દેશની બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથની રથયાત્રા આગામી 27 જૂનના રોજ અમદાવાદમાં યોજવાની છે. ચાલુ વર્ષે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા માત્ર રથ અને પ્રસાદની ટ્રક સાથે નીકળે તેવી શક્યતા હોવાની વાત વચ્ચે મંદિર પ્રશાસન તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે દર વર્ષની જેમ પરંપરાગત રીતે જ રથયાત્રા નીકળશે. દર વર્ષની જેમ અખાડા, ભજન મંડળી અને શણગારેલી ટ્રકો વગેરે સાથે રથયાત્રા નીકળવાની છે. રાજ્ય સરકાર અને જમાલપુર જગન્નાથ મંદિરના ટ્રસ્ટીની સાથે રથયાત્રાની તૈયારીઓને લઈને બેઠક કરવામાં આવી હતી. જેમાં દર વર્ષની જેમ પરંપરાગત રીતે જ રથયાત્રા નીકળે છે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષની રથયાત્રામાં કુલ 101 ટ્રક પોતાના વિશેષ શણગારની સાથે ભાગ લેશે.

