Home / GSTV શતરંગ / Deval Shastri : Happiness of Touch: What did you indicate by touching my heart Deval Shastri

શતરંગ / સ્પર્શનું સુખ: છૂ કર મેરે મન કો કીયા તુને ક્યા ઇશારા...

શતરંગ / સ્પર્શનું સુખ: છૂ કર મેરે મન કો કીયા તુને ક્યા ઇશારા...

- ચલ કહીં દૂર

     ઇશ્વરે માનવશરીરને શ્રેષ્ઠ ભેટ તરીકે એક બે નહીં પણ પાંચ પાંચ ઇન્દ્રિયો આપી છે. પાંચ ઇન્દ્રિયોમાં દ્રષ્ટિ, અવાજ સાંભળવાની ક્ષમતા, સ્પર્શની સંવેદના,ગંધ પારખવાની શક્તિ તથા સ્વાદ માણવાની મજા ઇશ્વર તરફથી ભેટ સ્વરૂપે મળેલી છે. આધુનિક જીવનમાં પાંચ ઇન્દ્રિયોમાં કદાચ સૌથી વધારે ઉપયોગ દ્રષ્ટિનો થતો હશે. માણસ ભોજનનો સ્વાદ પણ આંખો થકી નક્કી કરતો થઈ ગયો છે. અન્ય વ્યક્તિ વિશેનો અભિપ્રાય પણ આંખોથી આપવા લાગ્યો છે. 
 
     કોરોના સમયમાં વર્ષો પછી ગંધની સંવેદના જાગ્રત થઈ હતી, બાકી સારા પરફ્યુમ સિવાય સુવાસ ભૂલાવા લાગી હતી. વાત સાંભળવાની કરીએ તો કોર્પોરેટ હાઉસમાં આર્ટ ઓફ લિવિંગના સેમિનાર કરવા પડે છે. કેવી રીતે તથા ધીરજપૂર્વક સાંભળવું જોઈએ એ અંગે શીખવવામાં આવતું હોવા છતાં હજી પણ માણસ સાંભળવાની કળાથી દૂર છે. નવી નવી વાનગીઓ બનવા લાગતાં જીભના ચટાકા વધવા લાગ્યા છે. આ બધી ઇન્દ્રિયો વચ્ચે સ્પર્શનું મહત્વ ગુમાવી રહ્યા છીએ.
 
     આપણે જે ડાઉનિંગ ટેબલ પર બેસીને વર્ષો સુધી જમ્યા છીએ અથવા જે પથારીએ વહાલથી સુવાડ્યા છે એને પણ સ્પર્શ કરતાં નથી. એક સમયે જોશભેર હાથ મીલાવીને અભિવાદન થતું એ પ્રથા પણ કોમળ બની ગઇ છે. પોતાના જીવનસાથી અથવા નિકટના સ્નેહીજનો સાથે સ્પર્શ થતાં સંવેદના અનુભવાતી નથી. માણસની સંવેદના ફક્ત ટચ સ્ક્રીન પર તથા પાળેલા પ્રાણી પૂરતી જ રહી ગઇ છે. એઆઇના યુગમાં મોબાઇલનું અસ્તિત્વમાં આવશે તો સ્પર્શ નામની કળા વિલુપ્ત થઈ જશે. માણસ ચોવીસ કલાક ક્યાંક તો ચોંટેલો હોય છે પણ સ્પર્શ અનુભવતો નથી. આંખો બંધ કરીને કે સાંભળવાનું છોડીને અલિપ્ત રહી શકાય પણ સ્પર્શ એવી સંવેદના છે કે એ જન્મથી મૃત્યુ સુધી સતત આપણી સાથે જ રહે છે. સ્પર્શ સિવાયની ઇન્દ્રિયો માટે મગજમાં પણ મર્યાદિત કેન્દ્ર હોય છે પણ સ્પર્શ માટે વિશાળ માળખું ગોઠવાયેલું હોય છે. જે રીતે બહેરાશ આવે કે અંધત્વ થતું હોય છે એ રીતે સ્પર્શમાં પણ અંધત્વ મિન્સ માણસ સંવેદના ગુમાવી દેતો હોય છે.
 
     પશ્વિમમાં પચાસેક વર્ષ પહેલાં સ્પર્શનું મહત્વ સમજવા માટે વાનરો પર એક પ્રયોગ કરવામાં આવ્યો હતો. બાળ વાનરો માટે કૃત્રિમ માતા બનાવવામાં આવી. થોડા સમયમાં બાળ વાનરો કૃત્રિમ માતા સાથે ભળી ગયા. હવે એક પ્રયોગ કરવામાં આવ્યો, સાદા સુતરાઉ કપડાં સાથેની માતા અને તાર જેવી ચીજ સાથે માતાઓ રાખવામાં આવી, જેમાં તારવાળી માતા પાસે વધારે ભોજન મૂકવામાં આવ્યું અને સુતરાઉ કપડાંવાળી માતા પાસે ખાસ ભોજન ન હોવા છતાં સ્પર્શનો અહેસાસ કરવા બાળ વાનરો ભોજન છોડીને સુતરાઉ કપડાંવાળી માતા સાથે વધારે સમય ગાળ્યો. આ પ્રયોગ પરથી શોધવામાં આવ્યું કે કોઈ પણ પ્રાણી માટે સ્પર્શની હૂંફ વધારે અગત્યની છે. તણાવ, ચિંતા કે અન્ય માનસિક સમસ્યાઓમાં સ્પર્શ થેરાપી ઉત્તમ રીતે કામ કરે છે. તાવ આવ્યો હોય ત્યારે ભીના પોતાં જેટલી મદદ કરે છે એટલો જ માતાનો સ્પર્શ પણ મદદરૂપ થાય છે. 
 
     બ્લડપ્રેશર વધ્યું હોય, હૃદયના ધબકારા વધવા લાગ્યા હોય કે પછી ઇજાગ્રસ્ત હાલતમાં દર્દ સહન થતું ના હોય ત્યારે બધાને ખબર છે કે સ્પર્શ તણાવ ઘટાડી શકે છે. આ વાત ખબર છે તો પછી સામાન્ય સંજોગોમાં આપણે સ્પર્શની સંવેદના કેમ ભૂલવા લાગ્યા છે? હા, સ્પર્શની વાતમાં સહમતિ હોવી એ એકમાત્ર આવશ્યક શરત છે.
   
     જગતમાં કોઈ પણ વસ્તુની લાઇફ હોય છે એ રીતે સ્પર્શની સંવેદનાની પણ લાઈફ હોય છે. પાંચ દાયકા પછી સ્પર્શ અનુભવવો મુશ્કેલ છે પણ ટીન એજમાં મિન્સ સોળ સત્તર વયે સ્પર્શના કેન્દ્ર સૌથી સક્રિય હોય છે. પગના તળિયાની સંવેદના વૃદ્ધાવસ્થામાં ઓછી થવા લાગે છે એટલે તેમના પડી જવાની ઘટના વધુ બને છે. એક સંશોધન મુજબ આશરે ત્રીસીના દાયકામાં પ્રવેશ કરનારા તથા લગ્નના પાંચેક વર્ષ સારી રીતે પસાર કર્યા હોય એ દંપતિઓ સ્પર્શનો સૌથી વધુ લુફત માણતા હોય છે.  બીજા શબ્દોમાં કહીએ તો એકબીજાને અડવા માટે તકો શોધતા હોય છે. પત્ની એટલા માટે ખુશ છે કે પતિ સ્પર્શની તક ગુમાવતો નથી અને પતિ એટલા માટે ખુશ હોય છે પત્ની તરફથી તક મળતી રહે છે. સુખી દામ્પત્ય માટે સામાન્ય સ્પર્શ ઘણું મહત્વ ધરાવે છે. સામા પક્ષે એ પણ જોવા મળે છે કે તણાવ ધરાવતા કોઈ એક પાત્રને લીધે દંપતિઓ વચ્ચે સહજ સ્પર્શની મધુરતા ગાયબ છે. જે વાતનો અભ્યાસ વિદેશમાં થતો હોય એ જરૂરી નથી કે ભારતમાં લાગુ પડતો હોય. આમ છતાં સ્પર્શની અનુભૂતિની મજા તો છે જ, પણ એ માણવા માટે એ તરફ ધ્યાન આપવું પડે.
 
     આધુનિક જીવનમાં તણાવ દૂર કરવા મિત્રોને ગળે લગાડતા શીખવું જોઈએ. હસ્તધૂનન પણ ઉષ્માભર્યું હોવું જોઈએ. જીવનસાથીનો સાથ પકડીને થોડીવાર વ્હાલ કરતાં શીખવવાના ભવિષ્યમાં ક્લાસ શરૂ થશે. મનોવિજ્ઞાન તો માને છે કે સ્પર્શ માટે કોઇની રાહ જોવાની જરૂર નથી, તમારા હૃદય પર, ગરદન પર કે પેટ પર વ્હાલથી હાથ તો ફેરવો. બે પાંચ સાત દાયકાની જિંદગીમાં એકવાર તો આ પોતાના સાથીઓને પ્રેમથી હાથ ફેરવીને પૂછો તો ખરાં કે મજા આવે છે ને? 
 
જેમનો સાચા હૃદયથી સ્પર્શ કર્યો છે એમના દિલોદિમાગમાં ક્યારેય તમારી યાદ મૃત્યુ પામવાની નથી. (મિચ એલ્બોમ)
 
- દેવલ શાસ્ત્રી

પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.