
સુરત શહેર અને જિલ્લામાં આજે અષાઢી સુદ સાતમના પાવન દિવસે તાપી માતાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. ઐતિહાસિક ગ્રંથોના આધારે માનવામાં આવે છે કે તાપી નદીની ઉત્પત્તિ ૨૧ કલ્પ જૂની છે, જ્યારે એક કલ્પમાં લગભગ ૪.૩૨ કરોડ વર્ષ ગણાય છે. આ રીતે તાપી નદીનો ઈતિહાસ અસંખ્ય વર્ષો જૂનો અને પવિત્ર માનવામાં આવે છે.
કરોડો લોકોને મળે છે પાણી
તાપી નદી દક્ષિણ ગુજરાતના કરોડો લોકો માટે જીવનદાયિ બનેલી છે. ખાસ કરીને ખેડૂતો માટે તો આ નદી આશીર્વાદરૂપ છે. ઉકાઈ ડેમ જેવી મહત્ત્વાકાંક્ષી યોજના દ્વારા તાપી નદીનો ઉપયોગ દક્ષિણ ગુજરાતના જિલ્લામાં — સુરત, ભરૂચ, નવસારી, તાપી અને વલસાડમાં સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. અત્યારે તાપી નદીના જળ દ્વારા ૨ લાખ ૫૦ હજારથી વધુ ખેડૂતોને ૩ લાખ ૫૧ હજાર હેક્ટર ખેતીની જમીનને સિંચાઈનું પાણી મળે છે. તે ઉપરાંત સુરત શહેર અને આસપાસના જિલ્લામાં વસતા ૧ કરોડથી વધુ લોકોનું પીવાનું પાણી પણ તાપી નદી પરથી મળતું થાય છે.
અલ અલગ જગ્યાએ કાર્યક્રમો યોજાયા
આજના દિવસે ઉકાઈ ડેમ ખાતે વિશેષ પૂજન અને કાર્યક્રમો યોજાયા હતા. સુરત શહેરના જહાંગીરપુરા તટ પર પણ તાપીમૈયાના જન્મદિવસની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. ખેડૂત આગેવાન જયેશ પટેલે જણાવ્યું કે, “તાપી મૈયા આપણા માટે માતા સમાન છે. તાપીના આશીર્વાદથી જ આપણા ખેતરો લહેરાતા રહે છે અને જીલ્લાની જનતાને પાવન જળ મળતું રહે છે.”