
Ahmedabad news: ગેરકાયદેસર રીતે દેશમાંથી અમેરિકા મોકલવાના કૌભાંડમાં મહત્ત્વનું અપડેટ સામે આવ્યું છે. જેમાં કબૂતરબાજીના સૂત્રધાર બોબી ઉર્ફે ભરત પટેલના ભાગીદાર ઝાકીર શેખને અમદાવાદની ગ્રામ્ય કોર્ટે 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બે દિવસ અગાઉ જ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઝાકીર શેખની હૈદરાબાદથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, આરોપી ઝાકીર શેખ સામે ભારત સરકારે લૂકઆઉટ સર્ક્યુલર અને ઈન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ ઈશ્યૂ કરવામાં આવી હતી.
કબૂતરબાજી કેસના આરોપી ઝાકીર શેખની હૈદરાબાદ ખાતેથી SMC દ્વારા ધરપકડ કર્યા બાદ આજે આરોપીને ગ્રામ્ય કોર્ટમાં SMC દ્વારા 11 મુદ્દાઓના આધારે 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. કોર્ટમાં આરોપી સહ-આરોપીઓ સાથે લાંબા સમયથી ભાગીદારી રાખી સાથે મળી આંતરરાષ્ટ્રીય નેટવર્ક ચલાવી રહ્યા હોવાની રજૂઆત કરાઈ હતી. ગેરકાયદેસર અને ખોટા પાસપોર્ટ આધારે અમેરિકા સહિતના દેશોમાં મોકલવાનું આંતરરાષ્ટ્રીય નેટવર્કના મૂળ સુધી પહોંચવા તેમજ સમગ્ર કેસની ઊંડાણપૂર્વક તપાસ માટે રિમાન્ડની માંગ કરી હતી. આ કેસમાં આરોપી અત્યાર સુધી કેટલા ખોટા પાસપોર્ટ બનાવ્યા કેટલા લોકોને વિદેશ મોકલ્યા તે મુદે તપાસ જરૂરી હોવાનું કોર્ટને જણાવ્યું હતું. આ સમગ્ર કૌભાંડમાં અન્ય કેટલા લોકોની સંડોવણી છે તે મુદ્દે તપાસ કરવી જરૂરી હોવાની રજૂઆત કરાઈ છે.
આ કેસનો આરોપી ભરત પટેલ અને તેનો સાગરિત ઝાકીર શેખ પેરીસ, બાર્સેલોના, દુબઇ નેપાળ ખાતે નાસતો ફરતો હતો. આરોપીએ અત્યાર સુધી 200 લોકોને વિદેશ મોકલ્યા છે. જેથી ગ્રામ્ય કોર્ટ આરોપીના 2 મે 2025 સુધીનાં રિમાન્ડ કર્યા મંજૂર કર્યા છે.