
- વિન્ડો સીટ
વાંગ મંગ (જન્મ ૧૯૩૪) જાણીતા ચીની લેખક છે. તેમની નવલિકા 'શિયાળુ વરસાદ'નો ગુજરાતી અનુવાદ પારસી લેખિકા શિરીન કુડચેડકરે કર્યો છે.
કોઈ શિક્ષક ટ્રોલીબસની રાહ જોઈ રહ્યા હતા. વરસાદી સાંજ. સખત ઠંડી. બે દિવસ પહેલાં બરફ પડેલો. છત્રી હતી નહિ. વાળ, ગરદન, કપડાં, બધું ભીનું. જમણા પગમાં સાંધાનો દુખાવો. શિક્ષકના મનમાં નિશાળના વિચારો ઘુમરાયા કરે. ન તેમને વિદ્યાર્થીઓ પ્રત્યે પ્રેમ જાગ્યો હતો, ન વિદ્યાર્થીઓ તેમને પસંદ કરતા હતા. આ કારણે તેઓ પ્રિન્સિપાલની ટીકાનો ભોગ પણ બન્યા હતા.
ટ્રોલીબસ આવતાં લોકોનું ટોળું હુડુડુ કરતું અંદર ધસ્યું. ગડબડમાં શિક્ષકનો પગ કોઈ જુવાનિયાના બૂટ પર પડી ગયો. 'તમે કેમ લોકોના પગ પર પગ મૂકીને ચાલો છો?' પેલો તાડૂક્યો. શિક્ષકે માફી માગી. જુવાન અસભ્યતાથી બોલ્યો, 'જોતા નથી? નવા બૂટ છે!' વાતાવરણ તંગ થતું ચાલ્યું. તેટલામાં ટ્રોલીને બીજે છેડેથી તાળીઓનો અવાજ. લોકો વાંકા વળીને બારીઓ તરફ જોતા હતા અને હસતા હતા. શિક્ષક તે તરફ સરક્યા. જુએ તો ટૂંકા ચોટલાવાળી એક છોકરી ઘૂંટણભર બેસીને બારીના કાચ પર કશું ચીતરે છે. વરાળનું પડ બારીઓ પર છવાયું છે અને છોકરી આંગળી વડે ઘર દોરી રહી છે. એની પાસે ઘૂંટણભર બેઠેલો નાનો છોકરો નવા નવા વિષય સૂચવે છે, 'ઝાડ દોર, હા, નાનું ઝાડ, હવે ફૂલ, ફૂલ.' ડાબી તરફની બધી બારીઓ એનાં ચિત્રોથી ભરાઈ ગઈ છે : બતકનું બચ્ચું, પાણી દર્શાવતી ત્રણ લીટી, વાવટાવાળી સ્ટીમર, પાંચ નાના તારા, પર્વતમાળા... એક જાડી સ્ત્રી કહે છે, 'આ વધારે સરસ છે,' કોઈ વૃદ્ધા કહે છે, 'ડાહી છોકરી, તારા હાથમાં આવડત છે.'
ગાંગવાશીનું બસ સ્ટોપ આવ્યું. ટ્રોલી પરથી હારબંધ ઊતરતા લોકો નાની કલાકારને વખાણતા ચાલ્યા. સાંભળ્યું ન સાંભળ્યું કરી, જમણી તરફની બારીઓ તરફ જતી છોકરી બોલી, 'ચાલ ભઈલા, બીજું એક દોરીએ.' બધાંએ તેમને ગરદીમાંથી માર્ગ કરી આપ્યો.
બસ પિંગાન સ્ટ્રીટ આગળ પહોંચે છે. ટ્રોલીની દરેક બારી પર નાની કલાકાર પોતાની કલાકૃતિ મૂકી ગઈ છે... લોકો તેનું નામ પૂછે છે.. તે માત્ર સ્મિત કરે છે. છોકરીની નજર શિક્ષક પર પડી. બસમાંથી ઊતરતાં પહેલાં તે નીચી નમી, 'મારા ગુરુજી...' તેના ભાઈએ પણ નમન કર્યું. સૌની નજર હવે શિક્ષક પર. 'આ તમારી શિષ્યા?' 'તમે સારું કામ કર્યું છે.' બધાંએ શિક્ષક તરફ મૈત્રીભરી દ્રષ્ટિથી જોયું. પેલા જુવાનિયાના ચહેરે ભોંઠપ વર્તાઈ. કન્ડક્ટરે લાઇટ ચાલુ કરી. દીવા નીચે કાચ-ચિત્રો જીવંત બન્યાં. ઉતારુઓએ એકમેકને ઉષ્માથી નિહાળ્યા, અને પરસ્પર સ્મિત કર્યું. આ હવે રિંગ રોડની ટ્રોલી રહી નહોતી. આ હતી સ્ફટિકની બારીઓવાળી ટ્રોલી. આગળની બેઠક પર બે પ્રેમીઓ નિકટ સરક્યાં. આ સામાન્ય જૂની ટ્રોલીમાં કોઈ જાદુ ફેલાઈ ગયો...
આ વાર્તા જાણે બે વિભાગમાં વહેંચાયેલી છે : છોકરીએ ચિત્રો કર્યાંં તે પહેલાંનું વાતાવરણ અને ચિત્રો કર્યાં પછીનું. પહેલાંનો પરિસર ઉદાસ કરી મૂકનારો હતો : બરફવર્ષા પછીની ટાઢ, વરસાદ, છત્રીનું ન હોવું, પલળેલાં કપડાં, બસની લાંબી કતાર. વળી શિક્ષકને શારીરિક પીડા હતી (સાંધાનો દુખાવો) અને માનસિક ઉદ્વેગ હતો (શિક્ષક તરીકેની કારકીર્દિથી અસંતોષ અને પ્રિન્સિપાલનો ઠપકો). જુવાનિયા સાથેની ચડભડથી શિક્ષકના મનમાં (અન્ય ઉતારુઓના મનમાં પણ) ખિન્નતા ફેલાઈ હતી. એવામાં હાસ્યના અને તાળીના અવાજ પ્રસરવા લાગ્યા. કુદરતને-પ્રકૃતિને ન બદલી શકાય પણ આપણે પોતાની પ્રકૃતિને તો બદલી શકીએ. નાની છોકરીએ કલાનો કરતબ દેખાડયો. સૌંદર્યો પી ઉરઝરણ ગાતું થયું. ઉતારુઓ પ્રસન્ન થતાં ચાલ્યાં. બાળકમાં આમેય ચૈતન્ય વધારે હોય, સૌમાં ચૈતન્યસંચાર થયો. મનુષ્યનો સ્થાયી ભાવ આનંદનો છે. એને આવશ્યક ઉદ્દીપન પૂરું પાડયું બાળકલાકારે. છોકરીને પહેલવહેલી કોણે વખાણી? જાડી બાઈએ અને વૃદ્ધાએ. આવી સ્ત્રીઓ સાધારણપણે સમાજની ઉપેક્ષા પામતી હોય. છોકરીએ કોઈની પ્રશંસા કાને ન ધરી. વાહ વાહને અવગણે, પોતાની મસ્તીમાં રાચે, તે કલાકાર સાચો.
શિક્ષક પર કોઈનું ધ્યાન નહોતું, પણ છોકરીએ તેમને નમન કર્યું એટલે સૌને આદરભાવ ઊપજ્યો. આચરેકરને સૌ તેંડુલકરના ગુરુ તરીકે જ જાણે છે. શિક્ષકને આત્મસન્માન પાછું મળ્યું. પારસી ધર્મમાં શીખવે છે કે મનુષ્યમાત્રમાં એક ઘેટું અને એક વરુ વસે છે. આપણે સામેની વ્યક્તિમાં રહેલું વરુ નહિ પણ ઘેટું બહાર આવે તેવી વર્તણૂક કરવી જોઈએ. છોકરીની રમતિયાળ વર્તણૂકને લીધે ઉતારુ પરસ્પર સ્મિત કરવા લાગ્યા. ખખડધજ બસ જાણે સ્ફટિકમય થઈ ગઈ. બસની બારી પરનું ચિત્રસૌંદર્ય ટકે પળ-બે પળ.
પરંતુ પળ-બે પળ શું ઓછી છે?
- ઉદયન ઠક્કર