રાજકોટ: રિબડા ગામે પાટીદાર યુવક અમિત ખૂંટના આપઘાતનો મામલે અનિરૂદ્ધસિંહ જાડેજાએ વીડિયો જાહેર કરી ખુલાસો કર્યો છે. વીડિયોમાં અનિરૂદ્ધસિંહ જાડેજા (રીબડા) એ જણાવ્યું કે, “અમિત ખૂંટ આપઘાત કેસમાં મને અને મારા પરિવારને ખોટી રીતે સંડોવણી કરવામાં આવી રહી છે. સગીરા દ્વારા મૃતક યુવક અમિત ખૂંટ પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવી તે હયાત જ છે તેની પોલીસ તપાસ કરે. આપઘાત કેસમાં અમારી સંડોવણી ખુલે તો હું પોલીસ સમક્ષ હાજર થવા તૈયાર છું. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું આ કાવતરું છે. મને અને મારા પરિવારને ખોટી રીતે હેરાન કરવા કાવતરું ઘડાયું છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા રીબડા આવ્યા પછી સ્યુસાઇડ નોટમાં ઘણા બધા ચેડાં કરવામાં આવ્યા છે. મારૂં અને મારા પુત્ર રાજદીપનું નામ ખોટી રીતે ઉમેરી અમને ફસાવવાનું કાવતરૂ રચાયું છે. પોલીસ આ મામલે ઊંડી તપાસ કરે તેવી માંગ છે. દુષ્કર્મ કેસની પીડિતને મેં કે મારા પરિવારે કોઈ કોન્ટેક્ટ કર્યો છે કે નહીં તેની પણ પોલીસ તપાસ કરે. પીડિતાનો નંબર મારા ફોનમાં કે એના ફોનમાં મારો નંબર નીકળે છે કે નહીં તેની પણ પોલીસ તપાસ કરે. પોલીસને સત્ય બહાર લાવવા પોલીસ ઉંડાણથી તપાસ કરે તે જરૂરી છે.”

