
Ahmedabad News: અમદાવાદની એક મહિલા તેનાં પતિના અવસાન બાદ સારા જીવનસાથીની શોધમાં હતી. તેને એક જીવનસાથી મળ્યો પણ ખરો, પણ તે જીવનસાથીએ મહિલાને પહેલા વિશ્વાસમાં લીધી, તેની સાથે શરીરસંબંધ બાંધ્યા અને અંતે રૂપિયા દાગીનાં લઈને રફુચક્કર થઈ ગયો. આ મામલે પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.
ઓનલાઈન એપ્પ. મારફતે સંપર્કમાં આવ્યા
ઈસનપુર પોલીસે સમગ્ર મામલે મૂળ પોરબંદરના વતની આર્યન પટેલ નામના યુવકને સુરતના ભેસ્તાનથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી સામે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં એક વિધવા મહિલાએ દુષ્કર્મ અને છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. ઈસનપુરમાં રહેતી 41 વર્ષીય મહિલાનાં થોડા વર્ષો પહેલા લગ્ન થયા હતા, જેમાં પતિ સાથે મનમેળ ન થતા તેણે છુટાછેડા લઈને બીજા લગ્ન કર્યા હતા, જોકે તેનાં પતિનું પણ અવસાન થયું હતું. જે બાદ એક વર્ષ પહેલા જીવનસાથી મેરેજ એપ્લીકેશન મારફતે તે જીવનસાથીની શોધમાં હતી, જ્યાં તેનો પરિચય આર્યન પટેલ સાથે થયો હતો. આર્યન પટેલે પોતે પણ છુટાછેડા લીધા છે તેમ કહીને મહિલાને લગ્નનો પ્રસ્તાવ મુક્યો, અને જૂન 2024માં તે મહિલાને મળવા માટે અમદાવાદ આવ્યો હતો.
મહિલાનાં ઘરે ગયો અને પોતે કરોડપતિ હોવાની મોટી વાતો કરી
આ આરોપીએ મહિલાને હોટલમાં મળવા બોલાવી જોકે મહિલાએ ના પાડતા તેણે તેનાં ઘરે મળવા માટે મંજૂર કરી, આરોપી આર્યન પટેલ ઈસનપુર ખાતે મહિલાનાં ઘરે ગયો અને પોતે કરોડપતિ હોવાની મોટી મોટી વાતો કરી ગાંધીનગર ખાતે મહિલાને લઈ જઈને 7 કરોડ રૂપિયાની કિંમતનો વિલા મહિલાનાં નામે બુક કરાવ્યો. જેના બુકિંગ પેટે 50 લાખ રૂપિયાનો ચેક આપ્યો, જે બાદ મહિલાનાં બે દિકરાઓ માટે લક્ઝુરીયસ કાર બુક કરાવી હતી. તેમજ મહિલાનાં દિકરાને ધંધામાં સેટ કરવાનું કહીને ટીવીએસનો શો રૂમ બનાવી આપતા મહિલાનાં દિકરાનાં નામે ભાડા કરાર કરાવ્યો.
તાત્કાલિક 10 લાખ રૂપિયાની જરૂર છે તેમ કહી મહિલા પાસેથી રૂપિયા માંગ્યા
મહિલા આ બધી બાબતોનાં કારણે આર્યન પટેલનાં ઝાંસામાં આવી ગઈને અને તેણે મહિલાનાં ઘરમાં જ તેની સાથે શરીરસંબંધ બાંધ્યો. જે બાદ તેણે પોતાને તાત્કાલિક 10 લાખ રૂપિયાની જરૂર છે તેમ કહીને મહિલા પાસેથી રૂપિયા માંગ્યા, ફરિયાદીએ પોતાની 4 લાખની ફિક્સ ડિપોઝીટ તોડાવી આર્યનને રોકડા આપ્યા અને બાદમાં તે મહિલાનાં અઢી ત્રણ લાખનાં દાગીનાં પણ લઈને રફુચક્કર થઈ ગયો.
યુવકે પણ છુટાછેડા લીધા હતા, પહેલા લગ્નથી તેને 2 બાળકો છે
આરોપીને સુરતથી પકડી ઈસનપુર પોલીસે પુછપરછ કરતા સામે આવ્યું કે, તે પોરબંદર જિલ્લાનાં બોખીરા ગામનો વતની છે, તેણે સુરતમાં બીએસસી માઈક્રો બાયોલોજીનો અભ્યાસ કર્યો અને બાદમાં લંડન ખાતે એમબીએ ફાયનાન્સનો અભ્યાસ કર્યો હતો. જે બાદ તે લંડનમાં એક બેંકમાં પીઆરઓ તરીકે નોકરી કરતો હતો. ભારત પરત આવી તે મુંબઈમાં કોલ સેન્ટરમાં નોકરીએ લાગ્યો અને તે દરમિયાન રાજસ્થાનની યુવતી સાથે લગ્ન કર્યા હતા. જે લગ્ન જીવનમાં તેને બે બાળકો પણ છે, જોકે પત્ની સાથે મનમેળ ન થતા તેણે પત્નીને છુટાછેડા આપી દીધા હતા. જે બાદથી તે એકલવાયુ જીવન વિતાવતો હતો.
યુવકે લૂંટ, અપહરણ, છેતરપિંડી સહિત 6 ગુનામાં જેલવાસ ભોગવ્યો છે
આરોપી આર્યન પટેલે વર્ષ 2014માં તેણે મુંબઈમાં અઢી કરોડની છેતરપીંડી કરી હતી, વર્ષ 2019માં અને 2022માં સુરતમાં ઉમરા પોલીસ સ્ટેશન ખાતે લૂંટ, અપહરણ અને મારામારી તેમજ છેતરપીંડીનાં ગુનામાં, તેમજ પોરબંદરમાં ચાંદીની છેતરપીંડીનાં ગુનામાં, વડોદરામાં મારામારીનાં ગુનામાં એમ કુલ 6 જેટલા ગુનામાં 7 વર્ષથી વધુ સમય જેલવાસ ભોગવી ચુક્યો છે. આ આરોપીએ આ રીતે અન્ય કોઈ મહિલાને ફસાવીને પૈસા પડાવ્યા છે કે કેમ તે અંગે ઈસનપુર પોલીસે તપાસ કરવા આરોપીનાં રિમાન્ડ મેળવ્યા છે.