
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી ગાજવીજ સાથે ભારેથી અતિભારે કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે. ભરઉનાળે વાતાવરણ પલટાતાં ભારે પવન ફૂંકાવવાની સાથે માવઠું થતાં ખેડૂતોના પાકને નુકસાન પહોચ્યું છે. આ દરમિયાન ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા અને તળેટી વિસ્તારમાં વરસાદ સાથે વાવાઝોડું ફૂંકાયું હતું. ત્યારબાદ વાદળ ફાટતાં પૂર્ણા નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે નિચાળવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે.
https://twitter.com/airnews_abad/status/1921068404376526953
આગામી બે દિવસ ગુજરાતભરમાં માવઠાની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી ચાર દિવસ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી છે. ત્યારે આજે (10મી મે)ના રોજ રાજ્યભરના અમુક સ્થળોએ અને 11 મેના રોજ રાજ્યના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરી છે.
12 મેની આગાહી
રાજ્યમાં આગામી 12 મેના રોજ 25 જિલ્લામાં માવઠું થશે. જેમાં સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ સહિત સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે 13 મેના રોજ અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં કડાકા સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદ થવાન શક્યતા છે.