
ભણશે ગુજરાત, વાંચશે ગુજરાતના સૂત્રો પોકારવામાં આવી રહ્યાં છે પણ વાસ્તવમાં ગુજરાતમાં સરકારી શિક્ષણની અવદશા છે કેમકે, ખુદ સરકાર-શિક્ષણ વિભાગ જ ખાનગી શિક્ષણને ખુલ્લેઆમ પ્રોત્સાહન આપી રહ્યુ છે. આ કારણોસર ગુજરાતમાં સરકારી શાળાઓના પાટિયાં પડી રહ્યાં છે, અને બીજી બાજુ ખાનગી શાળાઓનો રાફડો ફાટી નીકળ્યો છે.
525 શાળાઓને તાળાં
એક રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં છેલ્લાં આઠેક વર્ષમાં જ 525 સરકારી શાળાઓને ખંભાતી તાળાં વાગ્યાં છે. આ ઉપરાંત ગુજરાત સરકાર વિદ્યાર્થીઓની સંખ્યા નહિંવત્ત હોવાના બહાને 5912 સરકારી શાળાઓને બંધ કરવાની ફિરાકમાં છે. જે રાજ્યમાં શિક્ષણની સ્થિતિ કથળી રહી હોવાનું ચિત્ર દર્શાવે છે.
સુવિધાના અભાવે ખાનગી શાળાઓ તરફ દોટ
સરકારી શાળાઓમાં યોગ્ય સુવિધાઓ અને શિક્ષણના અભાવે લોકો ઉંચી ફી હોવા છતાં ખાનગી શાળાઓ તરફ દોટ માંડી છે. ડોનેશન આપવા મજબૂર બની રહ્યા છે. આ સ્થિતિથી વાકેફ સરકારની શાળાઓમાં ચિત્ર કઇંક ઉલટુ છે. આર્થિક રીતે પરવડે તેવી ફી હોવા છતાંય સરકારી શાળાઓ ખાલીખમ છે. શાળાઓમાં શિક્ષકો જ નથી. છેવાડાના સરહદી જિલ્લાથી માંડીને આદિવાસી-પછાત વિસ્તારોમાં શાળાઓમાં તો કોઈ શિક્ષકો જ નથી. ગુજરાતમાં 1600 શાળાઓમાં તમામ વર્ગના વિદ્યાર્થીઓને એક જ શિક્ષક અભ્યાસ કરાવે છે.