
દ્વારકા જિલ્લામાં પણ સતત નકલી અધિકારીઓની હારમાળા જોવા મળી રહી છે. થોડા દિવસો પહેલા નકલી એડિશનલ કલેક્ટર અને કમિશનર વિગેરે મસમોટા નકલી હોદા ધારણ કરનાર યુવક ઝડપાયો હતો, તો હવે દ્વારકા જિલ્લામાંથી નકલી CID અધિકારીઓ ઝડપાયા છે.
ખંભાળિયા પોલીસે ખંભાળિયા-જામનગર નેશનલ હાઈવે પરથી નકલી અધિકારીને ઝડપી પાડ્યો છે. કાળા કલરની સ્કોર્પિયો કારમાં સરકારી ગાડીમાં હોઈ તેવી લાલ અને બ્લુ લાઈટ અને સાયરન લગાવી નીકળતા બે યુવકો ઝડપાયા છે. કોઇપણ જાતનો હોદો ન હોવા છતાં પણ અમદાવાદનો યુવક CID ગુજરાત સ્ટેટના ડુપ્લીકેટ ઓળખ કાર્ડ દેખાડી રોફ જમાવી રહ્યો હતો. ખંભાળિયા ટ્રાફિક પોલીસ દ્વારા સ્કોર્પિયો કારની તપાસ કરતા તેમાંથી દારૂ અને બિયરનો જથ્થો પણ મળ્યો હતો. આરોપી વિરુદ્ધ અલગ અલગ બે ગુન્હા દાખલ કરી દ્વારકા જિલ્લા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નકલી CID અધિકારી બની લોકો સમક્ષ રોફ બતાવતો આરોપી દિગ્વિજયસિંહ અમદાવાદના ધોળકા તાલુકાના ગાંગડ ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ પણ આ પ્રકારે ખંભાળીયામાં નકલી અધિક કલેકટર ઝડપાયો હોવાનું સામે આવ્યું હતું.