Home / : Ravipurti: Let's hear ourselves even amidst the noise of the world

Ravipurti: ચાલો, જગતના ઘોંઘાટ વચ્ચે પણ જાતને સાંભળીએ

Ravipurti: ચાલો, જગતના ઘોંઘાટ વચ્ચે પણ જાતને સાંભળીએ

- લેન્ડસ્કેપ

આપણું દર્શન સ્પષ્ટ ત્યારે જ થાય છે જ્યારે આપણે સ્વયંના હૃદયમાં જોઈએ છીએ. જે બહાર જુએ છે તે સ્વપ્નો જુએ છે, જે અંદર જુએ છે તે જાગે છે.     

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- કાર્લ ગુસ્તાવ યુંગ 

કદાચ આપણે માનવી જ તેથી છીએ કે આપણે અંર્તમુખ થઈ શકીએ છીએ. આપણે આત્મવેદન અને આત્મનિવેદન, આત્મપરીક્ષણ અને આત્મ નિરીક્ષણ કરી શકીએ છીએ. કમાલ તો એ છે કે આપણે એક સાથે અંદર અને બહાર જોઈ શકીએ છીએ અને તે જોનારને પણ કોઈ ત્રીજા ખૂણાથી નિરખી શકીએ છીએ. આ જોનાર અને જાણનાર વિશે, આ નિરખનાર અને માણનાર વિશે એક અદભુત કથા પોલો કોએલો કહે છે. તે કંઇક આવી છે.     

આજથી સદીઓ પૂર્વે પૃથ્વી પરના અઢળક પ્રાકૃતિક ખજાનાને હાથવગો કરવા શ્વેત પ્રજા આફ્રિકાની અશ્વેત પ્રજાની મદદ લઈને નીકળી પડેલી. તે કાળનો એક પ્રસંગ છે. એક શ્વેત ખોજી અશ્વેત મજૂરો-ગુલામોના એક જૂથને ક્યાંક ઉતાવળે પહોંચીને બધું હાથવગું કરવા માટે દોડાવી રહ્યો હતો. તે માટે તે વધુ નાણા ચૂકવતો હતો અને લલચાવતો પણ હતો. 

એક દઝાડતી બપોરે બધા ગુલામો થાક્યા અને હાંફ્યા હતા. બધાએ ખભેથી બોજ ઉતારી ફેંક્યો. તેમાંના એકે કહ્યું, 'ગમે તેટલું મહેનતાણું આપો તો પણ હવે એક પગલું પણ નહીં ભરીએ.' પેલા શ્વેતે કારણ પૂછયું તો તે બોલ્યો  આપણે એટલું ઉતાવળે ચાલી રહ્યા છીએ કે અમે આ બધું શું અને શેની માટે કરી રહ્યા છીએ તેની પણ ખબર નથી પડતી. અમારે હવે અહીં રાહ જોવાની જરૂર છે. અમારો પાછળ રહી ગયેલ આત્મા અમને આંબી જાય અને સાથે થઈ જાય ત્યાં સુધી રાહ જોઈએ.' 

દરેક માણસના જીવનમાં આવી આત્મવાન કટોકટીની નિર્ણાયક પળ આવતી હોય છે. જીવનની ભાગ-દોડ, સ્થળ-કાળની ખેંચતાણ,  મન અને હૃદયની દોરડા ખેંચ, વસ્તુઓના બોજ અને વિચારોની ભીંસને લીધે, આત્મ-કેન્દ્ર સાથેનો સંપર્ક છૂટે છે અને સંવાદ તૂટે છે. આવી પળે- થોભવાનું અને જાણવાનું હોય છે,વિશ્રામ લઈને વિચારવાનું હોય છે, અને પાછળ છૂટી ગયેલ મન, બુદ્ધિ, વિવેક, આત્મા આપણી સાથે થઈ જાય ત્યાં સુધી રાહ જોવાની હોય છે. 

આપણું યુગ-લક્ષણ છે; દિશાહીન ગતિ. સૌને ક્યાંક પહોંચવું અને પકડવું છે, સૌને કશુંક હાથવગું  અને ખિસ્સા ભેગું કરવું છે. કમનસીબે આપણે-

નામનાની દોડમાં માંહ્યલો ખોયો,

સંબંધોની દોડમાં પ્રેમ ખોયો,

સંપત્તિની દોડમાં ચારિત્ર્ય ખોયું,

સત્તાની દોડમાં સત્ય ખોય નાખ્યું છે...

આપણો સમગ્ર જીવન-વ્યાપાર ફડચામાં જાય તે પહેલા.. આવો,  સ્થિર અને શાંત થઈએ. બેસુરા બનીએ તે પહેલા અંદરના-બહારના સ્વર અને સૂર મેળવી લઈએ, જગતના ઘોંઘાટ વચ્ચે પણ જાતને સાંભળીએ. અસંખ્ય દિશાઓમાં ઘૂમરાતા વૈશ્વિક વાવાઝોડા વચ્ચે પણ સ્વસ્થ, આત્મસ્થ, કેન્દ્રસ્થ બની રહીએ...    

- સુભાષ ભટ્ટ

 

Related News

Icon