આંયાં તો?
દૂર ટ્રાવેલ્સ વાળો કોઈની રાહ જોઈ છે. એક સાઈડનો થોડો ભાગ ટ્રકે કુરચો કરી મેલ્યો’તો.
એને ફોન કરું? અત્યારે જગાડું? વળી ખિજાઈ હાલશે ને કઈ નથી કરવો જવા દો ને.
અત્યારે મળશે ય શું?
મળ્યું'તું તો ઘણું હાલી નીકળાય ને.
તો તું કેમનો ન ગયો?
હવે આછું હસાઈ ગયું નીમેશિયાથી. પણ મનાલીએ સામે તો ન જ જોયું.
છેક લીમડીથી સહેજ જ દૂર અકસ્માત નડેલો સૈારાષ્ટ્રના ગામડાં તરફથી આવતી આ બસને. ચારેકોર અંધકાર છે. ક્લીનર અને ડ્રાઈવરને લાગ્યું છે ને બે પાંચ બીજાને. સૌને જે મળ્યું એમાં ચાલ્યા ગયા.
રાતનો અંધકાર છે. દૂર રસ્તા પર બે જણા એક પાળી પર બેઠા છે. એકનું મોઢું પૂર્વ તરફ છે. બીજાનું ઉત્તર તરફ. કાગળ ખખડવાનો અવાજ આવ્યો નિમેષના હાથમાં.
માવો ખા? મનાલી તીખું તમતમતું કહ્યું.
હોશિયાર વિદ્યાર્થી કંઇક ખરાબ કામ કરતા પકડાય એમ ડરતા ડરતા નિમેષ બોલ્યો: નનન ના. આ તો ખાલી સોપારી.
હિમ્મત કરીને એણે સામે ધરી.
બેક દાણા લઈ પણ લીધા.
ચાલ નિર્ણય કરી લે.
હુ?
તૈઈ જઈશ કે મારી જોડે?
તારે ન્યા આવું તોઓઓઓ મારા વાહા કાબરા કરી નાખે તો?
તો હું તારે ત્યાં આવવા તૈયાર છું.
નિમેષ એ હોઠ દાંતમાં દબાવી ને દાઢી ખંજવાળી ને જવાબ આપ્યો.
તારે ન્યાં આવું તો નક્કી નથી શું થાય પણ તું મારે નયાં આવ્ય એટલે તો વાંહાં કાબરાં નય બહોટી ઝ નાખે.
અને મનાલીનું અંસ્ટોપેબલ હસવું. અચાનક એકદમ સિરિયસ થઈને : તો આ બધું શું હતું?
હુ?
હસવું, નાસ્તો લાવવો, મહેંદી ગિફ્ટમાં આપવી, બસ બુક કરાવી દેવી.
નિમેષ પણ બોલવા લાગ્યો:
તને જોયા કરવું, તારી ખુશીમાં ખોવાઈ જવું, તારા મેસેજની વાટ જોવી, કામ ન હોય તોય પૂછવું.
થોડી ચુપ્પી....
નિમેષ જ બોલ્યો:
પણ હા આ બધામાં મેં સેફ ડિસ્ટન્સ રાખ્યું છે હોં, ગાંડી!
મનાલી આંખો ઢાળી દીધી. બોલી એ પણ આછું:
તારી પાસે છું તો સેફ છું. ડિસ્ટન્સ તો ક્યારનુંય પુરાય ગયું છે.
નઈ. બસ આમ જ મજા છે. સેફ ડિસ્ટન્સમાં રેવાની. તું કે'તી હોય તો હું મૂકી જાઉં. પણ
મને લાગે છે કે ડિસ્ટન્સ ભૂસાઈ એ પેલા મારે પાછું ગામ જવું જોઈએ.
તો મારે ઈ ગ્રામની તાલીમ લેવાના ગામો બદલવા પડશે, મંત્રીઓ નવા હશે. ગામ નવું
હશે. સોફ્ટવેર ઇન્સ્ટોલ કરતા કરતા રાત પડશે તો કોણ ધાબે ખાવા લઈ જઈ ને સેફ
રીતે તાલુકે મૂકી જાશે? પટ્ટા વાળો ને એક કોક ગ્રામપંચાયતનો સભ્ય આવ્યો હતો એ ય
હસતો હસતો કહેતો હતો કે હું તારી સાથે છું તો સેફ છું.
પણ તારું કુટુંબ?
તમે કોઈને સેફ રહે એવું ધ્યાન રાખવા લાગો છો ત્યારે જ તમે તો ડિસ્ટન્સ ખતમ કરી
નાખ્યું હોય છે. પછી તો માત્ર શરીર બાકી રેહતું હોય છે.
ના એ ય -
હા તો પછી. સપનાં ક્યાં નથી?
તારે તો -
ચાલ સવાર થવા આવી. બે રસ્તા છે.
તું ,એને ,કોઈને કોલ કરવાનું કેહતી હતી ને?
સગાઈ કરી છે ખાલી. એ પણ કોક મરદ મુછાળા સાથે, છી.
એલી, સગાઈ ‘ખાલી’ ન હોય!
પણ ક્યાં અમે મલ્યા છીએ.
તારે ઓફિસર બનવું છેને?
એ તો જોડે રહી ને ય બનીશ.
મનાલી હસતાં હસતાં બોલી.
સવારનો ટ્રાફિક ચાલું થઈ ગ્યો બોલ જલ્દી.
તે તું કોને કહે છે લ્યાં?
મારી જાતને.
તારી જાત -
હા. કહી દઉં?
બોલે કે નાખું એક?
તું તો એકદમ કાઠિયાવાડી બનવા લાગી!
નિમેષ શાંત થઈ ગયો એનું હાસ્ય વિલાઈ ગયું. એ હાથની મુઠ્ઠીઓ ભીડી ને બોલ્યો:
આઈ. એમ. ઇમ્પોટન્ટ.
થોડીવારની સ્તબ્ધતા પછી મનાલી બોલી, અચ્છા આ આ આ…
કેમ નીકળી ગઈ હવા?!
મનાલીએ નિમેષનો હાથ, હાથમાં લીધો અને આંખોમાં ઝળઝળિયા સાથે બોલી: એવરી ગર્લ લિટલ ટુ લેસ્બિયન.
તો હવે…?
ના. ત્રીજો રસ્તો જ્યાં સમાજ, કુટુંબ, સગા, સંબંધી બધાથી સેફ ડિસ્ટન્સ રહે.
લે હેન્ડ ત્યારે ...
તું ય મારી બોલી ઝીંકવા લાગ્યો?
બે હાસ્યના પડઘા ઉગતા સુરજની દિશામાં ઓગળતા હતા.
- આનંદ ઠાકર