
મનપસંદ ઘર ખરીદવા માટે મોટાભાગના લોકો આજે હોમ લોનનો સહારો લઈ રહ્યા છે. પરંતુ આ મોંઘવારીના જમાનામાં ઓછા પગાર સાથે લોન ઈએમઆઈ, ખર્ચાઓ અને બચત ત્રણેયને મેનેજ કરવા મુશ્કેલ છે. પરંતુ જો તેનું યોગ્ય આયોજન કરવામાં આવે તો તે સરળતાથી મેનેજ થઈ શકે છે. તેના આયોજન માટે 30:30:30:10ની ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકો છો.
તમારા પગારને હંમેશા 30:30:30:10ના રેશ્યોમાં ફાળવવો પડશે. આ નિયમ અનુસાર તમે તમારા પગારની ખર્ચ, બચત અને રોકાણમાં યોગ્ય ફાળવણી કરી શકો છો. જેથી મહિનાના અંતે પડતી નાણાભીડ તો બચી શકો છો, સાથે સાથે ઈમરજન્સી અને ભવિષ્ય માટે ફંડ પણ ભેગુ કરી શકો છો.
આ રીતે પગારની ફાળવણી કરો
30% - પગારનો 30 ટકા હિસ્સો રોજિંદા જીવનની જરૂરિયાતો પૂરી કરવા માટે ફાળવો, જેમ કે, ઘરનું રાશન, વીજ બિલ, સ્કૂલ ફી વગેરે...
30% - પગારનો અન્ય 30 ટકા હિસ્સો હોમ લોન, અન્ય લોનના ઈએમઆઈ જેવા ખર્ચ માટે ફાળવો...
30% - પગારનો 30 ટકા હિસ્સો લાંબા અને ટૂંકાગાળાના લક્ષ્યો પૂરા કરવા બચત માટે ફાળવો. જેનું તમે જુદા-જુદા સ્રોતોમાં રોકાણ પણ કરી શકો છો. લાંબા ગાળાના ખર્ચ માટે પણ રોકાણ અને બચતનું આયોજન કરી શકો છો.
10% - બાકીનો 10 ટકા હિસ્સો તમે તમારા મોજશોખના ખર્ચ માટે ફાળવી શકો છો.
લોનનો બોજો ન હોય તો આ રેશિયોમાં ફાળવો પગાર
લોનનો બોજો ન હોય તો પગારની ફાળવણી 25:55:20 ના રેશિયોમાં કરી શકો છો. જેમાં રોકાણ અને બચત માટે વધુ ફાળવણી કરી શકો છો. જેથી વધારાના બિનજરૂરી ખર્ચાઓથી બચી શકાય. 25 ટકા ફાળવણી ઘર ખર્ચ માટે, 65 ટકા રોકાણ-બચત માટે, અને 20 ટકા ફાળવણી મોજશોખ અને વધારાના ખર્ચ માટે ફાળવો. બચત અને રોકાણ માટે તમે બેન્ક એફડી, પોસ્ટ ઓફિસ સ્કીમ, નાની બચત યોજનાઓ, મ્યુચ્યુઅલ ફંડ, શેરબજારમાં રોકાણ કરી શકો છો.