
ભાજપના કાર્યાલયમાંથી ચોરીની ઘટના બની છે. એ પણ પાછા મુખ્યમંત્રીના મતવિસ્તારમાં આવેલ ભાજપ કાર્યાલયને ચોરેએ નિશાન બનાવ્યું હતું. ભાજપ કાર્યાલયમાંથી બે મોબાઈલ ચોરીને ચોર ભાગી ગયા હતા. દેશમાં ગુનાખોરી સતત વધી રહી છે ત્યારે ચોરીની આ ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે.
પોલીસે બુધવારે જણાવ્યું હતું કે, ઉત્તર ગોવાના સાંકેલીમ ખાતેના ભાજપ કાર્યાલયમાં બે માણસો ઘૂસી ગયા હતા અને કથિત રીતે બે મોબાઇલ ફોન લઈને ભાગી ગયા હતા. પોલીસે આ કેસમાં બે શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે. ચોરીની આ ઘટના નાની હોવા છતાં વિપક્ષે આ ઘટનાનો ફાયદો ઉઠાવ્યો અને શાસક ભાજપ પર નિશાન સાધ્યું.
પોલીસના જણાવ્યા અનુસાર ભાજપ કાર્યાલયની ઓફિસ બંધ હતી ત્યારે આ ઘટના બની હતી.એક પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આરોપી પાર્ટી ઓફિસમાં ઘૂસીને બે મોબાઈલ ફોન ચોરી ગયો. આ વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે બે શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જે કર્ણાટકના છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે.
પોલીસે જણાવ્યું કે પાર્ટીના કાર્યકરોની ફરિયાદ બાદ FIR નોંધવામાં આવી છે. વિપક્ષોએ દાવો કર્યો હતો કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે. સત્તાધારી ભાજપના કાર્યાલયને પણ ચોર છોડતા નથી.
ગોવા પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા સેલના અધ્યક્ષ અમરનાથ પંજીકરે જણાવ્યું હતું કે જો શાસક પક્ષના પોતાના કાર્યાલયો સુરક્ષિત નથી, તો તે ગોવામાં પોલીસિંગ અને શાસનની વર્તમાન સ્થિતિ વિશે ઘણું બધું કહે છે. રાજ્યમાં લૂંટફાટ અને ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે. સરકાર કે પોલીસનું આના ઉપર કોઈ નિયંત્રણ નથી. રાજ્ય સરકાર મૂળભૂત જાહેર સલામતી સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ ગઈ છે. સ્થાનિક પોલીસ સ્ટેશનોને માનવશક્તિ અને સંસાધનોથી મજબૂત બનાવવાની જરૂર છે.