
આપણે જોઈ ગયા કે આપણા વિચારો, ખોરાક, પ્રાર્થના અને વાતાવરણ કેવી રીતે આપણા DNA પર અસર કરે છે. આ લેખમાં આપણે જોઈશું કે કેવી રીતે જનીન તત્વોના ફેરફારથી વારસાગત કેન્સર જેવા રોગો જોવા મળે છે. સામાન્ય રીતે આપણે કેન્સરનું નામ સાંભળતા જ ગભરાઈ જઈએ છીએ અને માની લઈએ છીએ કે કેન્સર એટલે કેન્સર પરંતુ ઘણા કેન્સર જેવા કે બ્રેસ્ટ, ઓવેરિયન, આંતરડા, ગર્ભાશય તેમજ પ્રોસ્ટેટ કેન્સરને આપણે ખાસ પ્રકારના જનીન તત્વોની તપાસથી જાણી શકીએ છીએ. અને તેને અટકાવવા તેમજ તેની અસર ઓછી કરવા માટે તે શરીરમાં થાય તે પહેલા જ ઉપાય કરી શકીએ છીએ. આ જનીન તત્વોમાં મુખ્યત્વે BRCA1, BRCA2, TP53, MLH1, MSH2, MSHC, ATM, XPCના અક્ષરોમાં ફેરફાર થાય ત્યારે શરીરના કોષોની નિયમન પ્રક્રિયા પરનો પોતાનો કાબૂ ગુમાવી દે છે. જેને કરીને શરીરના ખાસ પ્રકારના કોષો એકદમ યરિયુ થઈને ગાંઠ જેવા થઈ જાય છે. આ જનીન તત્વોનું મુખ્ય કામ નુકશાન પામેલ DNAને સમારકામ કરવાનું હોય છે. તેમજ શરીરના કોષોની સંક્રમણને નિયમન કરવાનું હોય છે. તેથી જ્યારે તેના અક્ષરોના કોડમાં ફેરફાર થાય ત્યારે તે તેના કોષોને નિયંત્રિત કરવાની તેમજ Repair કરવાની ક્ષમતાને ગુમાવે છે. આ જનીન તત્વોનો ફેરફાર વારસાગત જોવા મળે છે. તેમજ ઘણી વખત de-novo પણ જોવા મળે છે.
દા.ત. આંતરડામાં થતા કેન્સર અથવા અન્ય કોઈ કેન્સર જે એક ખાસ પ્રકારના જનીન તત્વના ફેરફારથી થયા છે ત્યારે તેને ન્અહબર સિન્ડ્રોમ કહેવાય છે. તેમાં મુખ્યત્વે અગાઉ જણાવ્યા પ્રમાણેના જનીન તત્વ (MLH1, MSH2, MSHC અથવા ATM) ના અક્ષરોમાં થતા ફેરફારથી થાય છે. આ ફેરફાર ફેમિલીના બીજા સભ્યોમાં પણ ૫૦ ટકા કેસમાં થવાની સંભાવના રહે છે. જે આપણે અગાઉથી જાણી તો શકીએ જ છીએ પરંતુ સાથે સાથે ખોરાકમાં ખાસ પ્રકારના ફેરફારથી તેમજ અમુક દવાથી તેને ૬૦થી ૮૦ ટકા કેસોમાં અટકાવી પણ શકીએ છીએ. આવી જ રીતે જે કોઈ પણ કેન્સર વારસાગત જોવા મળે ત્યારે જનીન તત્વોના ફેરફારના અભ્યાસથી જાણી ને તેને અટકાવી શકાય અથવા આપણે તેની અસરને મંદ કરી શકીએ છીએ.
ઘણા કુટુંબમાં અલગ અલગ પ્રકારના કેન્સર પણ જોવા મળે છે. જેથી મુખ્યત્વે DNAને સમારકામ કરતા જનીન તત્વ (ATM) અથવા કેન્સરના કોષો ને કાબુમાં રાખતું જનીન તત્વ (TP53)ના અક્ષરોમાં જયારે ફેરફાર થાય ત્યારે શરીરના જે તે કોષોમાં આ ફેરફારની અસર વધારે થાય ત્યારે ત્યાં કેન્સરની સંભાવના વધી જાય છે. ટૂંકમાં જયારે પણ કેન્સર અમુક સ્થળ કે અમુક કુટુંબમાં વધારે થતું હોય ત્યારે ત્યાં ચોક્કસ જનીન તત્વોનો અભ્યાસ દ્વારા જાણી શકીએ છીએ અને તે વિકસિત થાય તે પહેલા તેને અટકાવી પણ શકાય છે.
- ડો.જયેશ શેઠ