Last Update :
10 Jul 2024
- વટથી, હકથી ને હુકમથી
ફરવા જવું એટલે ફેશન ને પતિઓનું ટેન્શન વાળું સેશન. ફરવા જવું એ ફરજિયાત બની ગયું છે જ્યારથી ઇન્સ્ટા જરૂરિયાત બની ગયું છે. સાડા સાતસો હેશટેગ અને છોંતેર ફોટા વાળી ત્રણ ડઝન સ્ટોરીઝ ન મૂકીએ ત્યાં સુધી મોક્ષના દ્વાર ઉઘડવાના નથી એવું સોશિયલાશ્ત્ર દ્વારા કહેવાયું છે.
ભલે ને ટૂર ટ્રાવેલર્સ વાળા ગામ ગોથે ચડાવીને ખાબોચિયા ભરેલ તળાવને ફલાણા લેક જેવા ફેન્સી નામ આપીને મોકલે, હરખાતા હરખાતા આપણે ત્યાં જઈએ ચાર સેલ્ફી લઈએ અને એના ચારસો વર્ઝન ન મેલીએ ત્યાં સુધી ચેન, બટન કંઈ ન પડે.
અમારા પડોશીએ હમણાં સ્ટેટસ મૂક્યું enjoying in ડેલહાઉસી. હા પાછું ડેલહાઉસી એવું ગુજરાતીમાં લખ્યું કેમકે spelling લખવામાં ફાંફા પડ્યા. બીજા પડોશીએ તપાસ કરી તો ખબર પડી લે ડેલે બેસીને હાઉસી રમતા હતા શેરીના છોકરાઓ જોડે!! હૈદ છે ને! પાછા તપાસ કરવા વાળા આન્ટી મને કહેવા આવ્યા. મેં પૂછ્યું તમે પણ હમણાં પંજાબ ગયેલા ને. તો કહે હા આ ચાર ચોકે નવી રેસ્ટોરન્ટ બની છે એનું નામ પંજાબ છે!
બીજું તો કંઈ ન કહ્યું પણ મેં એટલું જરૂર કહ્યું કે આન્ટી એને ઢાબો કહેવાય. તો આન્ટી કહે હા જો ધાબો દેવાનો છે મોહનથાળને હું જાવ. જતા રહ્યા બોલો. તો ય મેં રાડ પાડીને કીધું કે ધાબો મોહનથાળને આપશો તો પતંગ ક્યાં ચગાવશો?! ત્યારથી એ આન્ટી મને ફેસબૂક પર દેખાતા નથી. લાગે છે એકાઉન્ટ બંધ કર્યું હશે પણ બીજા આન્ટી મને કહે ના ના તને બ્લોક કરી હશે. મેં કીધું આ તમારા ડેલહાઉસી વાળા ચક્કરમાં મારું એક મનોરંજન વાળું ખાતું ગયું. તો એમણે ય મને બ્લોકી નાંખી. હવે મારે શું સ્ટેટસ મૂકવું એ વિચારું છું.
બળ્યું હારુ ફરવા ગામ જાય ને બ્લોક હું થાઉં. આઈ મીન ફરવા ક્યાંય જાય નહિ ને સ્ટેટસ સ્ટેટસ રમવામાં મારી પથારી ફેરવી નાંખે. ભાઈ થેપલા ને છૂંદો જ ખાવો હોય ને.. અરે હા ભાઈ જોડે સુકીભાજી ને દહીં પણ, તો તમારે ગામના પાદરે આવેલા બગીચાથી આગળ ન જવાય. સાચું કહું છું. ખોટું લાગે તો ચાર થેપલા મને મોકલી આપજો. પણ ફલાઈટુંમાં લસણિયા થેપલાનો ડબરો કાઢીને આખી ફ્લાઇટને હેરાન ન કરતા બાપલીયા. કહે છે કે એર ઇન્ડિયા એમાં જ નાદાર થઈ ગઈ હતી. આપણાં ગુજરાતીઓ જેવા પ્લેનમાં બેસે ને પ્લેન હવામાં પહોંચે એવા ડબ્બાઓ કાઢે. ટિફિન ખોલે એનો વાંધો નથ પણ પછી કંઈ આજુબાજુ વાળાને આગ્રહ કરી કરીને થોડા એના મોઢામાં થેપલા નખાય. એર ઇન્ડિયાની 'એર' બગાડીએ તો એની એર હોસ્ટેસુ પણ બદદુઆ તો આપે ને કે આની ઇન્સ્ટા સ્ટોરીમાં પચ્ચીસ લાઈક જ આવે.
ફરવા જવામાં પહેલા દુબઈનો ટ્રેન્ડ હતો. પણ દુબઈમાં દાબેલી મળે નહી એટલે પછી બધા બાલી જવા લાગ્યા. બાલી પહોંચ્યા પછી ખબર પડી કે આ તો એટલું મોંઘુ છે કે કાનની બાલી વેંચી દેવી પડે. દુબઈમાં કોઈ યુપીના દુબે ભૈયા ન મળે ને બાલીમાં તાલી ન મારે કોઈ. તો પછી બધા ચાલ્યા મોરિશિયસ. એક તો એનો સ્પેલિંગ જ એટલો અઘરો કે ફેમિલી વોટ્સ એપ ગ્રુપમાં ક્યાં ફરવા જાઓ છો એ લખવામાં તકલીફ પડે. મોરેશિયસ લખીએ અને ઓટો કરેક્ટ મોરે પિયા... ગીતના શબ્દો લખી નાખે. બીજા મેમ્બરને એમ થાય કે ભાભી સૂફી સંગીતના શોખીન છે. પણ અહીં કેમ કહેવું કે ભાભી તો એરપોર્ટ ઉપર પણ તુમ તો ઠહેરે પરદેશી, સાથ ક્યા નીભાઓગે જ સાંભળે છે, એ પણ સતર હજારના હેડફોનમાં.
ફરો કે નહી દેખાડવું જરૂરી છે બોસ. કે આપણે વર્ષમાં ત્રણ ટ્રીપ કરી. બે ડોમેસ્ટિક અને એક ઇન્ટરનેશનલ. પણ મારા રોયાઓ ભૂતાન કે નેપાળને ઇન્ટરનેશનલ માં ગણતા નથી. મોરેશિયસ જેવા અઘરા નામને મૂકીને આમેય બધા હવે વિયેતનામમાં જવા લાગ્યા છે. દેશનું નામ જ વિયેતનામ. આ તે કેવું વળી વિયર્ડ નામ. આપણા નામની પાછળ ભાઈ અને બહેન લાગે અને આ દેશના નામની પાછળ જ વિયેતનામ લાગે.
લાગે છે કે ગુજરાતીઓએ આપણાં વડનગરના સપૂતને બહુ સિરિયસલી લઈ લીધા છે. ફરવાની વાત આવે એટલે મોદીજી યાદ આવે જ. એમાં પણ એનું હમણાં તાજુ ટ્રેડિંગ થયેલું ગીત - ઉડતા હિ ફિરુ ઉંઊંઊં... આ જોઈને ચાંપાનેરની ચંપા પણ બન્ની સ્ટાઈલમાં ફોટો મૂકીને કેપશન મૂકે છે, મેં ઉડના ચાહતી હૂં નયન કુમાર, મેં ગીરના ચાહતી હું, ભાગના ચાહતી હું, સોલો ટ્રાવેલ કરના ચાહતી હું. ક્યારેય ગામના બસ સ્ટેશન સુધી પણ એકલી ન ગઈ હોય એ હેશટેગ મૂકીને 'સોલો ટ્રાવેલ, સોલ સર્ચિંગ' કરશે. અરે બુન, સર્ચ કરવું હોય તો તારું સોફા પાછળ પડી ગયેલું બકલ ને બોરીયું સર્ચ કર, આ પોતાની જ આત્માને શોધવા વરના આટલા પૈસાનો ધુંબો લગાડવાનો? એમને કોઈ કહો કે તું એ તું જ છે, ઈમ્તિયાઝ અલીની હિરોઈન નથી. પાછું આવું ય ન કહેવાય. બાકી ફેમીનીઝમ વાળા ઝંડા ઊંચા કરીને આવી જાય. બાય ધ વે, ફેમીનીસ્ટ કોને કહેવાય? જે ક્યારેય ક્યાંય ફરવા નથી ગયા એ.
ફરવા જાય એનો વાંધો નથી, ફરવા જાય ત્યારે 5 સાઈટ સીનના પાંચસો પંચોતેર ફોટા મૂકે એ ય આપણે આંખ બંધ કરીને સહન કરી લઈએ પણ આ ફરીને આવીને જે પેલા સોવિનીયર લઈ આવે અને ત્યાંની ચીજવસ્તુઓનો ઢગલો કરે એનો ત્રાસ થાય, ભાઈઓ ને બુનો. સાવ ફેંકી દેવા જેવી વસ્તુ હોય, કિચેન કે સાત રૂપિયાનું પોસ્ટકાર્ડ એ આપણને થાળમાં સજાવીને ગિફ્ટ કરશે. ચાલો ભેટ કી કિંમત નહી નિયત દેખી જાતી હૈ - એ ફિલ્મી ડાયલોગ આપણે યાદ કરી લઈએ પણ આ શું? સામે સામેથી બોલશે - આ ટીશર્ટ જોયું? એ ટીશર્ટ મેં તો થાઇલેન્ડના મોલમાંથી લીધું હતું. આ થાળી વાટકો ગમ્યા? સિંગાપોરમાં બેસ્ટ ક્રોકરી મળે કોકિલા બેન. આ શૂઝ ગમ્યા? હોંગકોંગનું શૂ-માર્કેટ એટલે તમને શું કહું સાહેબ... નંબર વન. માર તો સાત જોડી શૂઝ લેવા હતા પણ પછી આ એરપોર્ટ ઉપર કસ્ટમ વાળા રોકે એટલે થયું કે સાતને બદલે છ જોડી જ લીધા. - આવું બોલી બોલીને આપણને અડધી પૃથ્વીનો નકશો યાદ કરાવી દેશે. આના કરતાં તો રાજ કપૂરે કેટલી સાદગીથી કહેલું, કોઈ પણ શો-ઓફ વિના.. મેરા જૂતા હૈ જાપાની, યે પતલુન ઇંગલિશતાની, સર પે લાલ ટોપી રૂસી.. ફિર ભી દિલ હૈ....... વંદે માતરમ
- સ્નેહલ તન્ના
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.