
અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ રજૂ થયા બાદ અનેક સવાલો ઉભા થયા છે. તેમાં એર ઈન્ડિયા, બોઈંગના નિવેદનો અને સરકારના રિપોર્ટમાં વિરોધાભાસ જોવા મળ્યો છે. હાલમાં જએક મહત્ત્વની વાત જાણવા મળી છે કે, આ દુર્ઘટનાના માત્ર ચાર અઠવાડિયા પહેલાં જ બ્રિટનની સિવિલ એવિએશન ઓથોરિટી (CAA)એ ફ્યુલ કંટ્રોલ સ્વિચ મુદ્દે એલર્ટ આપ્યું હતું. તેણે બોઈંગ 787 ડ્રીમલાઈનર સહિત પાંચ મોડલ પર રોજિંદા તપાસના નિર્દેશ આપ્યા હતાં. પરંતુ એર ઈન્ડિયાએ તેને અવગણ્યો હતો અને ફ્યુલ સ્વિચની ચકાસણી કરી ન હતી.
બ્રિટનની CAAએ 15 મેના રોજ સિક્યોરિટી એલર્ટ જાહેર કર્યું હતું કે, બોઈંગના અમુક વિમાનોમાં લગાવેલી ફ્યુલ શટઑફ વૉલ્વ એક્ટુએટર એક સંભવિત જોખમ ઉભુ કરી શકે છે. જેથી તમામ એરલાઈન ઓપરેટર્સને નિર્દેશ આપવામાં આવ્યા હતાં કે, તે FAAના એરવર્ધીનેસ ડાયરેક્ટિવ (AD)ની સમીક્ષા કરે. એલર્ટમાં બોઈંગના 737, 757, 767, 777 અને 787 મોડલ સામેલ હતાં. આ મોડલના વિમાન ધરાવતી એરલાઈન્સને નિર્દેશ આપવામાં આવ્યા હતાં કે, પોતાના વિમાનો પર ફ્યુલ શટઑફ વૉલ્વ એક્ટુએટરની તપાસ, ટેસ્ટિંગ કરી જરૂરિયાત મુજબ ફેરફાર કરો. ઉલ્લેખનીય છે, જેમાંથી 787 મોડલ અમદાવાદમાં ક્રેશ થયુ હતું.
એર ઈન્ડિયાએ એલર્ટને અવગણ્યું
એર ઈન્ડિયાએ આ એલર્ટની અવગણના કરી હતી. એર ઈન્ડિયાએ જણાવ્યું કે, FAA દ્વારા 2018માં જાહેર સ્પેશિયલ એરવર્ધીનેસ ઈન્ફોર્મેશન બુલેટિન (SAIB) માત્ર એક સલાહ હતી, જે ફરિજ્યાત ન હતી. આથી અમે ફ્યુલ કંટ્રોલ સ્વિચની તપાસ કરી નહીં. AAIB દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રારંભિક રિપોર્ટમાં લખ્યું હતું કે, એર ઈન્ડિયા પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સલાહ હોવાથી તેણે ટેસ્ટિંગ કર્યું નહીં.કારણકે, SAIBએ માત્ર સલાહ આપી હતી, ફરિજ્યાતપણે ચકાસણી કરવા કહ્યુ ન હતું. VT-ANB વિમાનના થ્રોટલ કંટ્રોલ મોડ્યુલ 2019 અને 2023માં બદલવામાં આવ્યા હતાં. પરંતુ તે ફ્યુલ કંટ્રોલ સ્વિચ સંબંધિત નથી.
શું કહ્યું પ્રારંભિક રિપોર્ટમાં?
પ્રારંભિક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, 2023 બાદથી VT-ANB વિમાનમાં ફ્યુલ કંટ્રોલ સ્વિચ સંબંધિત કોઈ સમસ્યા આવી નથી. હવે આ સૌથી મોટો ગંભીર સવાલ બન્યો છે કે, એર ઈન્ડિયાએ CAAના 15 મે, 2025ની સુરક્ષા ચેતવણીને કેમ ગંભીરતાપૂર્વક લીધી ન હતી. જ્યારે આ એલર્ટ ઓપરેટર્સ માટે સ્પષ્ટરૂપે કાર્યવાહી કરવાનો સંકેત આપી રહ્યું હતું. જો સલાહ હોય તો પણ એર ઈન્ડિયાની જવાબદારી બને છે કે, તે વિમાનના નિર્દેશિત મોડલની ફ્યુલ સ્વિચની એકવાર ચકાસણી કરી ખરાઈ કરે.