
- બુલિયન બિટ્સ
દેશના ઝવેરીબજારોમાં વિતેલા સપ્તાહમાં સોના- ચાંદીના ભાવ વધ્યા મથાળે દબાણ હેઠળ જોવા મળ્યા હતા. ચોમાસાની ગતિ આગળ વધતાં ઝવેરીબજારોમાં ઓફ સિઝન જેવી સ્થિતિ જોવા મળી છે. હવે પછી તહેવારોની મોસમમાં બજારોમાં ચહલપહલ ફરી વધવાની આશા બજારના જાણકારો બતાવી રહ્યા હતા. સપ્તાહના અંતે વિશ્વબજારના સમાચાર કિંમતી ધાતુઓમાં ઝડપી વધ્યા હતા. વિશ્વબજારમાં ભાવ નીચા ઉતરતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી છે અને તેના પગલે દેશના ઝવેરીબજારોમાં ઉંચા મથાળે વેચનારા વધુ તથા લેનારા ઓછા જેવી સ્થિતિ જોવા મળી છે. ચાંદીમાં રેકોર્ડ તેજી વચ્ચે હવે ભાવમાં રૂ,૧,૨૫,૦૦૦ની સપાટી પર બજારના ખેલાડીઓ મીટ રહી હતી. સપ્તાહના અંતે ભારતના ઝવેરી બજારમાં સોનાના ભાવ ફરી રૂ.૧,૦૦,૦૦૦ ની સપાટી કુદાવી રૂ,૧,૦૧,૦૦૦ પહોંચી ગયા છે. જ્યારે ચાંદીના ભાવ રૂ,૧,૧૧,૦૦૦ આંબી ગયા છે. દરમિયાન, વિશ્વબજારમાં સપ્તાહના અંતે સોનાના ભાવ ઔંશના ભાવ ઊંચામાં ૩૩૬૫ ડોલર સુધી ગયા હતા. વિશ્વબજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરના ગ્લોબલ ઈન્ડેક્સમાં તાજેતરમાં બેતરફી વધઘટ જોવા મળી હતી અને તેના પગલે વિશ્વબજારમાં સોનાના ભાવ ઉંચેથી ઘટયા પછી ફરી ઉંચા જતા દેખાયા હતા. વૈશ્વિક સોનામાં ઉછાળે ડોલર ઈન્ડેક્સની મજબુતાઈના પગલે ફંડોની વેચવાલી દેખાઈ હતી ત્યારે ડોલર ઈન્ડેક્સ ફરી ઘટતાં વૈશ્વિક સોનામાં ઘટાડે ફંડો ફરી દાખલ થતા પણ જોવા મળ્યા હતા. સોના પાછળ વિશ્વબજારમાં ચાંદી, પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવમાં પણ બેતરફી વધઘટ તાજેતરમાં જોવા મળતાં બજારના ખેલાડીઓમાં મુંઝવણ પણ જોવા મળી હતી.
વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશદીઠ ઉંચામાં ૩૮ ડોલરની સપાટી પાર કરી ગયા છે. જે ઉપરમાં ૩૮.૨૫ ડોલરની ૧૩ વર્ષની રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા છે. કોપરમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની ટેરીફથી ભાવમાં વધ્યા મથાળે તાજેતરમાં ખાસ્સો પ્રત્યાઘાતી આંચકો જોવા મળ્યો હતો તથા તેની અસર વૈશ્વિક ચાંદીના ભાવ પર દેખાઈ હતી જ્યારે વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવમાં જોવા મળેલી વધઘટની અસર વૈશ્વિક સોનાના ભાવ પર પણ જોવા મળી હતી. વિશ્વબજારમાં કોપરના ભાવ ટનના જે તાજેતરમાં વધી ઉંચામાં ૧૦ હજાર ડોલર નજીક પહોંચી ગયા હતા તે ત્યારબાદ ઝડપી ગબડી નીચામાં ૯૬૦૦ ડોલર સુધી ઉતરી ગયાના સમાચાર દરીયાપારથી મળ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ વધ્યા પછી ઘટતાં તેની અસર વૈશ્વિક સોનાના ભાવ પર જોવા મળી હતી. વિશ્વબજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ બેરલના ઉંચામાં ૭૦ ડોલર ઉપર જઈ મજબૂતાઈ બતાવતા હતા. ક્રૂડ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકે જુલાઈ પછી હવે ઓગસ્ટ મહિના માટે પણ ક્રૂડના ઉત્પાદનમાં ઊંચી વૃધ્ધિનો નિર્ણય કહ્યાના વાવડ મળ્યા હતા. આ દરમિયાન અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક આશરે ૭૧થી ૭૨ લાખ બેરલ્સ જેટલો વધ્યો હોવાનું અમેરિકન પેટ્રોલીયમ ઈન્સ્ટિટ્યૂટના સૂત્રોએ જણાવ્યું હતું. આના પગલે વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવમાં ઉછાળાને અનુસરવામાં સાવચેતીનો સૂર સંભળાયો હતો.
દરમિયાન, વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ઉંચામાં ૧૪૦૦ ડોલર નજીક પહોંચ્યા પછી છેલ્લે ૧૩૮૫ ડોલર નજીક રહ્યા હતા. જ્યારે વૈશ્વિક પેલેડીયમના ભાવ ઉંચામાં ૧૨૦૦ ડોલર ઉપર ગયા પછી છેલ્લે ૧૨૦૫ ડોલર જેટલા રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ ઉંચેથી ઘટી જીએસટી વગર નીચામાં ૯૬ હજારની અંદર ઉતરી રૂ.૯૫૭૦૦ આસપાસ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧,૧૧,૦૦૦ હજાર આસપાસ ટ્રેડ થતા દેખાયા હતા. મુંબઈ બજારમાં સોના- ચાંદીના જીએસટી સાથેના ભાવ ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની છાશવારે બદલાતી ટેરીફ નિતીના પગલે વિશ્વબજારના ખેલાડીઓમાં મુંઝવણ તથા અજંપો પણ વધ્યાના નિર્દેશો મળ્યા હતા. દરમિયાન, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા મુજબ વૈશ્વિક સોનાના ઈટીએફમાં ઈન્ફલો આ વર્ષના પ્રથમ છ મહિનાના ગાળામાં નોંધપાત્ર વધતાં છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ સર્જાયાના સમાચાર મળ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઉંચા જતા તેના પગલે ગોલ્ડ માઈનિંગ કંપનીઓના શેરોના ભાવ પણ વૈશ્વિક શેરબજારોમાં ઉંચા ગયાના સમાચાર મળ્યા હતા.
દરમિયાન, વિશ્વબજારના સમાચાર મુજબ ચીન દ્વારા સોનાની ખરીદી વધી છે તથા છેલ્લા સતત આઠ મહિનાથી ચીન વિશ્વબજારમાંથી સોનાની ખરીદી કરતું જોવા મળ્યું છે. જૂનમાં પણ ચીનની આવી ખરીદી ચાલુ રહી હતી તથા જુલાઈમાં પણ ચીનનું આવું વલણ કન્ટીન્યુ રહ્યાની ચર્ચા બજારમાં સંભળાઈ રહી હતી.
દરમિયાન, અમેરિકાના ફેડરલ રિઝર્વની જે છેલ્લી મિટિંગ મળી હતી તેની મિનિટ્સ બહાર આવી છે અને આ મિનિટ્સમાં એવા સંકેતો મળ્યા છે કે ટેરીફની કડક નિતી છતાં અમેરિકામાં આગળ ઉપર ફુગાવો કન્ટ્રોલમાં રહેશે તથા વ્યાજના દરમાં ઘટાડો થવાની શક્યતા જણાઈ રહી છે. આના પગલે વિશ્વબજારમાં ડોલરના ભાવ પર નબળાઈની તથા સોનાના ભાવ પર મજબુતાઈની અસર પણ દેખાઈ હતી. વૈશ્વિક સોનામાં ઉંચામાં ૩૩૨૦ ડોલરની સપાટી મહત્ત્વની ગણાઈ રહી છે. આ સપાટી પાર થતાં ઉંચામાં ભાવ ૩૩૭૫થી ૩૪૦૦ ડોલર સુધી જવાની શક્યતા જાણકારો બતાવતા હતા. નીચામાં ૩૨૯૦ ડોલરની સપાટી તૂટશે તો ભાવ ૩૨૪૫થી ૩૨૫૦ ડોલર થવાની શક્યતા બતાવાતી હતી.
- દિનેશ પારેખ