
દેશની સૌથી વધુ પ્રદૂષિત નદી પૈકીની એક એવી સાબરમતી નદી શુદ્ધિકરણની કામગીરી ઉપર વીસ દિવસની કામગીરી પછી પૂર્ણ વિરામ મુકી દેવાયુ છે. સુભાષબ્રિજથી આંબેડકર બ્રિજ સુધી 11 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી નદીની પુરી સફાઈ કરવાના બદલે માત્ર છ કિલોમીટરથી વધુ સફાઈ કામગીરી થઈ હોવાનું બતાવી કામગીરી પુરી થઈ હોવાની કોર્પોરેશને જાહેરાત કરી છે.
945 ટન કચરો નદીમાંથી બહાર કઢાયો હોવાનો દાવો
સાબરમતી નદી શુદ્ધિકરણ દરમિયાન 945 ટન કચરો નદીમાંથી બહાર કઢાયો હોવાનો દાવો કરવામા આવ્યો છે. પરંતુ આટલી મોટી માત્રામા કચરાનો નિકાલ કરાયો હશે કે કેમ એ બાબતને લઈ આશંકા વ્યકત કરાઈ રહી છે. ઉપરાંત નદીની વચ્ચેના ભાગમાંથી કાંપ પણ કાઢવામાં આવ્યો નથી. નદી સફાઈની કામગીરી અડધોઅડધ બાકી હોવા છતાં હવે નદીને ફરીથી બે કાંઠે વહેતી કરવા પાણી છોડવા સિંચાઈ વિભાગ સાથે વાતચીત શરુ કરાશે.
11 કિલોમીટરથી વધુ વિસ્તારમાં નદી સફાઈ કરવાના બદલે છ કિલોમીટર કામગીરી કરાઈ
મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ દ્વારા અગાઉ 14 મેથી સાબરમતી નદીની સફાઈ શરુ કરવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ નદીમાં પાણી હોવાથી એક દિવસ પછી એટલે કે પંદર મેથી સફાઈની કામગીરી શરુ કરવામાં આવી હતી. સાબરમતી રિવરફ્રન્ટના કુલ 11 કિલોમીટર વિસ્તારમાં નદીની સફાઈ કરવાની જાહેરાત કરાઈ હતી. સુભાષબ્રિજથી શરુ કરવામા આવેલી નદીની સફાઈ કામગીરી એલિસબ્રિજ સુધી આવીને અટકી પડી હતી.
નદીના કિનારાના ભાગમા જ સફાઈ કરવામા આવી
આ સમયે એક અધિકારીએ કબૂલ્યુ હતુ કે, એલિસબ્રિજથી નદીના આગળના ભાગમાં પાણી હોવાના કારણે નદીની સફાઈ કરવી શકય બને એમ નથી.જે પછી ગુરુવારે સરદારબ્રિજ પાસે આવેલા એન.આઈ.ડી.પાસેના નદીના પટ્ટામાં તથા અટલબ્રિજ નીચેના ઘાટ વિસ્તારમાંથી નદીની સફાઈ કરવામા આવી હોવાનો દાવો રિવરફ્રન્ટ કોર્પોરેશને કર્યો છે. નદી સફાઈની કામગીરી પણ નદીના કિનારાના ભાગમા જ કરવામા આવતી હતી.
1 લાખથી વધુ લોકોએ સફાઈમાં ભાગ લીધાનો દાવો
કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ તરફથી 4 જુન સુધીમાં સાબરમતી નદીની સફાઈમાં એક લાખથી વધુ લોકોએ ભાગ લીધો હોવાનું કહી સાબરમતી નદીના સરદાર બ્રિજ પછીના વિસ્તારમાં સફાઈ અભિયાન ઉપર પૂર્ણ વિરામ મુકી દીધું છે. કોર્પોરેશન અને સિંચાઈ વિભાગના અધિકારીઓ વચ્ચેની બેઠક પછી નદીમાં ફરી પાણી છોડાશે.
166 ટન પ્લાસ્ટિકનો કચરો નદીમાંથી કઢાયો
સાબરમતી નદીમાંથી 166 ટન પ્લાસ્ટિકનો કચરો, 86 ટન કાપડ, 90 ટન લાકડું, અને 608 ટન જેટલો અન્ય કચરો મળી કુલ 945 ટનથી વધુ કચરાનો નિકાલ કરાયો હોવાનો સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા દાવો કરવામાં આવ્યો છે.