
India Economy Growth: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ જૂન બુલેટિનમાં જણાવ્યું હતું કે, વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતની ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રોમાં આર્થિક ગતિવિધિઓ મજબૂત બની છે. બુલેટિનમાં પ્રકાશિત 'અર્થવ્યવસ્થાની સ્થિતિ' શીર્ષક હેઠળના અહેવાલમાં જણાવ્યું હતું કે, વેપાર નીતિની અનિશ્ચિતતાઓ અને જિઓ-પોલિટિકલ તણાવ વધતાં વૈશ્વિક અર્થવ્યવસ્થામાં અસ્થિરતાનો માહોલ સર્જાયો છે. પરંતુ ભારતનું અર્થતંત્ર મજબૂત ગતિ સાથે આગળ વધી રહ્યું છે.
ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રોમાં મજબૂત ગ્રોથ
વધતી વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે મે, 2025 માટે વિભિન્ન ઉચ્ચ આવર્તન સૂચકાંકો ભારતના ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રોમાં મજબૂત આર્થિક પ્રવૃત્તિ તરફ નિર્દેશ કરે છે. 2024-25 દરમિયાન, મોટાભાગના મુખ્ય પાકોના ઉત્પાદનમાં કૃષિ ક્ષેત્રે વ્યાપક વધારો જોવા મળ્યો છે. ઉપરાંત, સ્થાનિક ભાવની સ્થિતિ પણ અનુકૂળ રહી છે. મે મહિનામાં સતત ચોથા મહિને એકંદર ફુગાવો લક્ષ્યાંકથી નીચે રહ્યો છે.
એકંદર ફુગાવામાં ઊર્જા અને ખાદ્ય ચીજોની અસર થાય છે. વ્યાજ દરમાં ઘટાડાના લાભો ડેટ માર્કેટને અસરકારક રીતે પહોંચાડવા માટે નાણાકીય પરિસ્થિતિઓ પણ અનુકૂળ રહે છે. આરબીઆઈએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે બુલેટિનમાં પ્રકાશિત લેખમાં વ્યક્ત કરાયેલા વિચારો લેખકોના છે અને ભારતીય રિઝર્વ બેન્કના વિચારોનું પ્રતિનિધિત્વ કરતા નથી.