Home / GSTV શતરંગ : A bomb is not as small as it looks

GSTV શતરંગ/ બૉમ્બ જેટલો દેખાય એટલો નાનો નથી હોતો

GSTV શતરંગ/ બૉમ્બ જેટલો દેખાય એટલો નાનો નથી હોતો

- અંતરનેટની કવિતા

બૉમ્બનો વ્યાસ ત્રીસ સેન્ટિમીટર હતો

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અને એની અસરકારક પહોંચનો વ્યાસ લગભગ સાત મીટર હતો,

જેમાં છે ચાર મૃતક અને અગિયાર ઘાયલ.

અને એની ફરતે, દર્દ અને કાળના

વધુ મોટા વર્તુળમાં, પથરાયેલ છે બે હૉસ્પિટલ

અને એક કબ્રસ્તાન. 

પણ યુવાન સ્ત્રી જેને દફનાવાઈ, 

જ્યાંથી એ આવી હતી એ શહેરમાં

જે સો કિલોમીટરથીય વધુ અંતરે છે,

વર્તુળને નોંધપાત્ર રીતે વિસ્તારે છે;

અને દરિયાપારના એક દેશના દૂરના કિનારાઓ પર

એના મોત પર શોક કરનાર એકાકી પુરુષ

આખી દુનિયાને વર્તુળમાં સમાવી લે છે.

અને અનાથોના હીબકાંઓનો તો હું ઉલ્લેખ પણ નહીં કરું

જે પહોંચે છે ઈશ્વરના સિંહાસન સુધી અને

એથીય આગળ, એક વર્તુળ બનાવતાં જેનો નથી કોઈ અંત અને નથી ઈશ્વર.

- યહુદા અમિચાઈ 

(અનુ. વિવેક મનહર ટેલર)

બ્રિટનની કવયિત્રી  Carol Ann Duffyએ લખેલું, 'યુદ્ધ ત્યારે ખતમ નથી થતું, જ્યારે બંદૂકો ચુપ થઈ જાય, એ ટકે છે એવાં આક્રંંદિત હાલરડાંઓમાં જે ક્યારેય ગવાયાં જ નથી હોતાં.' દેખાવે સાવ નાનો લાગતો બૉમ્બ નાનો નથી હોતો. તેની અસર ક્યાં ક્યાં પહોંચે છે તેની વાત યહુદા અમિચાઈએ ખૂબ ઊંડાણથી કરી છે, જે અંતરથી ઘૂ્રજાવી દે તેવી છે. યહુદા અમિચાઈ ઇઝરાયેલના અગ્રણી આધુનિક કવિ હતા, જેમણે હિબૂ્ર ભાષાને વિશ્વકવિ સ્તરે પહોંચાડી. તેમણે યુદ્ધ, શોક, પ્રેમ અને માનવતા વિશે ગહન અને સરળ શૈલીમાં લખ્યું.

કવિ કહે છે, બોમ્બનો વ્યાસ માત્ર ત્રીસ સેન્ટિમીટર હતો. અર્થાત્ સાવ નાનો, પણ આ તો થયું એનું ભૌતિક માપ. એ ફૂટયો ત્યારે તેના ધડાકાએ સાત મીટર સુધીનું બધું ભસ્મીભૂત કરી નાખેલું. તેના લીધે ચાર માણસો મૃત્યુ પામ્યા અને અગિયાર ઘાયલ થયા. ઘાયલો હૉસ્પિટલમાં ગયા અને મૃતકો સ્મશાનમાં હૉસ્પિટલ સારવારનુંં પ્રતીક અને સ્મશાન મૃત્યુનુંં! બૉમ્બે બંનેને ઘેરી લીધા. તેણે જિંદગી, સારવાર અને મૃત્યુની વચ્ચેની રેખાઓ ધૂંધળી બનાવી દીધી. મૃતકોમાં એક સ્ત્રી સો કિલોમીટર કરતાં પણ વધારે દૂરના કોઈ શહેરથી અહીં આવી હતી. બૉમ્બનો વ્યાપ સો કિલોમીટર કરતાં પણ વધારે વિસ્તર્યો. એ સ્ત્રી કોઈનું અડધું અંગ હતી. પોતાના અડધા અંગને ગુમાવનાર પુરુષ દરિયા પારના કોઈ દેશમાં વિલાપ કરે છે. બોમ્બનો વિસ્તાર ક્યાંથી ક્યાં સુધી પહોંચ્યો! તેણે આખા વિશ્વને પોતાના વર્તુળમાં સમાવી લીધું. 

અને એથીય આગળ, તેનો વ્યાપ વિશ્વ પૂરતો સીમિત નથી રહેતો. કવિ કહે છે કે તે બૉમ્બના વિસ્ફોટથી જે બાળકો અનાથ થયાં છે, મારી કલમ તેમની વ્યથાના વ્યાપને દર્શાવવા માટે અસમર્થ છે. તેનો વ્યાપ તો ઈશ્વરની ગાદીથીયે આગળ જાય છે. 

ટી.એસ. એલિયટે લખેલું, 'દુનિયા બૉમ્બના મહાધડાકાથી નહીં, પણ ડૂસકાંથી ખતમ થાય છે.' નરી આંખે ત્રીસ સેન્ટિમીટરનો દેખાતો બૉમ્બ ત્રીસ સેન્ટિમીટરનો નથી હોતો, તેનું ભૌતિક માપ એ ખરું માપ નથી. તેનું સાચું માપ તો માનવજીવનની મહાવ્યથાઓથી જ આંકવું પડે, જેની અસર માત્ર એક ઘટના પૂરતી સીમિત ન રહેતા મહિનાઓ, દાયકાઓ અને યુગો સુધી વિસ્તરે છે. જાપાનમાં થયેલા અણુબૉમ્બની યાતના આજે પણ પડઘાય છે, જે બતાવે છે કે બોમ્બનુંં માપ માત્ર સેન્ટિમીટર, મીટર, ઈંચ કે ફૂટ પૂરતુંં નથી રહેતુંં, એક સ્થળ કે પ્રદેશ પૂરતુંં પણ નથી રહેતું, તે કાળની માપપટ્ટીથી અંકાય છે. તેના પડઘા માનવતાની સંવેદનભરી ગલીઓમાં યુગો સુધી પડઘાય છે. 

પોલેન્ડની નોબેલ પુરસ્કાર વિજેતા કવયિત્રી વિસ્લાવા શિમ્બોર્સ્કાએ બોમ્બ ફૂટયા પહેલાંની ઘટનાને પોતાની કવિતામાં કેદ કરી છે, તેનાથી લોગાઉટ કરીએ.

લોગઆઉટ

કેન્ટિનમાં બરોબર એકને વીસ મિનિટે બૉમ્બ ફૂટશે

હજી બારને સોળ મિનિટ થઈ છે

અમુક લોકો પાસે અંદર જવાનો સમય છે,

અમુક પાસે બહાર આવવાનો.

આતંકવાદી પહેલાં જ બહાર નીકળીને સલામત સ્થળે ગોઠવાઈ ગયો છે,

આ અંતર તેને ભયથી બચાવે છે

અને તક આપે છે આખું દ્રશ્ય બેરહેમીથી જોવાની!

પીળું જેકેટ પહેરેલી સ્ત્રી અંદર જઈ રહી છે

કાળાં ચશ્માંવાળો માણસ બહાર આવી રહ્યો છે

જિન્સવાળા છોકરાઓ વાતોમાં મશગુલ છે

સમય ૧:૧૩ મિનિટ.

નાનો છોકરો ભાગ્યશાળી તે સ્કૂટરમાં બહાર બેઠો,

મોટો હડબડાટી કરતો અંદર ગયો

હવે દસ સેકન્ડ બચી છે

હવે માત્ર પાંચ

એક સ્ત્રી પસાર થઈ,

તેના હાથમાં છે લીલા રંગની બેગ

અફસોસ કે અંદર જઈ રહી છે

અને બૉમ્બ...

- વિસ્લાવા શિમ્બોર્સ્કા


Icon