
ગુજરાતમાં સૌથી વધારે છોટાઉદેપુરમાં ૭૦થી ૯૦ હજાર ચારોળાના વૃક્ષો આવેલા છે. અને અહીં ના આદિવાસીઓ માટે પુરક રોજગારી પૂરી પાડે છે. છોટાઉદેપુરના લગભગ ૧૦થી ૧૫ ગામોમાં ચારોળાના વૃક્ષો આવેલા છે, અને તે અહીંના આદિવાસીઓ માટે એક પુરક રોજગારી પૂરી પાડતા સ્ત્રોત તરીકે જોવા મળી રહ્યા છે.
90 હજાર વૃક્ષોનો ઉછેર
છોટાઉદેપુર જિલ્લો એ કુદરતી સંપદાનો અનમોલ ખજાનાનો વારસો ધરાવતો વિસ્તાર છે. વાત પછી ઓરસંગના વિશાળ પટની હોય કે પછી લીલાછમ જંગલોની. અહીંના જંગલોની ગોદમાં 70થી 90 હજાર ચારોળીના વૃક્ષો ઉછરે છે. અહીં નવેમ્બર બાદ તેમાં ફૂલો આવવાનું શરુ થાય છે. ત્યારબાદ ફેબ્રુઆરીથી જૂન વચ્ચે તેમાં ફળ આવે છે. ચારોળા તરીકે ઓળખાતા ફળને ભાંગતા તેમાંથી જે બીજ મળે છે. તે ચારોળી તરીકે ઓળખાય છે. દર વર્ષે લગભગ ૫ હજાર કિલો ચારોળાના ફળ છોટાઉદેપુર જિલ્લામાંથી પ્રાપ્ત થાય છે. જેમાંથી ૩ હજાર કિલોની આસપાસ ચારોળી મળે છે.
સૂકાયેલા બીજનો ઉપયોગ
ચારોળાના બીજ સૂકાઈને નીચે પડે છે ત્યારે ગામવાસીઓ તેને ભેગા કરીને તેમાંથી ચારોળી કાઢે છે. જેનું વૈજ્ઞાાનિક નામ બુકનાનીયા લંઝન છે. ચારોળીનો મુખ્ય ઉપયોગ મીઠાઈઓને સજાવવા માટેના સૂકા મેવા તરીકે થાય છે. ઉપરાંત આયુર્વેદિક અને યૂનાની દવાઓમાં પણ વપરાય છે.જેનું એકત્રીકરણ વનવિભાગની વનીકરણ મંડળીઓના સદસ્યો કરે છે. તેના વેચાણમાંથી મળતો નફો લગભગ એક હજાર ગામવાસીઓને આપવામાં આવે છે.
10 હજાર ચારોળાના છોડ ઉગાડ્યા
સૂત્રોના જણાવ્યા અનુસાર ૧૫થી ૨૦ વર્ષ જૂનુ એક ચારોળાના વૃક્ષમાંથી ૫થી ૭ કિલો ચારોળાના ફળ પ્રાપ્ત થાય છે. જેમ-જેમ વૃક્ષ જૂનુ થાય તેમ તે વધુ ચારોળાના ફળ આપવા સક્ષમ બની જાય છે. હાલ છોટાઉદેપુરના જંગલોમાં આપમેળે ઉગેલા ૨૦થી ૪૦ વર્ષ જૂના ચારોળાના ૩૦થી ૪૦ હજાર વૃક્ષો આવેલા છે. આ ઉપરાંત છેલ્લા પાંચ વર્ષમાં વન વિભાગે ઓછામાં ઓછા ૧૦ હજાર ચારોળાના છોડ ઉગાડયા છે.