
અમદાવાદ શહેરની જાણીતી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની ડાયરેક્ટર એવી રાજશ્રી કોઠારી પોલીસ ફરિયાદ નોંધાયા બાદ તે ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી. જો કે, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 32 દિવસ બાદ તેની રાજસ્થાનથી ધરપકડ કરી હતી. જેના આજે ગ્રામ્ય કોર્ટે જામીન નામંજૂર કરી દીધા હતા. ખ્યાતિ હોસ્પિટલની ડાયરેકટર એવી રાજશ્રીનો હોસ્પિટલમાં હિસ્સો 3.61 ટકા હતો અને આ અગાઉ તેના પતિ ડાયરેક્ટર હતા.
ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર રાજશ્રી કોઠારીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
અમદાવાદના ચકચારી ખ્યાતિકાંડમાં ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર રાજશ્રી કોઠારી સમગ્ર કાંડ સામે આવ્યા બાદથી ફરાર હતી. ત્યારે 32 દિવસ બાદ તેની રાજસ્થાનથી ધરપકડ કરાઈ હતી. આજે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાંચે 10 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જેમાં કોર્ટે રાજશ્રી કોઠારીના 10 દિવસ એટલે કે 25 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહત્ત્વનું છે કે, અગાઉ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે રાજશ્રી કોઠારીના આગોતરા જામીન રદ કર્યા હતા.
ધરપકડથી બચવા આગોતરા જામીન માટે અરજી
અત્રે ઉલ્લેખનીય છે કે, ખ્યાતિકાંડમાં આરોપી રાજશ્રી કોઠારીએ ધરપકડ અગાઉ ત્રણ કેસમાં આગોતરા જામીન માટે અરજી પણ કરી હતી. જેમાં ગુરૂવારે સુનાવણી દરમિયાન રાજશ્રી કોઠારીના વકીલે કોર્ટમાં રજૂઆત કરતાં કહ્યું હતું કે, 'રાજશ્રી કોઠારી નિર્દોષ છે અને આ કેસ સાથે કોઇ લેવા દેવા નથી. ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છે, તો જામીન મુક્ત કરવામાં આવે'.
કોણ છે રાજશ્રી કોઠારી?
રાજશ્રી કોઠારી ખ્યાતિ હોસ્પિટલની ડિરેક્ટર છે. આ ઉપરાંત હોસિટલમાં તેમની 3.61 ટકાની ભાગીદારી પણ છે. હોસ્પિટલના ડિરેક્ટરો અને ચેરમેનની મીટીંગમાં વધુમાં વધુ ફ્રી કેમ્પના આયોજનનું પ્લાનિંગ કરવામાં આવતું હતું. પીએમજેએવાય કાર્ડવાળા દર્દીઓને શોધી બીમારીનો ડર બતાવીને તેમને હોસ્પિટલ લાવીને ઓપરેશન કરી દેવામાં આવતું હતું.
શું હતી સમગ્ર ઘટના?
કડીમાં બોરીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા. અહીં તમામ દર્દીઓની તેમને પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્યુ હતું. જેના કારણે પરિવારજનોએ હોબાળો મચાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. પરિવારે હોસ્પિટલ સામે વિરોધ કરી આરોપ લગાવ્યો હતો કે, હોસ્પિટલે આયુષ્યમાન કાર્ડનો દુરૂપયોગ કરી પૈસા પડાવવા માટે અમારી જાણ બહાર દર્દીને સ્ટેન્ટ મૂકી દીધું હતું. જેના કારણે બે દર્દીના મોત થયા છે. આ ઘટના બાદ આ પ્રકારના અન્ય કિસ્સાઓ પણ સામે આવ્યા હતા.