
અમદાવાદ શહેરમાં બીઆરટીએસ દ્વારા થતા અકસ્માત રોકવા તંત્ર દ્વારા સ્વિંગ ગેટ લગાવવામાં આવ્યા હતા પરંતુ વર્તમાન સમયે સ્વીંગેટ શોભાના ગાંઠિયા બન્યા છે. જાણીને નવાઈ લાગશે પરંતુ BRTSના ટ્રેકમાં વાહનો પ્રવેશવાને કારણે છેલ્લા છ વર્ષમાં નાના મોટા ૧૫૫૧ અકસ્માત થયા છે જેમાં ૩૨ લોકોના મોત થયા છે.
સામાન્ય રીતે બીઆરટીએસ ટ્રેકમાં વાહન ચલાવવું ગુનો બને છે. ટ્રેકમાં વાહન ચલાવતી વખતે થતા અકસ્માતને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ ૨૦૧૯માં સ્વિંગ ગેટનો પ્રયોગ કરવામાં આવ્યો. 89 કિલોમીટરના રૂટમાં 250 જેટલા ગેટ લગાવવામાં આવ્યા જે આશરે ૬ કરોડનાં ખર્ચે ટેકનો ક્રેટ કંપનીને ગેટનું કામ સોંપવામાં આવ્યું હતું. સ્વિંગ ગેટ એ સેન્સર આધારિત સિસ્ટમ છે જેથી બસ આવે ત્યારે જ ગેટ ઓપન થાય અને બસ સ્ટેન્ડ પરથી પસાર થઈ ગયા બાદ ગેટ બંધ થઈ જાય. ગેટ તો લગાવાયા પણ મેન્ટેનન્સના અભાવે મોટા ભાગના ગેટ હાલ વર્કિંગ કન્ડિશનમાં નથી પરિણામે આવા ટ્રેકમાં વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે.
વાહનો ટ્રેકમાં પસાર થવાથી રોજ અકસ્માત પણ થાય છે નાના મોટા અકસ્માત તો સમજ્યા પરંતુ મોત પણ થઈ રહ્યા છે. BRTS કોરિડોર અકસ્માત ની વાત કરીએ તો,
વર્ષ | અકસ્માત | મોત |
2019 | 134 | 9 |
2020 | 130 | 2 |
2021 | 290 | 5 |
2022 | 404 | 4 |
2023 | 346 | 7 |
2024 | 230 | 5 |
2025 (જાન્યુઆરી) | 17 | 0 |
આ બાબતે વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણનું કહેવું છે કે, "સત્તાધારી પાર્ટી દ્વારા વિવિધ પ્રોજેક્ટ કરવામાં આવે છે પરંતુ દેખરેખના અભાવે નિષ્ફળ સાબિત થાય છે. પ્રજાના પૈસાનું પાણી થાય છે." તો આની સામે તંત્રનું કહેવું એમ છે કે, "બને તેટલા ઝડપથી સ્વિંગ ગેટ શરૂ કરવામાં આવશે."
બીઆરટીએસ આવી ત્યારથી અમદાવાદ માટે કોઈની કોઈ સમસ્યા સતત રહી છે. રસ્તા સાંકડા થવા જેના કારણે ટ્રાફિકજામ થવો અને સાથે અકસ્માતોમાં વધારો વગેરે જેવી સમસ્યા બીઆરટીએસને કારણે સર્જાય છે . હવે જોવાનું એ રહ્યું કે આ સમસ્યા ક્યારે દૂર થાય છે.