ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન અને પૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડ શનિવારે (11 જાન્યુઆરી) પોતાનો 52મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ટીમ ઈન્ડિયાના કોચનું પદ છોડ્યા બાદ, દ્રવિડ હાલમાં ઘરે પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યો છે. સફળ ક્રિકેટ કારકિર્દી પછી, દ્રવિડના કોચિંગ હેઠળ ભારતીય ટીમે ગયા વર્ષે T20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ પછી જ દ્રવિડે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. દ્રવિડના કોચિંગ હેઠળ, ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને વનડે વર્લ્ડ કપની ફાઈનલ પણ રમી છે. તે તેના સમયના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંનો એક રહ્યો છે. ટેસ્ટ અને વનડે બંને ફોર્મેટમાં તેનો રેકોર્ડ ઉત્તમ રહ્યો છે. ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં દ્રવિડના નામે ઘણા એવા રેકોર્ડ છે જેને તોડવા મુશ્કેલ છે.

