પંજાબ પોલીસે બે આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે અને એક સગીર સહિત 13 આતંકવાદીઓની ધરપકડ કરી છે. ગુપ્ત માહિતીના આધારે હાથ ધરવામાં આવેલા ઓપરેશન દરમિયાન હથિયારોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ધરપકડ કરાયેલા આતંકવાદીઓ અનેક પોલીસ સ્ટેશનો અને લોકોની ટાર્ગેટ કિલિંગ કરવાની યોજના બનાવી રહ્યા હતા. પંજાબ પોલીસે બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ દ્વારા વિદેશથી સંચાલિત પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI દ્વારા સમર્થિત બે આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરીને મોટી સફળતા મેળવી છે. પંજાબ પોલીસના ડીજીપી ગૌરવ યાદવે આ માહિતી આપી છે. પોલીસે ધરપકડ કરાયેલા આતંકવાદીઓ પાસેથી એક આરપીજી (એક લોન્ચર સહિત), 2.5 કિલોગ્રામ વજનના બે આઈઈડી, ડેટોનેટર સાથેના બે હેન્ડ ગ્રેનેડ, રિમોટ કંટ્રોલ સાથે 2 કિલો આરડીએક્સ, પાંચ પિસ્તોલ, છ મેગેઝિન, 44 જીવંત કારતૂસ, એક વાયરલેસ સેટ અને ત્રણ વાહનો જપ્ત કર્યા છે.

