
Sensex today: એશિયાઈ બજારોમાં તેજીની વચ્ચે ભારતીય શેરબજારમાં ગુરુવારે બેતરફી વધઘટ બાદ સેન્સેક્સ અને નિફ્ટી તેજી સાથે બંધ રહેવામાં સફળ રહ્યા હતાં. ટ્રેડિંગના છેલ્લા અડધા કલાકમાં મજબૂત લેવાલીને કારણે મુખ્ય બેન્ચમાર્ક ઈન્ડેક્સ નિફ્ટી-50 અને સેન્સેક્સ ઝડપથી વધ્યા અને લીલા નિશાનમાં બંધ થયા હતાં. અગાઉ દિવસ દરમિયાન બજાર ક્યારેક સપાટ તો ક્યારેક ઘટાડે જોવા મળ્યું હતું.
અમેરિકી ટ્રેડ કોર્ટ તરફથી ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફ બિલ પર રોક લગાવ્યા બાદ આઇટી શેરોને નવું જોમ મળ્યું હતું. એફઆઇઆઇની લેવાલી અને વ્યાપાર તનાવમાં ઘટાડો થતાં નિફ્ટી અને સેન્સેક્સ એપ્રિલના નીચલા સ્તરે ક્રમશઃ લગભગ 13 ટકા અને 14 ટકા વધ્યા છે.
30 શેરોવાળો બીએસઈ સેન્સેક્સ 200 પોઈન્ટથી વધુ વધીને 81,591.03 પર ખુલ્યો. ખોલતાની સાથે જ તેમાં વધારો જોવા મળ્યો. જોકે, પાછળથી તે લાલ રંગમાં સરકી ગયું. તે અંતે ૩૨૦.૭૦ પોઈન્ટ અથવા ૦.39 ટકા વધીને 81,633.02 પર બંધ થયો હતો. તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 પણ 24,825.10 પર મજબૂત રીતે ખુલ્યો. ટ્રેડિંગ દરમિયાન તે ઘટીને 24,677.30 પોઈન્ટ પર આવી ગયો હતો. તે અંતે 81.15 પોઈન્ટ અથવા ૦.૩૩% વધીને 24,833.60 પર બંધ થયો.
બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ પણ વધારા સાથે બંધ થયા. બીએસઈ મિડકેપ પણ 0.48 ટકાના વધારા સાથે બંધ થયો અને સ્મોલકેપ ઇન્ડેક્સ પણ 0.39 ટકાના વધારા સાથે બંધ થયો. આ સમયગાળા દરમિયાન, બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ પાછલા સત્રમાં લગભગ રૂ. 444 લાખ કરોડથી વધીને રૂ. 446 લાખ કરોડ થયું. આના કારણે રોકાણકારે એક જ દિવસમાં 2 લાખ કરોડ રૂપિયાનો નફો કર્યો.
ટોપ ગેનર્સ અને લૂઝર્સ
સેન્સેક્સ કંપનીઓમાં, 30માંથી 24 શેરમાં વધારો જોવા મળ્યો. ઈન્ડસઇન્ડ બેંક, સન ફાર્મા, ઇટરનલ, અદાણી પોર્ટ્સ અને ટાટા સ્ટીલના શેરમાં મુખ્ય રૂપથી ઉછાળો રહ્યો. બીજી તરફ, બજાજ ટ્વિન્સ, એશિયન પેઇન્ટ્સ, આઇટીસી, ટીસીએસ અને એનટીપીસીના શેર લાલ નિશાનમાં બંધ થયા હતા.
નિફ્ટી 50ના ટોપ ગેઇનર્સ વિશે વાત કરીએ તો, ઈન્ડસઇન્ડ બેંકનો શેર ટોચ પર હતો, જેમાં ૨.૩૬ ટકાનો વધારો જોવા મળ્યો. આ પછી, સન ફાર્માના શેરમાં 2.01 ટકા, અદાણી પોર્ટ્સમાં 1.96 ટકા, એટરનલમાં 1.87 ટકા અને ટ્રેન્ટમાં 1.77 ટકાનો વધારો જોવા મળ્યો.
જો આપણે નિફ્ટી 50ના ટોપ લૂઝર્સ વિશે વાત કરીએ, તો એચડીએફસી લાઇફનો શેર ટોચ પર છે, જેમાં ૧.૦૯ ટકાનો ઘટાડો જોવા મળ્યો. આ પછી, ટાટા કન્ઝ્યુમર 1.04 ટકા, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ 0.94 ટકા, જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ 0.87 ટકા અને બજાજ ફાયનાન્સ 0.69 ટકા ઘટ્યા હતા.
સેક્ટોરલ ઈન્ડેક્સમાં 13 મુખ્ય સેક્ટરમાંથી દસમાં તેજી જોવા મળી
સ્થાનિક બજારમાં 13 મુખ્ય ક્ષેત્રોમાંથી દસમાં વૃદ્ધિ જોવા મળી. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી કંપનીઓના શેર 0.8% જેટલા વધ્યા અને બેન્ચમાર્ક માટે સૌથી વધુ ફાયદાકારક રહ્યા. મેટલ શેરોમાં 1.2%નો ઉછાળો જોવા મળ્યો. જિંદાલ સ્ટેનલેસ અને જેએસડબલ્યુ સ્ટીલ અનુક્રમે 3.8% અને 0.9% વધ્યા. આ પછી, નિફ્ટી રિયલ્ટી 1.14 ટકા, નિફ્ટી ફાર્મા 0.92 ટકા, નિફ્ટી આઇટી 0.77 ટકા અને નિફ્ટી ઓટો 0.51 ટકા વધ્યા હતાં, લગભગ તમામ સેકટોરિયલ ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા હોવા છતાં, એફએમસીજી ક્ષેત્ર અને પીએસયુ બેંકોમાં અનુક્રમે 0.13 ટકા અને 0.24 ટકાનો ઘટાડો જોવા મળ્યો.
ટ્રમ્પના ઇમ્પોર્ટ બિલ પર રોકથી બજારને નવું જોમ મળ્યું
અમેરિકાની એક ફેડરલ કોર્ટ દ્વારા બુધવારે, ટ્રમ્પને 'ઈમરજન્સી સત્તાઓ'ના કાયદાનો હવાલો આપીને આયાત પર મોટા ટેરિફ લાદવાથી અટકાવવામાં આવ્યા હતા. આ નિર્ણય ન્યૂયોર્ક સ્થિત યુએસ ઇન્ટરનેશનલ ટ્રેડ કોર્ટની ત્રણ ન્યાયાધીશોની સમિતિએ આપ્યો છે. આ કોર્ટના નિર્ણય પછી ટ્રમ્પની આ ટેરિફ લાદવાની યોજના અટકી ગઈ છે. ટ્રમ્પે કહ્યું કે ટેરિફ અમેરિકન ફેક્ટરીઓને ફરીથી જીવંત કરવામાં મદદ કરશે અને ફેડરલ બજેટ ખાધ ઘટાડવા માટે જરૂરી આવક પણ પૂરી પાડશે. પરંતુ ટ્રમ્પે પોતાની સત્તાનો ભંગ કર્યો હોવાનો આરોપ લગાવતા અનેક મુકદ્દમા દાખલ કરવામાં આવ્યા છે.
બુધવારે બજારની ચાલ કેવી રહી?
વૈશ્વિક બજારોમાં સકારાત્મક વલણ હોવા છતાં, ભારતીય શેરબજારો બુધવારે (28 મે) સતત બીજા ટ્રેડિંગ સત્રમાં લાલ નિશાનમાં બંધ થયા. 30 શેરો વાળા બીએસઇ સેન્સેક્સ 239.31 પોઈન્ટ અથવા 0.29% ઘટીને 81,312.32 પર બંધ થયા. તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)નો નિફ્ટી-50 પણ 73.75 પોઈન્ટ અથવા 0.30% ઘટીને 24,752.45 પર બંધ થયો.
વૈશ્વિક બજારોની સ્થિતિ શું છે?
ગુરુવારે એશિયન બજારોમાં તેજી જોવા મળી. આ એક અમેરિકન કોર્ટના નિર્ણયને કારણે આવ્યું છે. અમેરિકાની એક ફેડરલ કોર્ટે બુધવારે ચુકાદો આપ્યો કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પારસ્પરિક ટેરિફ લાદીને પોતાના અધિકારનો ભંગ કર્યો છે.
જાપાનનો નિક્કી 1.16 ટકા વધ્યો. જ્યારે બ્રોડર ટોપિક્સ ઈન્ડેક્સ 1.11 ટકા વધ્યો. કોસ્પીમાં ૧.૦૭ ટકાનો વધારો થયો અને ASX200માં ૦.27 ટકાનો વધારો થયો. યુએસ કોર્ટના ચુકાદા અને એનવિડિયાના પ્રોત્સાહક પરિણામોને પગલે યુએસ ફ્યુચર્સ વધ્યા. એસ&પી 500 ફ્યુચર્સ 1.44 ટકા વધ્યા. નાસ્ડેક 100 ફ્યુચર્સ 1.76 ટકા વધ્યા અને ડાઉ જોન્સ ફ્યુચર્સ 1.15 ટકા વધ્યા. એસ&પી 500 0.56 ટકા ઘટ્યો. નાસ્ડેક કમ્પોઝિટ 0.51 ટકા અને ડાઉજોન્સ 0.58 ટકા ઘટ્યા.