ડભોઇ તાલુકાના પૂડા ગામની સીમમાં કપાસના ખેતરમાંથી ગતરોજ હસમુખભાઈ ભવનભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 45 ખેતરમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. સિક્યોરિટીની નોકરી કરતા યુવકની માથાના ભાગે ગંભીર ઈજા થયેલી હોય હત્યાની આશંકા સેવાઈ રહી હતી. ત્યારે ડભોઈ પોલીસે ડોગ સ્કોડ, એફએસએલ, એલસીબી સહિત સ્થાનિક પોલીસની ટીમો ભેદ ઉકેલવા કામે લાગતા ગણતરીમાં કલાકમાં જ સફળતા મળી છે. હત્યારાઓ મૃતકના મિત્ર હોવાનું સામે આવતા જ પરિવારમાં અરેરાટી વ્યાપી હતી. પૈસાની લેવડદેવડ બાબતે બે મિત્રો દ્વારા જ મિત્રની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

