- સ્લાઈઝ ઑફ લાઈફ
મસ્કાબન: કેટલાક લોકો પુસ્તકો વાંચવા કરતાં એનાં બેકગ્રાઉન્ડમાં ફોટોગ્રાફ લેવા માટે જ એને ખરીદતા હોય છે જેથી છાકો પડે, પ્રિફરેબલી એક મન્ટો, એક ઓશો, એક ભગવદ ગીતા અને એક ડેન બ્રાઉનનું!
આજે એક સવાલ આપણી જાતને પૂછી જ લઈએ: છેલ્લા થોડા વર્ષોમાં એવો કયો શોખ છે જેની સાથે આપણે સૌથી મોટું સમાધાન કરી લીધું છે, જેનાથી આપણે હવે અળગા થઇ ગયા છીએ. જવાબ છે પુસ્તકો અને વાંચનની ટેવ. ભારત જેવા દેશમાં જ્યાં કમાઈને ઘરનાં બે છેડા માંડ માંડ ભેગા થતા હોય ત્યારે ઓબ્વિયસ છે કે પુસ્તક ખરીદવા પાછળ પૈસા ખર્ચવા એ ‘આદત’ ને બદલે ‘શોખ’ બની ને જ રહી જાય. પણ એક બીજો પણ વર્ગ છે જેની પાસે પૈસા છે પણ એની પાસે પુસ્તકો વાંચવા જેટલો સમય, દાનત, પ્રાયોરિટી અને ધીરજ કે આમાંનું કઈ જ નથી!
સાત વર્ષ પહેલા ૨૦૧૭માં અમેઝોનનાં ઈ-બુક રિડર એવા ‘કિન્ડલ’નાં અસ્તિત્વને દસ વર્ષ પુરા થયા! પણ આજે પણ કિન્ડલની વિઝીબિલિટી એ ૨૦૦ની નવી નોટ જેટલી જ દુર્લભ છે. કહો કે છ થી ચૌદ હજારનું આ ઉપકરણ જોઈએ એવું ભારતમાં સકસેસ નથી ગયું. વર્ષો પહેલા ઇન્ફીબિમે પણ ‘પાઈ’ (Pi) નામનું ઈ-રિડર માર્કેટમાં લોન્ચ કરેલું પણ એ પણ ન ચાલ્યું! આજે ૨૦૧૮ માં ભારતમાં અમેઝોનમાં બુકની કિન્ડલ એડિશન એ ટોટલ બુક સેલિંગનો લગભગ ૨૦% થી વધુ હિસ્સો વટાવી નથી શકી. આલમ એ છે કે ન તો કિન્ડલ બહું ઉપડ્યા કે ન તો પેપરબેક હાર્ડકોપી પુસ્તકો એટલા વેંચાય છે. લોકોની પુસ્તકોની બાયિંગ બિહેવિયરલ પેટર્ન પોતે જ એક અભ્યાસનો વિષય છે!
આપણે દૂધ કે પુડિંગ કે ચીઝ કે દુધની મિઠાઈઓ જેવી પેરિશેબલ વસ્તુઓને જલ્દી વપરાશમાં લાવી દઈએ છીએ જેથી એ બગડી ન જાય! એ સિવાય મધ જેવા અપવાદોને બાદ કરતાં લગભગ દરેક ખાદ્ય પદાર્થની એક એક્સપાયરી ડેઈટ હોય છે તો સવાલ એ છે કે શું લેખકની પણ કોઈ એક્સપાયરી ડેઈટ ન હોય? શું એનું ફળદ્રુપ ભેજું ક્યારેક તો વસૂકી જાય એવું ન બને? કોઈ કોલમ કે પુસ્તક લખતો લેખક આજીવન લવાજમની જેમ આજીવન સારો જ લેખક થોડો બની રહે? મોટે ભાગે ક્યાંક માન / મરતબાને લીધે તો ક્યારેક આબરૂ કે પછી ક્યારેક નર્યા સેટિંગનાં લીધે લેખક બસ લખ્યે જ જાય છે! વાચકો સાથે કોઈ સેતુ બંધાય કે ન બંધાય!
લેખક પણ ડાબેરી કે જમણેરી, કટ્ટર કે ઉદારવાદીનાં ચોકઠાઓનાં ચક્રવ્યુહમાં આવી જાય છે, લખવાને પણ હવે રાજકારણ આભડી ગયું છે! બીજી તરફ ન્યુઝપ્રિન્ટ અને પેપરનાં ભાવ વધતા પુસ્તકો ખાસ્સા મોંઘા થઇ ગયા છે. પુસ્તકોની સેલ્ફ લાઈફ હોય છે પણ એ માટે ખરીદવા માટે મજબુર કરી મુકે એવા અપીલિંગ હોવા તો જોઈએ ને? ગુજરાતીમાં તો ગંદા ગોબરા અનુવાદિત પુસ્તકો અને બાકીનાં સેલ્ફ હેલ્પ અને ફાલતું પાનનાં ગલ્લા જેવી ફિલોસોફી અને ખોખલા સેલ્ફ હેલ્પ મોટિવેશનનાં પુસ્તકો બહાર પડે રાખે છે! કવિઓની એક પેઢી ગઈ અને આજે સમુળગી નવી પેઢી આવી ગઈ છે, કેટલાક અપવાદો બાદ કરતા બધું ફેસબુક જેવા માધ્યમોમાં વિસ્તરી ગયું છે.
લોકોનો અટેન્શન પાન સ્માર્ટફોન/ઇન્સ્ટાગ્રામ પછી ઓલરેડી સાવ ઓછો થઈ ગયો છે, નેશનલ લેવલે શશિ થરુર થી લઈને સિડીન વાડુકૂટ, બિશ્વનાથ ઘોષ થી અમિષ ત્રિપાઠી સુધીનાં લેખકો ધૂમ મચાવી રહ્યા છે, સતત નવું અને ઓફબિટ સર્જન કરી રહ્યા છે ત્યારે ગુજરાતી લેખકોનું સર્જન નબળું તો હોય જ છે ઉપર થી જોઈએ એવા પ્રકાશકો નથી મળતા! લેખકો સામે થી પૈસા આપીને પુસ્તકો છપાવડાવે છે એવું પણ જોયું છે. ક્યારેક ક્રેડિટ નથી મળતી તો ક્યારેક નવાં વિષય અને અભ્યાસ નો દુકાળ. ક્યારેક રોયલ્ટીમાં ચોરી તો ક્યારેક નવાં રિચ કન્ટેન્ટ અને નવાં વાંચનનો અભાવ દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિનું નિર્માણ કરે છે.
પુસ્તકમેળામાં કોઈ નવી વરાયટી કે સેક્શન જોવા મળતા નથી, ન તો કોઈ સારા ડિસ્કાઉન્ટ. લેખકો હવે વક્તા બની રહ્યા છે, લેકચર આપવામાં એક કલાકનાં બે થી વીસ હજજાર રૂપિયા મળતા હોય તો કોઈ મહેનત કરીને પુસ્તક શા માટે લખે? બોલ બચ્ચન થવું સહેલું થઇ પડ્યું છે પરિણામે ગુજરાતીમાં નવું સર્જન દુર્લભ બન્યું છે. ગુજરાતી પુસ્તકો એ કોલમમાં છપાયેલા લેખોનો સંગ્રહ માત્ર બનીને રહી જાય છે.
મેગેઝિન્સ પણ ઓલમોસ્ટ મૃતપ્રાય બન્યા છે, બહુ ઓછા સામયિકો ટકી રહ્યા છે એ પણ થોડી ઘણી જાહેરખબરોની આવકને લીધે! લેખકોને પુરતો પુરસ્કાર કે આદર ન મળવો એ પણ એક મોટું કારણ છે કે શા માટે લેખકો એ સેલિબ્રેટેડ વ્યક્તિત્વ ભાગ્યે જ આંકવામાં આવે છે. પરિષદ થી અકાદમીનું રાજકારણ પણ ‘ગરીબીમેં આટા ગિલા’ નો માહૌલ ઉભો કરે છે. પુસ્તકો હવે પુસ્તકમેળા માં કિલોનાં ભાવે વેચાતાં હોવાનું એક કારણ આ ડાઉનવાર્ડ ટ્રેન્ડ જ છે.
લેખકો જ નવું ન વાંચે, ચર્ચાપત્ર જેવા લેખ અને દરેક સ્પેશિયલ ડે પર એનાં એ લેખ ઢસડી મારે તો વાચકો ક્યાં સુધી એ વાંચે રાખે? વાચક્ર એ ગ્રાહક છે, તમે એને બહુ લાંબા સમય સુધી મુરખ નથી બનાવી શકવાનાં! સ્માર્ટફોનમાં એ દુનિયાભરનાં અવનવા પોર્ટલ્સ અને ન્યુઝજર્નલ્સ વાંચી જ શકે છે!
સમયસર લેખકો અને પબ્લિશિંગ હાઉસ અપડેટ નહિ થાય તો યાદ રાખજો, થોડા વર્ષો પછી લાઈબ્રેરીમાં એ જ જુના પુસ્તકો કોઈની સહીની ઈશ્યુ થવા માટે રાહ જોતા હશે! અને ઇન્સટાગ્રામની કે ફેસબુકની સ્ટોરી પૂરતા જ પુસ્તક સાથે ફોટોગ્રાફ લેવાતા હશે! રિડિંગ ઈઝ એવરિથિંગ! એક પાનું લખતા પહેલા ચાર પાનાં વાંચો! ઈનપુટ હશે તો આઉટપુટ મળશે! ગેરંટી!
ડેઝર્ટ:
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.