Home / Business : No need for imports: Record wheat production in India, government clarifies

આયાતની જરૂર નથી: ભારતમાં ઘઉંનું રેકોર્ડ ઉત્પાદન,સરકારની ચોખવટ

આયાતની જરૂર નથી: ભારતમાં ઘઉંનું રેકોર્ડ ઉત્પાદન,સરકારની ચોખવટ

Wheat Production News :  ભારતમાં આ વર્ષે ઘઉંનું વિક્રમી ઉત્પાદન થયું છે. જેને પગેલ દેશમાં ઘઉંની સ્થાનિક માગ પૂરી થઈ શકશે અને આ વર્ષે આયાત કરવાની કોઈ જરૂર નહીં પડે. અગાઉ દેશમાં ઘઉંનું ઉત્પાદન ઓછું થશે, જેથી તેને ઓસ્ટ્રેલિયા સહિત વિદેશી ઘઉં આયાત કરવાની જરૂર પડશે અને તેના કારણે વૈશ્વિક સ્તરે ઘઉંના ભાવમાં ઉછાળો આવશે તેવી અટકળો બજારમાં ચાલતી હતી. પરંતુ હાલ પરિસ્થિતિ તેનાથી એકદમ વિપરિત છે, ભારતે ઘઉંની આયાત કરવાની જરૂર નહીં પડે. જે ભારત માટે એકંદરે રાહતની સ્થિતિ દર્શાવે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ વર્ષે ઘઉંનો પાક ગયા વર્ષ કરતા 40 લાખ ટન વધુ
ભારતમાં ઘઉંની અછતના પગલે વર્ષ ૨૦૨૨માં તેની નિકાસ પર પ્રતિબંધ મૂકાયો હતો. કાળઝાળ ગરમીના પગલે પાક પર અસર થતાં વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૪માં પણ સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લંબાવ્યો હતો. આ સમયમાં ઘઉંનો અનામત જથ્થો ખાલી થયો હતો અને ભાવ વિક્રમી સ્તરે પહોંચ્યા હતા, જેથી વર્ષ 2017 પછી પહેલી વખત ભારતે ઘઉંની આયાત કરવાની જરૂર પડશે તેવી એવી અટકળો થઈ રહી હતી. જોકે, દુનિયામાં ઘઉંના બીજા સૌથી મોટા ઉત્પાદક દેશ ભારતમાં પરિસ્થિતિ સુધરી છે. સરકાર દ્વારા ઘઉંની વહેલી ખરીદી શરૂ કરવામાં આવતા એવા સંકેતો મળી રહ્યા છે કે આ વર્ષે ઘઉંનો પાક ગયા વર્ષ કરતા 40 લાખ ટન વધુ થયો છે તેમ સરકારી અધિકારીઓએ કહ્યું હતું.

નવી દિલ્હી સ્થિત કૃષિ કન્સલટન્સી કંપની કોનિફેર કોમોડિટીઝના અધ્યક્ષ અમિત ઠક્કરે કહ્યું કે, તાજેતરના વર્ષોમાં સતત ઘઉંની આયાતની આશંકાઓ વચ્ચે દેશ છેવટે એવી સ્થિતિમાં પહોંચ્યો છે જ્યાં આ વર્ષે ઘઉંની આયાતનો ભય દૂર થઈ ગયો હોવાનું જણાય છે. ભારતમાં કૃષિ ચીજોની ખરીદી કરતી ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ સતત ત્રણ વર્ષ સુધી ખરીદીના લક્ષ્યાંકો ચૂકી ગયા પછી સ્થાનિક ખેડૂતો પાસેથી નવી સિઝનના 2.97 કરોડ મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરી છે. એફસીઆઈની ઘઉંની કુલ ખરીદી વધીને આ વર્ષે 3.2 કરોડથી 3.25 કરોડ ટન સુધી રહેવાની શક્યતા છે તેમ ફૂડ મિનિસ્ટર પ્રહ્લાદ જોશીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, 1 એપ્રિલથી શરૂ થયેલા માર્કેટિંગ વર્ષ પછી શરૂઆતમાં ઘઉંનો જથ્થો 1.18  કરોડ ટન હતો.

FCI એ આયાતની સંભાવનાઓ નકારી
એફસીઆઈ પાસે 4.4 કરોડ ટન ઘઉંનો જથ્થો હશે. દેશમાં અંદાજે 80 કરોડ ગરીબ જનતાને મફત અનાજ પૂરું પાડતા વિશ્વના સૌથી મોટા ખાદ્ય કલ્યાણ કાર્યક્રમને ચલાવવા માટે એફસીઆઈની વાર્ષિક 1.84 કરોડ ટન ઘઉંની જરૂરિયાત કરતાં ઘણો વધુ જથ્થો હોવાના સંકેત આપે છે. એફસીઆઈ દ્વારા ઘઉંના જથ્થામાં નોંધપાત્ર વધારાએ તેની આયાતની સંભાવનાઓ નકારી કાઢી છે.

દુનિયામાં ઘઉંના બીજા સૌથી મોટા ગ્રાહકને આયાતની જરૂર નહીં પડે તેવી અટકળો સાથે વૈશ્વિક સ્તરે અનાજના ભાવ દબાણ હેઠળ આવી શકે છે. કારણ કે ભારતમાં ઘઉંનું ઉત્પાદન આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા અને કેનેડા કરતાં વધુ છે જ્યારે સૌથી વધુ માગ ધરાવતા ચીનમાં પણ ઘઉંની માગ નબળી થઈ છે. વૈશ્વિક સ્તરે ઘઉંના ભાવ વર્ષ ૨૦૨૨ની વિક્રમી ટોચેથી અડધા થઈ ગયા છે. આ મહિને ઘઉંના ભાવ છેલ્લા પાંચ વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે.

 

Related News

Icon