
Surendranagarઃ સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓને પોલીસનો કોઈ ખોફ રહ્યો નથી. Surendranagar ના થાનગઢના રૂપાવટી વિસ્તારમાં તંત્રે દરોડો પાડી ખનીજ માફિયાઓનો ૧૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાંત અધિકારીએ જાતે જ પેટ્રોલિંગ કરી ખનીજ માફિયાઓમાં ધાક બેસાડી છે.
જણાવી દઈએ કે ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા અને મામલતદાર થાનગઢની ટીમને ખનીજ માફિયાઓ દ્વારા રાત્રે ખનન પ્રવૃતિ કરાતી હોવાની બાતમી મળી હતી. જેના આધારે ગત મોડી રાત્રે Surendranagar ના થાનગઢ તાલુકાના જુદાજુદા વિસ્તારોમાં ગેરકાયદેસર થતું ખનન સંપૂર્ણપણે બંધ કરવાના હેતુથી પ્રાંત અધિકારી સહિતની મોટી ટીમે પેટ્રોલિંગ કર્યું હતું.
થાનગઢ તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં પેટ્રોલિંગ દરમિયાન પ્રાંત સાહેબના માર્ગદર્શન હેઠળ થાનગઢના રૂપાવટી નદી વિસ્તારમાં રાત્રે 3:30ના અરસામાં નદીના પટમાં એક ચરખી ઉભી કરી અને કાર્બોસેલ કાઢવાનો પ્રયત્ન કરાયાનું જાણવા મળ્યું હતું. તંત્રની ટીમોએ તાત્કાલિક પહોંચી જઈ 2 (બે)તદન નવા સ્વરાજ ટ્રેક્ટર, 2 (બે) જનરેટર તેમજ 1 (એક) ચરખી સાથે 17 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વહેલી સવારે 4:30 કલાકે પકડાયેલ મુદ્દામાલ થાનગઢ મામલતદાર કચેરીએ લઈ જવાયો છે.
નદી કિનારેથી ઝડપાયેલા સાધનોનો માલિક કોણ છે તેની તપાસ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. થાનગઢ પંથકમાં વર્ષોથી ગેરકાયદે ખનીજ ખનન પ્રવૃતિ થઈ રહી છે. આ વિસ્તારમાંથી અબજો રૂપિયાનું ખનીજ ખનન થઈ ગયેલ છે. અત્યાર સુધી કોની મહેરબાની હેઠળ આવી પ્રવૃત્તિ ચાલી? તે સવાલ તપાસનો વિષય બની ગયો છે.