
Business: જૂન-2025માં ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ગોલ્ડ ETFs)માં રોકાણકારોનો મજબૂત રસ જોવા મળ્યો. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એમ્ફી) દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, આ શ્રેણીમાં ચોખ્ખો પ્રવાહ 6 ગણો વધીને ₹2,080.85 કરોડ થયો. મે મહિનામાં ગોલ્ડ ઇટીએફમાં માત્ર ₹291.91 કરોડનું રોકાણ આવ્યું હતું. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે સોનાના વધતા ભાવને કારણે રોકાણકારોનો ગોલ્ડ ઇટીએફ તરફ ઝુકાવ વધ્યો છે.
જાન્યુઆરી પછી ગોલ્ડ ઇટીએફ માં સૌથી મોટો માસિક વધારો
જાન્યુઆરી પછી એક જ મહિનામાં ગોલ્ડ ઇટીએફ માં આ સૌથી વધુ પ્રવાહ છે. એટલું જ નહીં, માર્ચ અને એપ્રિલમાં સુસ્ત પ્રવાહ પછી આ વધારો ગોલ્ડ ઇટીએફમાં રિકવરી દર્શાવે છે.
એપ્રિલમાં ગોલ્ડ ઇટીએફમાંથી રોકાણકારોએ ₹5.82 કરોડ અને માર્ચમાં ₹77.21 કરોડ પાછા ખેંચી લીધા હતા. મહિના દરમિયાન બે નવા ગોલ્ડ ઇટીએફ લોન્ચ કરવામાં આવ્યા હતા, જેમાં ₹41 કરોડનો ઉમેરો થયો હતો. અત્યાર સુધીમાં, 2025માં ગોલ્ડ ઇટીએફમાં કુલ ચોખ્ખો પ્રવાહ ₹8,000 કરોડને વટાવી ગયો છે.
ગોલ્ડ ઇટીએફમાં મહિનાનું રોકાણ (₹ કરોડમાં)
જાન્યુઆરી ૩,૭૫૧.૪૨
ફેબ્રુઆરી ૧,૯૭૯.૮૪
માર્ચ - ૭૭.૨૧
એપ્રિલ - ૫.૮૨
મે ૨૯૧.૯૧
જૂન ૨,૦૮૦.૮૫
સોનાના ભાવ અને રોકાણ બંને વધ્યા
ટાટા એસેટ મેનેજમેન્ટના ચીફ બિઝનેસ ઓફિસર આનંદ વરદરાજને જણાવ્યું હતું કે, "તાજેતરમાં સોનાએ ભાવ અને પ્રવાહ બંનેમાં મજબૂતી દર્શાવી છે. ગોલ્ડ ઇટીએફ માં લગભગ ₹2,000 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે રોકાણકારો માત્ર વૈવિધ્યકરણ ઇચ્છતા નથી પરંતુ આ કિંમતી ધાતુના પ્રદર્શનનો લાભ પણ મેળવવા માંગે છે."
મિરે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ઇન્ડિયા) ના ડિસ્ટ્રિબ્યુશન અને સ્ટ્રેટેજિક એલાયન્સના વડા, સુરંજના બોરથાખુરે જણાવ્યું હતું કે, "વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ગોલ્ડ ઇટીએફમાં મજબૂત રોકાણ પ્રવાહ જોવા મળ્યો છે."
ઇક્વિટી ફંડ્સમાં રૂ. 23,568 કરોડનું રોકાણ આવ્યું
એમ્ફી કહે છે કે મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં ચોખ્ખો પ્રવાહ સતત 52મા મહિને સકારાત્મક રહ્યો છે, જે રોકાણકારોના સતત વિશ્વાસને દર્શાવે છે. ડેટા અનુસાર, જૂનમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રૂ. 23,587 કરોડનું રોકાણ થયું હતું, જે મે મહિનામાં રૂ. 19,013 કરોડના રોકાણ કરતાં વધુ છે.પાંચ મહિનાના ઘટાડા પછી નેટ ઇક્વિટી ફંડ ઇનફ્લોમાં આ પ્રથમ વધારો છે.જૂનમાં એસઆઇપી દ્વારા રોકાણ વધીને ₹27,269 કરોડના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે. મે મહિનામાં એસઆઇપી ઇનફ્લો ₹26,688 કરોડ હતો.
એસેટ અન્ડર મેનેજમેન્ટ વિક્રમી સ્તરે પહોંચ્યું
એમ્ફીના આંકડા પ્રમાણે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનો એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) રૂ. ૭૫ લાખ કરોડ તરફ આગળ વધી રહ્યો છે. જૂન મહિનામાં રૂ. ૪૯,૦૦૦ કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું હતું, જે મે મહિનામાં રૂ. ૨૯,૦૦૦ કરોડ હતું. આ રોકાણ સાથે, ઉદ્યોગનો એયુએમ જૂન સુધીમાં રૂ. ૭૪.૪ લાખ કરોડ સુધી પહોંચી ગયો, જે મે મહિનાના અંતમાં રૂ. ૭૨.૨ લાખ કરોડ હતો.