Home / : Worried about going to work in the pouring rain

Sahiyar : ધોધમાર વરસાદમાં નોકરીએ જવાની ચિંતા 

Sahiyar : ધોધમાર વરસાદમાં નોકરીએ જવાની ચિંતા 

- ઓફિસે જતાં ભીંજાઈ જવાની ભીતિને કોરાણે મુકીને કોરા રહેવાની તૈયારી કરી લો

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શિવાની ઓફિસે જવાની તૈયારી કરી રહી હતી ત્યાં એકાએક ધોધમાર વરસાદ તૂટી પડયો. આકાશ સવારથી જ ગોરંભાયેલું હતું. શિવાની એમ વિચારીને ઝપાટાભેર તૈયાર થઈ રહી હતી કે વર્ષારાણીની સવારી આવી પહોંચે તેનાથી પહેલા તે ઓફિસ જવા નીકળી જાય. નહીં તો ઘરેથી નીકળતા વેંત ડ્રેસ ભીંજાઈ જશે, મેકઅપ બગડી જશે અને આખો દિવસ ભીના કપડે જ કાઢવો પડશે.

ચોમાસાની ઋતુમાં આવું વિચારનારી શિવાની એકમાત્ર સ્ત્રી નથી. મોટા ભાગની નોકરીએ જતી મહિલાઓ જ નહીં, પુરુષો સુધ્ધાં ઓફિસ જવાના સમયે વરસાદ પડે તો ટેન્શનમાં આવી જાય છે. ઘણી ગૃહિણીઓ તો મેહુલિયો વરસતો હોય ત્યારે દિવસો સુધી ઘરથી બહાર નીકળવાનું પણ ટાળે છે. પરંતુ નોકરીએ જતી માનુનીઓનું શું? તેમને તો ઘરની બહાર નીકળ્યે જ છૂટકો.

તો પછી કરવું શું?

જો તમે મેઘરાજાના સ્વાગતની તૈયારીઓ સારી રીતે કરી હશે તો તમારા માટે ટેન્શનનું કોઈ કારણ નથી રહેતું. જો ન કરી હોય તો હજી પણ મોડું નથી થઈ ગયું. હજી તો ચોમાસુ બેઠું જ છે. ચાર મહિના સુધી તમને વર્ષા ઋતુ સાથે અનુકૂલન સાધવાનું છે. થોડી એવી નાની નાની તૈયારીઓ કરી લો જેથી ચોમાસુ તમને કનડે નહીં, પણ તમે તેની મોજ માણી શકો, બિલકુલ બેફિકર થઈને.

ચોમાસામાં સૌથી વધુ ચિંતા ઘડિયાળ બંધ પડી જવાની હોય છે. કાંડા ઘડિયાળમાં જરા જેટલું પાણી સરી જાય તો તેના કાંટા થંભી જાય. આવામાં જો તમે ક્યાંક પૂરમાં ફસાઈ ગયા હો, કે પછી બે સ્ટેશન વચ્ચે ઊભેલી ટ્રેનમાં અટકી પડયા હો તો તમારું ધ્યાન અચૂકપણે વારંવાર કાંડા ઘડિયાળ તરફ જવાનું. બહેતર છે કે વર્ષા ઋતુ દરમિયાન વોટરપ્રૂફ ઘડિયાળ પહેરવાનું રાખો.

ફેશનનું ચક્ર દર વર્ષે બદલાતું રહે છે. વર્ષા ઋતુના સ્વાગત માટે ફેશન ઉદ્યોગ પણ હંમેશા સજ્જ રહે છે, પરંતુ દરેક ફેશનેબલ વસ્તુ તમને કોરેકોરા ઓફિસ, શાળા કે કોલેજ સુધી પહોંચાડશે એવી કોઈ ખાતરી નથી હોતી. વિન્ડરશીટર કે છત્રીમાં તમે ચોક્કસપણે ખાસ્સા ભીંજાઈ જવાના. આવી પરિસ્થિતિમાં પવન સાથે વરસાદ વરસતો હોય ત્યારે ફેશનને કોરાણે મુકીને પોલીસવાળા પહેરે છે એવું રેઈનકોટ પહેરી લો. તમને દિવસભર ભીના કપડે ઓફિસમાં નહીં બેસવું પડે.

વરસાદના દિવસોમાં ટ્રેન ધીમી ચાલવાની, અટકી પડવાની કે સડક પ્રવાસમાં ટ્રાફિક જામમાં ફસાઈ જવાની ઘટના હવે સાવ સામાન્ય બની ગઈ છે. આવી સ્થિતિમાં સમય પસાર કરવો એ સૌથી મોટો પ્રશ્ન બની જાય છે. પરંતુ આનો સૌથી સરળ ઈલાજ છે પુસ્તક. આ ઋતુમાં ઘરથી બહાર નીકળો ત્યારે તમારી પસંદગીનું એકાદ પુસ્તક જરૂર સાથે રાખો. 'ફરજિયાત' મળેલા ફાજલ સમયમાં તમારો વાંચવાનો શોખ પૂરો થઈ જશે અને સમય પસાર કરવાની સમસ્યામાંથી મુક્તિ. જો તમને સમજ ન પડતી હોય કે કયું પુસ્તક વાંચવું તો કોઈક સરસ મઝાનું પ્રવાસ વર્ણનનું કે પછી વર્ષા ઋતુનું નિરૂપણ કરતું પુસ્તક વાંચી શકાય.

આ સિઝનમાં ચામડાના પગરખાં માળિયે ચડાવીને રંગબેરંગી રેઈની શૂઝ અથવા સેંડલ ખરીદી લો. આવા જોડા પહેરવાથી વરસાદમાં ચાલવાનું સરળ લાગશે. એટલું જ નહીં પગ પણ ઝડપથી કોરા થઈ જશે. વળી ચોમાસામાં છાંટા ઉડવાના ડરથી પહેરાતા કલરફુલ વસ્ત્રો સાથે મેચ પણ થઈ જશે. હા, આ દિવસોમાં સફેદ, ક્રીમ કે અન્ય કોઈ પણ હળવા રંગના પરિધાનને બદલે ઘેરા રંગના કપડાં પહેરો. કોલેજમાં જતી કન્યાઓ કેપ્રી પહેરી શકે. જ્યારે ઓફિસે જતી માનુનીઓ ખુલતી સલવાર પહેરવાને બદલે ચુડીદાર પહેરવાનું રાખે તો તેની બોટમ નીચેથી ગંદી થવાનો ભય ન રહે. શક્ય હોય ત્યાં સુધી સાડી પહેરવાનું ટાળો. સાડી નીચેથી ભીંજાઈ જવાથી ચાલવામાં મુશ્કેલી નડે છે. વળી સાડી ભીંજાઈ ગયા પછી જલ્દી સુકાતી પણ નથી.

સામાન્ય રીતે વરસાદ વરસતો હોય ત્યારે મેકઅપ કરવાનો મૂડ નથી બનતો. મોટા ભાગે એમ માની લેવામાં આવે છે કે ચહેરા પર પાણીના રેલા ઉતરશે તો અડધું મેકઅપ ધોવાઈ જશે. પણ મેકઅપની શોખીન માનુનીઓ વોટરપ્રૂફ મેકઅપ દ્વારા પોતાનું સૌંદર્ય વરસતા વરસાદમાં પણ જાળવી શકે છે.

મેઘરાજાના આગમન સાથે હાથપગમાં ચેપ લાગવાની શક્યતા ખૂબ વધી જાય છે. તેમાંય જો પગમાં ચીરા પડયા હોય તો સડક પર ભરેલા ગંદા પાણીના ખાબોચિયામાં રહેલા બેક્ટેરિયા તમને ભારે નુકસાન પહોંચાડી શકે છે. આવામાં ડેટોલની બોટલ સાથે રાખો અને ઓફિસે પહોંચ્યા પછી ડેટોલવાળા પાણીથી પગ ધોઈ લો. તેવી જ રીતે વધારે પાણી શોષી શકે એવું એકાદ વધારાનું નેપકીન પણ સાથે રાખો.

ફેશનને ભૂલી જઈને એક વોટરપ્રૂફ હેવરસેક ખરીદી લો. તેમાં હંમેશા એક જોડી કપડાં સાથે રાખો, જેથી જરૂર પડયે ઓફિસમાં ભીના વસ્ત્રો બદલીને કોરા કપડાં પહેરી શકાય. અથવા ઓફિસના ખાનામાં હંમેશા એક જોડી કપડાં રાખો. એકાદ છત્રી પણ ઓફિસના ખાનામાં મૂકી રાખવાનું સલાહભર્યું છે. ઘણી વખત ઘરેથી નીકળતી વખતે આસમાન સાફ હોય તો છત્રી અથવા રેઈનકોટ લેવાનો કંટાળો આવે છે, પરંતુ સાંજે ઘરે જતી વખતે બારે મેઘ ખાંગા થાય તો ઓફિસમાં મુકી રાખેલી છત્રી ખપ લાગે.

ઘડિયાળની જેમ સેલફોનમાં પાણી જાય તો તે પણ ખરાબ થઈ જવાની ભીતિ રહે છે. આવામાં વરસાદ વરસતો હોય ત્યારે મોબાઈલને પ્લાસ્ટિકની લોકવાળી થેલીમાં મુકો. ફોનની રીંગ વાગે તોય ચાલુ વરસાદે ફોન રિસિવ કરવાને બદલે પાછળથી 'મિસ કોલ'નો જવાબ આપો.

મેહુલિયો ઝરમર ઝરમર વરસતો હોય કે વરસાદ ધારે ધારે પડતો હોય, આ ભીની ભીની મોસમમાં ગરમ ગરમ આદુવાળી ચા સાથે ભજીયા ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે.  તેથી જ વરસાદને કાંદાના ભજીયા અને ચા સાથે જોડી દેવામાં આવ્યો છે. પરંતુ સ્થૂળકાય લોકો માટે વારંવાર ભજીયા ખાવાનું હાનિકારક પુરવાર થઈ શકે. આવામાં રવિવારની રજા દરમિયાન પ્રેશર કૂકરમાં અથવા માઈક્રોવેવમાં તાજા બનાવેલા પોપકોર્નના મજેદાર સ્વાદનો અનુભવ લેવા જેવો છે.

તો બસ, તૈયાર થઈ જાઓ મેઘરાજા-વર્ષારાણીનું સ્વાગત કરવા. તમને બહાર જવું હશે તોય વરસાદ થોભવાની રાહ નહીં જોવી પડે, કે પછી વાદળા વરસી પડે તેનાથી પહેલા ગોરંભાયેલું નભ જોઈને ઓફિસે જલ્દી પહોંચી જવાની ઉતાવળ નહીં કરવી પડે.

Related News

Icon