
આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ ક્ષેત્રે ઉભી થયેલી સ્પર્ધામાં રહેવા ભારતે પણ નવેસરથી વ્યૂહ રચના કરીને નક્કર પોલીસી ઉભી કરવી પડશે. ભારતનું AI હબ બનવાનું સપનું આસાનીથી સાકાર બને એમ નથી કેમકે ભારત ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં ભલે અગ્રેસર હોય પણ ટેકનોલોજીના સંશોધનમાં તે બહુ પાછળ છે. ભારતની આ વર્ષો જુની સમસ્યા છે. વિશ્વના દેશો ભારતને એક બજાર તરીકે જોવે છે કેમકે ભારતના લોકોની ખરીદ શક્તિ વધી છે. સંશોધનમાં ભારતે અન્ય દેશોના સંશોધનો પર આધારિત રહેવાનું મન માનવી લીધું હતું. ઉદાહરણ તરીકે ઇન્ટરનેટના સર્ચ એન્જીન ગુગલની સ્પર્ધામાં ઉભું રહી શકે એવું કોઇ સર્ચ એન્જીન ભારતની કંપનીઓ બનાવી શકી નહોતી કેમકે રિસર્ચ પાછળ આ કંપનીઓ બહુ ધ્યાન નથી આપતી. ચીને પોતાનું સર્ચ એન્જીન બનાવીને ગુગલને પડકાર્યું હતું. હવે જ્યારે AI ની સ્પર્ધાનો સામનો કરવાનો આવ્યો છે ત્યારે અમેરિકા અને ચીને લીધેલાં પગલાંને સમજવા જોઇએ. યુરોપીયન સંધે AI નિયમન પણ બહાર પાડયા છે ત્યારે ભારત હજુ વિચારણાના સ્ટેજ પર છે. ભારતે મિશન માટે બજેટમાં ૧૦,૦૦૦ કરોડ ફાળવ્યા છે પરંતુ તે દિશા વિહિન છે. કામોને સંસદની મંજૂરી અપાવીને તેને કાયદાનું કવચ આપવાની જરૂર છે. ભારતે AIની ઇકો સિસ્ટમ પણ ઉભી કરવી પડશે. ભારતની આઇટી કંપનીઓ સર્વિસ સેક્ટર તરીકે ઉભરી આવી છે પણ સંશોધન ક્ષેત્રે તે બહુ આગળ નથી આવી.
AI એકેડેમી
ભારતની કેટલીક કંપનીઓ AI એકેડેમી ઉભી કરી રહી છે તો કેટલીક તેમના સ્ટાફ માટે ઇવનીંગ ક્લાસ ચલાવી રહી છે. જ્યારે બજારમાં ટેલેન્ટની જરૂર છે ત્યારે આવા ક્લાસીસ બહુ મહત્વના સાબિત થઇ શકે છે. ઓનલાઇન કોર્સીસ પણ લોકો કરી રહ્યા છે. એવો હાઉ ઉભો થયો છે કે જે લોકો AI સિસ્ટમનો જાબમાં ઉપયોગ નહીં કરી શકે તે બહુ લાંબુ નહીં ટકી શકે. સર્વિસ સેક્ટર સાથે સંકળાયેલા લોકો માટેનું બેઝીક નોલેજ આપવા માટે પણ અનેક કંપનીઓ સક્રિય બની છે. કેટલીક કોલેજો પણ AI સિસ્ટમ દરેક વિદ્યાર્થીઓને સમજાવી રહી છે. એક અહેવાલ અનુસાર હાલમાં ૫૭ ટકા ઉદ્યોગો AI ટેલેન્ટથી પીડાઇ રહી છે. પોતાના કારખાનામાં AIનો ઉપયોગ કેવી રીતે થઇ શકે તે સમજવા માંગે છે પરંતુ AI ટેલેન્ટનો અભાવ આડે આવી રહ્યો છે.
Paytmના ફાઉન્ડર કહે છે કે AI જોબ કાપશે
પેટીએમના ફાઉન્ડર વિજય શેખર શર્માએ કહ્યું છેકે હવે જ્યારે રોજીંદી બિઝનેસ કાર્યવાહીમાં AI નો ઉપયોગ વધ્યો છે તે જોતાં એમ લાગે છે કે વહેલા મોડા AI લોકોની જોબ ખાઇ જશે. એટલેકે આંચકી લેશે. તેમણે કહ્યું છે કે વર્તમાન જોબ પર AIની અસર પડવી અનિવાર્ય છે. જાકે સાથે સાથે તેમણે એવી પણ આશા વ્યક્ત કરી હતીકે નવી જોબનું પણ મોટા પાયે નિર્માણ થશે. દિલ્હીમાં AI પર ફોક્સ કરતા ઇવેન્ટમાં તેમણે કહ્યું હતું કે જે કંપનીઓ તેના ઉત્પાદનની પ્રોસેસમાં AI આધારીત ફેરફાર નથી કરતી તે લાંબાગાળે પસ્તાય છે કેમકે તેનો ઉત્પાદનનો ખર્ચ વધે છે અને પ્રોડક્ટ શાર્પનેસ ગુમાવી દે છે. ઉત્પાદનના અનેક તબક્કા AIના કારણે ઓટોમેટીક બની જાય છે .પરંતુ સાથે સાથે નવી સ્કીલ્ડ રોજગારી માટેના દરવાજા ખોલી આપશે.AI ક્ષેત્રે ભારતની હરણફાળ જરૂરી છે.