Last Update :
26 Jun 2024
- ચલ કહીં દૂર
હાલમાં GSTVના એડિટર મિત્ર તુષાર દવેના પિતાનું નિધન થયું. મારા પિતાજી પણ લગભગ આ જ અરસામાં ત્રણ વર્ષ પહેલાં નિધન પામ્યા હતાં. જ્યારે વ્યક્તિ આપણને છોડીને જતું રહે છે ત્યારે થોડીવાર માટે દુઃખ થાય છે પણ ઘરમાં સગાંવહાલાં તથા મિત્રોની હાજરીમાં થોડા સમયમાં દુઃખ ભૂલાતું જાય છે. તમને એમની યાદ ત્યારે આવે છે જ્યારે અચાનક કોઈ સંજોગો એવા ગોઠવાતા જાય છે કે જે પળો એમની સાથે ગાળી હોય. એ ક્ષણોમાં વર્ષો પછી પણ તિવ્રતા સાથે યાદ આવતી હોય છે. સહજ છે કે જેમની સાથે જીવનના ચાલીશ પચાસ વર્ષ ગાળ્યા હોય એમને ભૂલવા શક્ય જ નથી. વાત એટલી જ છે કે કીસી કે જાને કે બાદ ફિર ઉસકી યાદ ક્યું સતાતી હૈ?
મારા કેટલાક કામ અર્થે હું ઉજ્જૈન તથા ઇન્દોર ગયો હતો. આમ તો ચાર પાંચ મહીને એકાદ વાર જવું પડતું હોય છે. મારા કાયમી સાથી મિત્રને કાર ચલાવતા આવડતું નથી. આખી મુસાફરી દરમિયાન મારે જ કાર ચલાવવી પડે છે. એ યુવાન હોવા છતાં સાત કલાકની જર્નીમાં બે ત્રણ કલાક નિદ્રાનો આનંદ માણી લે છે. મારી પાસે એક જ કામ બચે છે કે મોબાઇલમાં સંગ્રહ પામેલા ગીતોને સાંભળતા રહેવું.
હમણાં ઇન્દોરથી પરત આવી રહ્યો હતો અને મોબાઈલમાં સંગ્રહ પામેલા ગીતોને કારની ટેપ સાથે જોડ્યા અને ગીતો સાંભળવા શરૂ કર્યા. મોબાઇલમાં કદાચ કોઈ આવીને બેસી ગયું હશે અને જે ગીતો વાગતાં હતાં એ બધી ફિલ્મો મારા પિતાજી મને જોવા લઇ ગયા હતાં.
અચાનક ઉનકી યાદ જેવી ઘટના થવા લાગી. દીવારનું ગીત વાગ્યું તો ખાસ અસર ના થઈ પણ જેમ જેમ ગીતો વધતા ગયા તો થવા લાગ્યું કે આ તો ખાસ મારા માટે ગીતો વગાડે છે. શોલે, ખુદ્દાર, શક્તિ, મુગલે આઝમ, દો આંખે બારહ હાથ, ધર્મેન્દ્ર પ્રિયા રાજવંશવાળું હકીકત જેવી ફિલ્મો ફરીથી રિલીઝ થઈ ત્યારે મને એ જોવા ખાસ લઇ જતાં. શોલેથી માંડી દીવાર સુધી ફિલ્મ કદાચ બાળપણમાં એમની સાથે જોઇ હશે પણ ખાસ યાદ ન હતી એટલે એ મને ફરી જોવા લઇ જતાં. અચાનક ઝંઝીરનું ગીત વાગ્યું તો લાગ્યું કે આ પણ મારી યાદ માટે જ વાગ્યું હશે. ઝંઝીર મને બે વાર જોવા લઇ ગયા હતાં.
બોલ તેરે સાથ ક્યા કીયા જાય ફેમ મેરા ગાંવ મેરા દેશ પણ જોવા લઇ ગયા હતાં અને આશ્ચર્ય વચ્ચે એનું પણ ગીત વાગ્યું. ઇન્દોરથી દાહોદ સુધી જાણે વડીલ જ મારા મોબાઇલમાં બેસીને ગીતોની પસંદગી કરતા હોય એવું લાગતું હતું. આશ્ચર્ય તો એ પણ થયું કે એમણે મને ઘણી ગુજરાતી ફિલ્મો પણ દેખાડી હતી. પૃથ્વીવલ્લભ પરથી માલવપતિ મુંજ ખાસ જોવા લઇ ગયા હતાં જ્યારે હું બીજા ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતો હતો. આખી નવલકથાનો સાર સંભળાવી ફિલ્મ જોવા લઇ ગયા અને અચાનક ગુજરાતી ગીતો શરૂ થયા.
ધીમે ધીમે એક યાદીમાંથી બીજી યાદો શરૂ થઈ. જેમકે શોલે અને દીવાર જેવી ફિલ્મો અમારા વડોદરામાં નટરાજ થિયેટરમાં જોવા લઇ ગયા હતાં. નટરાજ થિયેટર બસ સ્ટેન્ડ પાસે હોવાથી આસપાસ સમોસા મળતાં હતાં અને ખાસ સમોસા ખવડાવતા. શાન ફિલ્મ જોવા મને કૃષ્ણ ટોકીઝમાં લઇ ગયા હતાં જે શહેરની લગભગ મધ્યમાં હતી. એક ગુજરાતી ફિલ્મ ભાભી જોવા મને ગામના છેવાડે સપના ટોકીઝમાં લઇ ગયા હતાં. આજે એવું થાય કે આપણે પેરેન્ટિગ પર ભાષણો આપી શકીએ પણ આ પેરેન્ટિગ ભાષણો કરતાં કેટલુંય સમૃદ્ધ ના કહી શકાય?
એક ફિલ્મ તો હજી યાદ છે અને એ હતી એક દુજે કે લીયે... કદાચ એ વખતે હું સાતમા આઠમા ધોરણમાં હોઇશ તો મારા મન પર કોઈ ખરાબ અસર ના પડે એ તપાસ કરવા પહેલાં એમણે ફિલ્મ જોઇ અને પછી વડોદરામાં નવરંગ ટોકીઝમાં ફિલ્મ જોવા લઇ ગયા. નવરંગ સિનેમામાં કદાચ અમે સાથે છેલ્લી ફિલ્મ હિમ્મતવાલા જોઇ હશે. એ જ રીતે શાર્ક માછલી પરની જોઝ અને બિલ્ડીંગમાં આગ લાગતી ટાવરીંગ ઇન ફાયર જોવા લઇ ગયા હતાં. રુપમ નામની થિયેટરમાં અંગ્રેજી ખાસ પ્રકારની એડલ્ટ ફિલ્મ આવતી અને એકવાર ટિકીટ ખીસ્સામાં રહી ગઇ. લગભગ અપેક્ષા હતી કે લાંબું ભાષણ સાંભળવું પડશે પણ ખાલી એટલું જ કહ્યું કે મિત્રો સાથે સારી ફિલ્મો જોવાનો પણ શોખ રાખજે. એકવાર રામ તેરી ગંગા મૈલી ફિલ્મ ધાર્મિક હોવાની વાત કરીને મિત્રો સાથે આણંદ જોવા ગયા હતાં ત્યારે પણ કહેલું કે ફિલ્મ વિશે પુરતી માહિતી છે. આ ફિલ્મમાં કેટલુંય શીખવા લાયક છે એ શીખવું અને મનોરંજન એક હદ સુધી માણવું. લગભગ આખા માર્ગમાં કાર ચલાવતા કેટલા બધાં સંસ્મરણો ઝાડપાન અને ટ્રાફિકની જેમ પસાર થતા હતા. કદાચ પહેલીવાર ભીની આંખે ગીતો સાંભળવા પડ્યા અને સંસ્મરણો મમળાવતો રહ્યો.
મને યાદ છે કે અમારી સ્થિતિ સમૃદ્ધ ગણાતી ન હતી પણ પૈસા બચાવીને ય કશું આપવાની વૃત્તિ અચાનક અને અજાણતા યાદ અપાવતી હોય છે. સયાજીગંજ વિસ્તારમાં કલ્યાણ નામની રેસ્ટોરાંમાં ત્રણ ચાર દાયકા લિમિટેડ થાળી અને અનલિમિટેડ ગુજરાતી થાળી મળતી હતી, એ હંમેશા લિમિટેડ થાળી લે અને મને પૂછે કે તારે પણ લિમિટેડ થાળી ચાલતી હોય તો એકાદ સારી ફિલ્મની ટિકીટના પૈસા બચી જશે. બાળજીદ થકી કદાચ આખી થાળી લીધી હોય તો સયાજીગંજથી ફતેગંજ સુધી અમે ચાલતા જતાં અને પૈસા બચાવતા. આ ઘટના પેલી લાડુની કથા જેવું લાગતું કે શનિવારે ભૂખ્યા રહીને રવિવારે વીશીમાં લાડુ મળે પણ વીશીના માલીકની વાત સાંભળી લાડુ જમી શક્યા નહીં એવું કંઈક લાગે. આનંદ પ્રમોદ માટે પૈસા ખર્ચ કરી શકાય એ માટે અમે તેમની નોકરીના સ્થાન વડોદરા પણ લોકલ બસમાં આવતા એ ય સ્મરણ થવા લાગ્યું. એમણે દેખાડેલી ફિલ્મોના ગીતમાં અસંખ્ય ઘટનાઓના આંકડા મળવા લાગ્યા. હવે સમજાયું કે એ દિવસે ના ગમતી વાત એમણે શા માટે કરી હશે. જો વહી ગયેલા વર્ષ પાછા મળે તો ઘરમાં એમને બેસાડીને એ બધી ફિલ્મો ત્રીજી ચોથી વાર જોવાનું ગોઠવ્યું હોત. હા, અચાનક રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ અખિયોં કે ઝરોખોનું ગમતું કઇ દિન સે વાગ્યું. રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ જોવાનું એટલા માટે પસંદ કરતાં કે એ ફિલ્મના પ્રારંભમાં માતાજી શ્રી અરવિંદોની તસ્વીર આવતી. ખાસ તો મને દોસ્તી ફિલ્મ જોવા લઇ ગયા હતાં અને કદાચ સાથે છેલ્લી ફિલ્મ રાજશ્રી થિયેટરમાં નદીયાં કે પાર જોઇ હતી. મૈં ને પ્યાર કીયા ના યુગમાં કેબલ કનેક્શન જિંદાબાદ થઈ ગયું હતું એટલે એ ઘરમાં બેસીને જોઈ હતી. મારા માનવા મુજબ રાજશ્રી પ્રોડક્શનની લગભગ તમામ ફિલ્મો જોઇ હતી. કોઈ ફિલ્મ જોઇને એમના સાથી મિત્રો સાથે સૌથી વધુ એક્સાઇટ દીવાર ફિલ્મના એક દ્રશ્ય થકી હતાં. આજે પણ એ મને યાદ છે કે દીવાર ફિલ્મમાં અમિતાભ બચ્ચન પ્રારંભમાં એક ગોડાઉનમાં જાય છે અને વિલનના હાથમાં ચપ્પુ પકડે છે તથા ચાવી એના ખીસ્સામાંથી લેવાના સંવાદથી એ ખૂબ પ્રભાવિત હતા. કદાચ એ સમયે આ પ્રકારના ડાયલોગ પહેલીવાર આવ્યા હતા. આ જ કારણે એમણે દીવાર અવારનવાર જોઇ હશે એવો મને અહેસાસ થાય છે. આમ તો આ યાદો ફક્ત સિનેમા પૂરતી જ ન હતી પણ ભારતભ્રમણની પણ અલગ યાદ પડેલી છે, એક માર્ગમાં ત્રણ કલાક ગાડી ચલાવતા એટલા બધા વિચારોએ મને ઘેરી લીધો કે એવું થયું કે થોડીવાર ઊભા રહીને ચા કોફી પીવી પડશે અને મન ડાયવર્ટ કરવું પડશે. વાત દશ પંદર ગીતોની હતી પણ એ મને ત્રણ ચાર દાયકા પાછળ લઇ ગયા. અચાનક એવું થવા લાગ્યું કે સમય ચાલી રહ્યો છે કે દોડી રહ્યો છે. સમયે ક્યાંક વિશ્રામ કરવાની જરૂર હતી. એક વાત ચોક્કસ છે કે જે ગયું એ આપણા હાથમાં નથી પણ જે બચ્યું છે એનો પૂરતો ઉપયોગ કરવો જોઈએ. જે વડીલો અને સાથીઓ છે એમની સાથે મીઠડી પળો માણવાનું ચુકી જવાય નહીં.
એક સમયે કાફ્કાએ તેનું સર્જન પિતાના નામે કર્યું. વિશ્વપ્રસિદ્ધ મેટામોર્ફોસિસ હોય કે ધ જજમેન્ટ... ધ જજમેન્ટમાં નાયક જ્યોર્જ બેન્ડેમૈન બિમાર પિતાના બગડેલા કપડાં બદલતા પોતાના એંગેજમેન્ટની વાત કરે છે, બાપ આ સાંભળીને છેલ્લી પાયરીએ બેસી જાય છે, દિકરાને બેફામ બોલે છે... દિકરાને ડૂબી મરવા કહે છે, દિકરો સમજી શક્તો નથી અને ભાગતો ભાગતો દરિયા કિનારે આવે છે અને સમુદ્રમાં છલાંગ લગાવી દે છે... પિતા પરત્વે ગુસ્સા થકી સર્જન થયું, મહદઅંશે આપણે ત્યાં પિતાજીમાં જે ગુણ જોયા ના હોય એના પણ ખરા ખોટા વખાણ કરીને લખવામાં આવતું હોય છે. પિતાપુત્રના સંબંધ કાફ્કા જેવા પણ નથી હોતા અને સાવ ગળચટ્ટા પણ નહીં... દરેક સ્થિતિમાં બંને અપેક્ષા કરતાં અલગ જ વર્તન કરતાં હોય છે, મહદઅંશે એકબીજા કરતાં વધારે સમજદારી હોવાના ભ્રમમાં જીવે છે અને સાબિત કરવાની કોશિશ કરતાં હોય છે. છતાં એકબીજાથી હારવાનો પણ આનંદ ભોગવતા હોય છે.
લગભગ વડોદરાની બધી થિયેટર સાથે એમના સ્મરણ યાદ આવવા લાગ્યા પણ સાથોસાથ એક બીજી વાત યાદ આવી. જે રીતે મને ફિલ્મો જોવા લઇ ગયા, બરાબર એ જ રીતે નવી પેઢી એટલે કે મારા પુત્રને પણ ક્લાસિક ફિલ્મો દેખાડી. જે ફિલ્મ ફરીથી રીલિઝ થાય અને એક જમાનામાં જોવા લાયક હોય તો એ પણ એને જોવા લઇ જતાં. આ કામ હું મારી ભવિષ્યની પેઢી સાથે કરી શકવાનો નથી એની મને ખાતરી છે. જિંદગીમાં આવી મુસાફરીઓ ઘણી યાદો તાજી કરે છે, કેટલીક ઘટનાઓ શા માટે બનતી હશે એની સમજણ આપે છે... વાત એટલી જ છે કે છોટી છોટી વાતો જ યાદ આવતી રહેતી હોય છે. ચોક્કસપણે સ્વીકારું છું કે એ ખાલીપો ભરવો અશક્ય છે. જેમણે નિકટના સ્વજનો ગુમાવ્યા છે, એ બધાની સાથે સમાનુભૂતિ.
न जाने क्यों,
होता है ये ज़िन्दगी के साथ
अचानक ये मन,
किसी के जाने के बाद
करे फिर उसकी याद,
छोटी-छोटी सी बात
न जाने क्यूँ...
- દેવલ શાસ્ત્રી
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.