
Gold price today: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘટયા બાદ સોનાના ભાવમાં ઉછાળો નોંધાયો છે. શુક્રવારે દેશની રાજધાની દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનાના ભાવ 1400 રૂપિયા વધીને 96,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયા છે. મળતી માહિતી અનુસાર, 99.5 ટકા શુદ્ધતા ધરાવતા સોનાનો ભાવ ટેક્સની સાથે 1400 રૂપિયા વધીને 96000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયા છે.
ગુરુવારે, 99.9 ટકા અને 99.5 ટકા શુદ્ધતા ધરાવતું સોનું અનુક્રમે 95,050 રૂપિયા અને 94,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું. શુક્રવારે, ચાંદીનો ભાવ પણ 1000 રૂપિયા વધીને 98,૦૦૦ રૂપિયા પ્રતિ કિલો થયો. છેલ્લા ટ્રેડિંગ સત્રમાં, ચાંદી 97000 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી.
આ દરમિયાન, આંતરરાષ્ટ્રીય બજારોમાં સ્પોટ ગોલ્ડ 50.85 ડોલર અથવા 1.57 ટકા ઘટીને 3,189.25 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થયું. મળતી માહિતી પ્રમાણે, યુએસ, યુકે અને ચીન જેવા મુખ્ય ભાગીદારો વચ્ચે સંભવિત વેપાર કરારોને કારણે બજારમાં ઉતાર-ચઢાવ આવ્યો હતો અને સોનાનો ભાવ 3,200 ડોલરની આસપાસ રહ્યો હતો. યુએસ ફેડરલ રિઝર્વ તરફથી નરમ વલણના કોઈ સંકેતો અને વ્યાજ દરોમાં તાત્કાલિક ઘટાડો ન થવાને કારણે બુલિયનમાં ખરીદીની ગતિ મર્યાદિત હતી. બજારના સહભાગીઓ યુએસ મેક્રોઇકોનોમિક ડેટાની રાહ જોઈ રહ્યા છે. નિષ્ણાતોના મતે, રોકાણકારો યુએસ ફેડરલ રિઝર્વની ઓપન માર્કેટ કમિટીના સભ્ય મેરી ડેલીની ટિપ્પણીઓની પણ રાહ જોઈ રહ્યા છે.
MCX ઉપર સોનાના ભાવ
એકબાજું સોનાના ભાવમાં બુલિયન માર્કેટમાં તેજી જોવા મળી ત્યારે બીજી બાજું વાયદા બજારમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. પાંચ જૂન 2025ના રોજ એક્સપોર્ટ થનારા ગોલ્ડ કોન્ટ્રાક્ટમાં 1164 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો. પ્રતિ 10 ગ્રામ સોનું 92005 રૂપિયા પર કારોબાર કરતો જોવા મળ્યો હતો.