
ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ICAR અને રાજ્યના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના વૈજ્ઞાનિકો, કૃષિ યુનિવર્સિટીઓના તજજ્ઞોના સહયોગથી આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન તા. ૨૯મી મે થી ૧૨ જૂન સુધી દેશભરમાં યોજાવાનું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં આ અભિયાનનો પ્રારંભ આણંદ કૃષિ યિનિવર્સિટીથી કરાવ્યો હતો.
ગુજરાતમાં આ અભિયાન અંતર્ગત ૨૩૫ તાલુકાઓના ૨૯૫૧ ક્લસ્ટર થકી ૩.૫૦ લાખથી વધુ ખેડૂતો સુધી સીધા પહોંચવાનું વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. આણંદ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો, કૃષિ તજજ્ઞો, કૃષિ વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતો ગામડે-ગામડે ફરીને ખેડૂતોની મુલાકાત કરશે.
વિવિધ બાબતો વિશે જાણકારી આપવામાં આવશે
આ મુલાકાત દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ, આધુનિક અને જલવાયુ પરિવર્તન અનુરૂપ ખેત પદ્ધતિ, નવા સંશોધિત બિયારણો, નેનો ફર્ટિલાઇઝર, સોઇલ હેલ્થ કાર્ડના ઉપયોગ ઉપરાંત જરૂરિયાત પૂરતો જ ખાતરનો ઉપયોગ કરવા જેવી કૃષિલક્ષી જાણકારી આપવામાં આવશે. આ ઉપરાંત ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂતો હિતલક્ષી સહાય યોજનાઓ અંગે પણ માહિતગાર કરવામાં આવશે.
આણંદ કૃષિ યુનિવર્સિટી ઝોનમાં સમાવિષ્ટ ૯ જિલ્લાઓના ૭૯૩ ગામોના અંદાજે ૧ લાખ ૨ હજારથી વધુ ખેડૂતો, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ૭ જિલ્લાના ૪૬૫ ગામોના ૮૦ હજાર ખેડૂતો, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અંતર્ગતના ૧૦ જિલ્લાના ૯૩૩ ગામોના ૧.૨૦ લાખ ખેડૂતો અને નવસારી કૃષિ યુનિવર્સિટી ઝોનના ૭ જિલ્લામાં ૭૬૦ ગામોના ૭૧ હજારથી વધુ ખેડૂતો એમ સાડા ત્રણ લાખથી વધુ ખેડૂતોને આ અભિયાન હેઠળ આવરી લેવાનું સઘન આયોજન રાજ્ય સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે કર્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અભિયાન રાજ્યના ખેડૂતો માટે ઘરેબેઠા ગંગાનો અવસર ગણાવતા ઉમેર્યુ કે, કૃષિ ક્ષેત્રે નવિન શોધ-સંશોધનની માંગને પારખીને આધુનિક ટેકનોલોજી અને વિજ્ઞાનના શ્રેષ્ઠ ઉપયોગથી નેનો યુરીયા ખાતર અને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કૃષિ ક્ષેત્રે કેવી રીતે કરી શકાય એનું ઉત્તમ ઉદાહરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતે પુરું પાડ્યું છે.