
Rain In Gujarat: ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 3.7 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બનાસકાંઠાના કાંકરેજમાં 3.5 ઈંચ, સુરેન્દ્રનગરના લખતરમાં 3.4 ઈંચ, વલસાડમાં 3.23 ઈંચ, વાપીમાં 3.15 ઈંચ, વાવ તાલુકામાં 3.0 ઈંચ અને કલ્યાણપુરમાં 3.0 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે શનિવારે હવામાન વિભાગે 10 જેટલા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.
10થી વધુ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ, શનિવારે (પાંચમી જુલાઈ) સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં અતિભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ અને બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
રાજ્યમાં આગામી છઠ્ઠી અને સાતમી જુલાઈના રોજ નવસારી અને વલસાડ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, છોટા ઉદેપુર, દાહોદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે.
આઠમીથી 10મી જુલાઈની આગાહી
આઠમી જુલાઈએ અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, વલસાડ, છોટા ઉદેપુર, દાહોદ, 9 જુલાઈએ નવસારી અને વલસાડ અને 10 જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.