
- સુરેન્દ્ર શાહ
શ્રીરામ શબરીની ઝૂંપડીએ પધાર્યા. શબરી ધન્ય થઈ ગઈ. તેની વર્ષોની તપસ્યા પૂર્ણ થઈ. શ્રીરામે તેને નવધા ભક્તિનું જ્ઞાન આપ્યું. જ્યારે રામ વિદાય થતા હતા ત્યારે શબરીએ કહ્યું "હે પ્રભુ, અહીંથી થોડે દૂર પમ્પા સરોવર પાસે ઋષ્પમૂક પર્વત છે એ પર્વત પર પરાક્રમી વાનરરાજ સુગ્રીવ તેના ભાઈ વાલીથી ભયભીત થઈ પોતાના મંત્રીઓ સાથે રહે છે. તમે ત્યાં જાવ. તેને મળો. (ત્વં તેન સખ્યં કુરૂ પ્રભો) પ્રભુ, તમે તેની મિત્રતા કરો. સુગ્રીવ સીતારામની શોધનું કાર્ય સિદ્ધ કરી આપશે...'' શ્રીરામ-લક્ષ્મણ ત્યાં ગયા. શ્રી હનુમાનજીએ શ્રીરામને પંપા સરોવર પાસે સુગ્રીવનો પ્રથમ પરિચય કરાવ્યો. શબરી અને હનુમાનજીના કથન પર વિશ્વાસ કરી શ્રીરામે સુગ્રીવને પોતાનો મિત્ર બનાવ્યો. સુગ્રીવને વાલીનો ભય હતો. શ્રીરામે ભય દૂર કર્યો. વાલીનો વધ કરી કિષ્કિંધાનું રાજ્યપદ અપાવ્યું. શ્રીરામે સુગ્રીવને રાજ્ય વ્યવસ્થા કરવાનો સમય આપ્યો. પછી સીતાની ભાળ મેળવવા વિનંતી કરી. પણ સુગ્રીવ સ્વભાવે વાનર હતો. રાજ્ય મળતાં જ 'રામ-કાજ' ભૂલી ગયો. શ્રીરામે હનુમાનજીને મોકલ્યા. હનુમાનજીએ સુગ્રીવને આળસમાંથી જગાડયો. (ત્વં તુ વાનર ભાવેન સ્ત્રીસક્તો નાવબુદ્ધય સે) હે સુગ્રીવ જાગ. તું વાનર સ્વભાવવાળો સ્ત્રીસંગી કામીજ રહ્યો ! તારૃં કામ શ્રીરામે તરત કરી આપ્યું અને તેમનું કામ ભૂલી ગયો ? તને યાદ છે કે નહિ શ્રી સીતારામની શોધ કરવાનું 'રામ-કાજ' તારે કરવાનું છે ?!! વાનર સ્વભાવી હતો. છતાં શ્રીરામે રામે તેની મિત્રતા છોડી નથી. તે મદ્યપાની હતો. સ્ત્રીસંગી હતો. કૃતઘ્ની હતો. નિર્દયી હતો, છતાં મિત્ર હતો, તે અપૂર્ણ હતો, સ્વભાવે અધૂરો હતો, એદી હતો, તેનામાં અધૂરપ હતી. છતાં શ્રીરામે તેને મિત્ર બનાવ્યો હતો. શ્રીરામે તેના ગુણો-અવગુણો સાથે તેને સ્વીકાર્યો હતો. જ્યારે લક્ષ્મણ ઉશ્કેરાઈને સુગ્રીવને મારવા ઊભો થયો ત્યારે શ્રીરામે તેને રોક્યો. "(ન હન્તવ્યસ્ત્વયા વત્સ સુગ્રીવો મે પ્રિય: સખા) હે વત્સ, સુગ્રીવ મારો પ્રિય મિત્ર છે. આપણાથી તેને મરાય નહિ."
પ્રિય વ્યક્તિના ના ગમતા સ્વભાવગત વેરવિખેર અંશોને અંગિકાર કરવાથી લાગણીનું એક ભાવવિશ્વ રચાય છે. તે અંગત સુખ આપે છે. ભરચક પ્રેમની અનુભૂતિ કરાવે છે. પ્રિયજનની અધૂરપને સ્વીકારવામાં સામેના પાત્રને સહેજ પણ આનંદી સંસ્પર્શ થાય તો એનો સંતોષ ધગધગતા રણમાં મળતા બે ઘૂંટ પાણી જેવી સંતોષી ભિનાશ બક્ષે છે. શ્રી હરિવંશરાય બચ્ચને કહ્યું છે કે "જિસે જીસમેં શ્રદ્ધા હૈ ઉસે ઉસકી અપૂર્ણતા મેં ભી શ્રદ્ધા હોની ચાહિયે. અપૂર્ણતા કા સ્વીકાર કીયે બીના હમ જિંદગી કા મઝા નહીં લે સકતે. દો અપૂર્ણ વસ્તુઓં કા પ્યાર હી પ્યાર હૈ."
રશિયન નવલકથાકાર દોસ્તોવસ્કીનો ભાઈ અવસાન પામ્યો. દોસ્તોવસ્કી પૈસે ટકે સદ્ધર નહોતો છતાં તેણે તેના ભાઈના આખા કુટુંબની દેખભાળ કરી. નવાઈની વાત તો એ હતી કે ભાઈની એક પ્રેમિકાને પણ મુશ્કેલીના વખતમાં મદદ કરી હતી. એટલું જ પોતાના સગા પુત્રની જેમ ઊછેર્યો. જ્યારે પ્રેમ અને આર્થિક ગણત્રીઓ વચ્ચે તોલમાપ થાય ત્યારે પ્રેમનું પલ્લું ભારે થવું જોઈએ.
રહસ્ય કથાઓની મહારાણી આગાથા ક્રિસ્ટીનો ભાઈ સમસ્યારૂપ હતો. તે કમાતો નહોતો. ચાલાકી કરતો. છેતરતો. છતાં તે તેને પ્રેમથી સાચવતી. ફરિયાદ કરતી નહિ. તેની મધૂરપને જાણીને તેને પ્રેમ કરતી. છેવટે તે તેનો ભાઈ હતો. તે બહેન મટી જવા તૈયાર નહોતી. મોતીલાલ નહેરૂ વ્યક્તિ તરીકે શ્રેષ્ઠ હતા. પણ તેમને શરાબ પીવાની આદત હતી. છતાં ગાંધીજીએ તેમને તેમના ગુણોથી સ્વીકાર્યા હતા. એકવાર મોતીલાલે શરાબ ન પીવાનો સંકલ્પ કર્યો, માંદા પડયા. ત્યારે ખુદ ગાંધીજીએ તેમને શરાબ પીવાની છૂટ આપી હતી.
એકવાર લશ્કરમાં તોછડા વર્તન માટે જનરલ મેકલીનને સેનાપતિ પદ પરથી દૂર કરવાનો નિર્ણય લેવાયો. આ વાતની ખબર લિંકનને પડી. લિંકન જાણતા હતા કે જનરલ તેમના માટે પણ એલફેલ વાતો કરતો હતો. છતાં લિંકને જનરલની અત્યાર સુધીની કામગીરી તપાસી. પછી નિર્ણય કર્યો. "જનરલ મેકલીનનું વર્તન તેની માનવ સહજ નિર્બળતા છે એ વાત ખરી, પણ સેનાપતિ તરીકે તે યોગ્ય છે. તે દરેક યુદ્ધ જીતીને આવે છે. તેને દૂર ના કરાય." લિંકને જનરલ મેકલીનને સ્વભાવ સુધારની એક તક આપી હતી.
સમાજમાં રહેતા માણસો વચ્ચે બોલચાલ થવાની, ઘર્ષણ થવાનું, ઝઘડા થવાના, અબોલા થવાના, મનમુટાવ થવાનો દ્વેષ થવાનો - પણ ગમે તેટલું અંતર હોવા છતાં આ પારથી પેલે પાર જવા એક અદૃશ્ય સેતુ બંધાયેલો રહેવાનો. સેતુ મનને નિર્બળ કરતો નથી. મનભેદનો છેદ ઉડાડતો નથી. પણ એકબીજાની વચ્ચે લાગણીને, ભાવને, આનંદને, સુખને સ્થાયી થવાનો અવકાશ પુરો પાડે છે. મનમાં પોઢેલી લાગણીને, કરૂણાને કે પ્રેમને સજીવન રાખે છે. પૂર્ણ ત્યારે જ પૂર્ણ ગણાય છે જ્યારે તે અપૂર્ણને સ્વીકારી સંબંધ જીવતો રાખે. 'હું'પણામાં કેદ રહી માણસ જ્યારે પ્રિયજનની એક ખામી પણ સ્વીકારી નથી શકતો ત્યારે જીવનરસ સુકાઈ જાય છે. સ્થળ હોય કે પળ માણસ સાથે આપણો વ્યવહાર ઈશ્વર સાથેના વ્યવહાર જેવો પવિત્ર હોવો જોઈએ.
જીવનમાં નવો સંબંધ બાંધતી વખતે માણસે એક વાત મનમાં ઠસાવી દેવી જોઈએ કે કોઈ માણસ સંપૂર્ણ નથી. દરેકમાં ક્યાંકને ક્યાંક અધૂરપ છે. જો બીજાની અધૂરપ અંગિકાર કરવાની સમજણ કેળવી લઈએ તો સુખ જ સુખ મળે ! શાંતિથી બેસીને જો સહેજ પડ ખોલીને તપાસીએ તો આપણી આવી અધૂરપ હોવા છતાં કેટકેટલા લોકો આપણને ચાહે છે, આદર આપે છે, આપણો સ્વીકાર કરીને હૈયામાં સ્થાન આપે છે.