
દિવ્ય વિભૂતિ બુદ્ધ, પવિત્રતાના મહાન ઉપાસક હતા. તેઓ માનવજાતના, ભ્રાતૃભાવનાના પરમ ઉપદેશક હતા. આર્યો કે અનાર્યો, જાત કે અજાત, સંપ્રદાય કે અસપ્રંદાય-બધાંને, ઈશ્વર માટે સમાન હક છે એવું દ્રઢતાથી માનતા અને ધર્મને નામે ઝઘડા કરનારને કહેતા, ''ધર્મને નામે શા માટે તમે એકબીજાનાં ગળાં કાપવા તૈયાર થાવ છો ? પવિત્રતા દ્વારા જ ઈશ્વરની વધુ નજીક જઈ શકાશે. પવિત્ર બનો. ભલા બનો. બધાંને ચાહો... બસ ! એજ પૂરતું છે પ્રાણીમાત્રની હિંસા નહિ... પ્રેમ...પ્રેમ...ને પ્રેમ જ રાખો.''
બુદ્ધ ભગવાન શિષ્યોને કહેતા, જાઓ, બધી જાતિઓમાં ધૂમી વળો. બધાં રાષ્ટ્રોમાં ધૂમો. સર્વકલ્યાણની શુભવાર્તા બધાંને શીખવો.... સર્વ જનકલ્યાણ માટે - સર્વજન હિતાય-સુખાય માટેય વિઘ્નરૂપ ન બનો.
નેપાળની તળેટીમાં, પૂર્વ ભાગમાં, ઈ.સ.પૂર્વે ૬૨૩માં વૈશાખી પૂર્ણિમાના દિને બુદ્ધનો જન્મ થયો હતો. જન્મનું નામ ગૌતમ-સિદ્ધાર્થ. પિતા શુદ્ધોદન... માતા માયાદેવી. સંસાર અસાર લાગવા માંડયો એટલે જીવનની સમસ્યાઓનો... દુઃખોનો ઉકેલ શોધવા ગૃહત્યાગ કર્યો, જે મહાભિનિષ્ક્રમણ કહેવાયો. આકરું તપ કર્યું ને મહાબોધ પામ્યા. ૪૫ વર્ષ સુધી કઠોર યાત્રાઓ કરી. દેશ-વિદેશમાં બૌદ્ધધર્મનો પ્રચાર-પ્રસાર કર્યો.
ભગવાન બુદ્ધ પ્રજ્ઞાવાન, મેઘાવી, શક્તિસંપન્ન, અને સ્પષ્ટ વિચારોવાળા દિવ્ય મહામાનવ હતા. જગત તેમના પગે પડતું પણ વિનમ્રપણે... સ્વસ્થતાથી તે કહેતા, ''હું તો માનવોમાંનો એક માનવું છું.''
ભગવાન બુદ્ધને કોઈકે પૂછયું, ''માનવ એટલે શું ?'' ત્યારે તેમણે કહ્યું, ''શરીર નહિ.... માત્ર ''ચારિત્ર્ય'' જે હંમેશ જરૂર છે. બધું ભલે નાશ પામે પણ 'ચરિત્ર' જ માનવજાતિનો ખજાનો છે. આ વિભૂતિની વિચારધારાથી અનેકનાં હ્ય્દયપરિવર્તન થયાં. દેશ-વિદેશમાં બૌદ્ધ ધર્મ ફેલાયો. ધર્મ શીખવવા તેમણે તલવારનો આશરો લીધો ન હતો. ભારતમાં એક મહાનરાજકીય ધર્મ બન્યો દેશવિદેશે આધર્મ દાનવૃત્તિ, પ્રાણીપ્રેમ, અહિંસા વગેરે બાબતે ચિરંજીવ છાપ છોડી ગયો.''
મૃતપ્રાણીનું માંસખાઈને જીવતા એક 'ચાંડાલ'ને લોકો ગામમાં પેસવા દેતા ન હતા. આ ચાંડાલે ભગવાન બુદ્ધને, ભોજન માટે આમંત્રણ આપ્યું. પ્રેમથી નિમંત્રણ સ્વીકારીને ભગવાન બુદ્ધે ભોજન લીધું. સમાનતાના ઉપદેશકે ચાંડાલનું ભોજન ખાધું.
મૃત્યુની નજીકની પળોમાં ભગવાન બુદ્ધ કહ્યું, ''મારા માટે વૃક્ષની નીચે પથારી પાથરો... મને લાગે છે મારું મૃત્યુ નજીક છે.'' તેઓ વૃક્ષ નીચે સૂતા ને કહ્યું, ''જાઓ... પેલા ચાંડાલને જઈને કહો કે તેણે મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. તેના ભોજનને કારણે તો હું 'નિર્વાણ' પામું છું.''
બુદ્ધે શિષ્ય આનંદને કહ્યું, ''તમારામાંના દરેક મારા જેવા જ માનવ છે. તમારા 'નિર્વાહ' માટે તમે ઉત્સાહ પૂર્વક કાર્ય કરજો. હું તમારામાંનો એક છું. આજે હું જે કંઈક છું, તે મેં મારી જાતને મેં જાતે જ ઘડી છે. તમે પણ તેમ કરવા પુરુષાર્થ કરજો. કસોટીની એરણ પરથી પાર થાવ ત્યારે તેને ચરિતાર્થ કરજો શ્રદ્ધાનું અનુશીલન કરજો.''
ભગવાન બુદ્ધને પ્રેમથી... ભાવથી.... શ્રદ્ધાથી યાદ કરી ધ્યાનસ્થ બની જઈએ તો, અંતરમાં બુદ્ધમ્ શરણમ્ ગચ્છામિ... સંઘમ્ શરણમ્ ગચ્છામિ... ધર્મમ્ શરણમ્ ગચ્છામિ... એવાં સૂત્રોનું મંગલ ગૂંજન પણ સાંભળવા મળે.
ચિંતન:-
- સર્વ ચિત્તવૃત્તિઓનો નિરોધ જ, ધર્મનું અંતીમ સાધ્ય છે.
- તૃષ્ણાઓના ક્ષયથી, દુઃખોનો નાશ થાય.
- વેરથી વેર ન મટે, પ્રેમથી મટે.
- ચોરી, હિંસા, વ્યભિચાર, અસત્ય, દુઃખરૂપ કર્મ છે.
- સ્વચ્છંદતા, દ્વેષ, ભય, મોહ-આ ચાર પાપ છે.
- વ્યસન, મદ્યપાન, જુગાર, કુસંગ, આળસ - સંપત્તિનો નાશ કરે છે.
અંતઃકરણ હોય ઊજળું, જડ તિમિર ટળી જાય,
સર્વ લાગે સુજવા, એ મહાપદનો મહિમાય.