
- પારિજાતનો પરિસંવાદ
- ઝેલેંસ્કીએ કહ્યું, 'હું યુદ્ધનાં મોરચા ઉપર યુક્રેનવાસીઓ સાથે છું.' આને પરિણામે યુદ્ધ સમયના નેતા તરીકે જ નહીં, બલ્કે એક માનવતાવાદી વ્યક્તિ તરીકે એમનો પ્રભાવ વિસ્તર્યો
તસવીર ચહેરો બતાવે છે અને તાસીર માનવીના ભીતરની પહેચાન આપે છે. આજના જમાનાની રૂખ એવી છે કે જેમાં તસવીરની બોલબાલા છે અને તાસીર ભૂલાઈ ગઈ છે. અખબાર હોય કે ટેલિવિઝન-એ બધાં પર યુક્રેનનાં વોલોડીમિર ઓલેક્સા-ડ્રોવિચ ઝેલેંસ્કીની તસવીરો અને ખબરો રોજેરોજ જોઇએ છીએ, પરંતુ એક નાનકડું રાષ્ટ્ર વિશાળ શસ્ત્રસજ્જ સરમુખત્યારીથી ટેવાયેલા વિસ્તારવાદી રાષ્ટ્ર સામે વર્ષોથી ઝીંક ઝીલી રહ્યું છે, તેની પાછળની એની આંતરિક તાકાતનો ભાગ્યે જ કોઈ વિચાર કરે છે.
૨૦૨૨ની ૨૪મી ફેબુ્રઆરીથી યુક્રેન રશિયા સામે પોતાના સ્વાતંત્ર્ય માટે અવિરત યુદ્ધ ખેલી રહ્યું છે. પોતાના અભ્યાસકાળમાં ઝેલેંસ્કી સોવિયેત શિક્ષા પ્રણાલી સાથે જોડાયેલો હતો. નિશાળમાં વિદ્યાર્થીઓને સામ્યવાદી આદર્શોનાં શિસ્તબદ્ધ પાઠ શીખવવામાં આવતા હતા. બાળકનાં ગણવેશમાં એક નાની કરચલી પણ હોય, તો પણ એ મુશ્કેલીમાં મુકાઈ જતો અને એણે દોરેલાં ચિત્રમાં સ્મિત જેવી બાબત પણ સામ્યવાદી પ્રણાલીની મજાક તરીકે જોઇ શકાતી હતી. આ બધા જ બાળકો 'ઓક્ટોબરનાં બાળકો' તરીકે ઓળખાતા સામ્યવાદી યુવા સંગઠનનાં સભ્ય હતા.
આવા સમયે ઝેલેંસ્કી પોતાના સાથીઓ સાથે શહેરના આંગણામાં સ્ટેજ પર મનપસંદ રોક-ગીતો ગાતો. એ તેર વર્ષનો થયો ત્યારે એણે સોવિયેત યુનિયનનું પતન જોયું. એ કાયદાની ડિગ્રી સાથે સ્નાતક થયો, પણ એનું દિલ તો થિયેટર સાથે જોડાયેલું હતું. આથી એણે એક કોમેડી ગ્રુપ બનાવ્યું, જે આસપાસનાં ક્ષેત્રોમાં ઘૂમતું હતું. એમાં 'સર્વન્ટ્સ ઓફ ધ પીપલ' નામના એમના નાટકમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિવેદન કરનાર સ્કૂલના શિક્ષક અજાણતા યુક્રેનનાં રાષ્ટ્રપતિ બની જાય છે. એ ભૂમિકામાં એણે એ સમયના યુક્રેનના રાજકારણીઓની મજાક ઉડાવી હતી. આ નાટક વાસ્તવિકતા બન્યું. ઝેલેંસ્કી ૨૦૧૯માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ૭૩ ટકા મત સાથે વિજયી બન્યા.
આમ તો ૧૯૯૧માં યુક્રેન સ્વતંત્ર રાજ્ય તરીકે સ્થાપિત થયું ત્યારથી ત્યાં ચૂંટણીમાં ભ્રષ્ટાચાર ચાલતા હતા. રશિયા તરફી ઉમેદવાર ચૂંટણીમાં ગેરરીતિ આચરીને વિજયી જાહેર થતો હતો. આવા અનેક પ્રવાહો બાદ ઝેલેંસ્કી ૨૦૧૯ની ૨૦મી મેએ વિજયી બન્યો અને યુક્રેનની પ્રજા માનતી હતી કે ઝેલેંસ્કી રાજકીય વ્યવસ્થામાં વ્યાપકપણે ફેલાયેલી ભ્રષ્ટાચાર વિરોધી લડાઈમાંથી દેશને બહાર લાવશે, પરંતુ પદ સંભાળ્યા બાદ પછીના જ મહિને એને રશિયાનાં ડોનબાસ વિસ્તારમાં રહેલા યુક્રેનનાં નાગરિકોને રશિયન પાસપોર્ટ આપવામાં આવશે, એમ જાહેર કર્યું. હકીકતમાં રશિયન પ્રભુત્વ સામે ડોનબાસમાં સંઘર્ષ ચાલતો હતો અને એમાં તેર હજાર જેટલાં લોકો મૃત્યુ પામ્યાં હતાં. એ ડોનબાસને ફરી ઝડપવાની રશિયાની મુરાદ એ પામી ગયો અને ધીરે ધીરે એને રશિયા યુક્રેનનું સ્વાતંત્ર્ય છીનવી લેશે એનો ખ્યાલ આવતા 'સ્લાવા યુક્રાઈની' (યુક્રેનનો જય)નાં લલકાર સાથે રશિયન આક્રમણનો પ્રતિકાર કરવાનું નક્કી કર્યું. એણે મંત્રણા દ્વારા સમસ્યા હલ કરવાની આશા રાખી હતી, પરંતુ રશિયા દ્વારા શાંતિભંગનાં ઉલ્લંઘનો વધવા લાગ્યા અને ૨૦૨૨ની ૨૪મી ફેબુ્રઆરીએ તો રશિયાએ યુક્રેનનાં શહેરો પર બોમ્બવર્ષા શરૂ કરી. ઝેલેંસ્કીએ રશિયન ભાષામાં શિક્ષણ મેળવ્યું હોવાથી એણે એ સમયે સોશિયલ મીડિયા પર સંદેશો મૂક્યો કે, આ અંગે એણે પુતિન સાથે ફોન પર વાત કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ એનો કોઇ પ્રતિસાદ મળ્યો નથી.
કઇ રીતે ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૨થી આજ સુધી ઝેલેંસ્કી વિશાળ લશ્કર, આધુનિક શસ્ત્રો, ચીન અને ઉત્તર કોરિયાનું પીઠબળ તથા યુક્રેનની આસપાસના રશિયન પ્રભુત્વ હેઠળનાં રાજ્યો સામે ઝઝૂમ્યો છે, એની મારે વાત કરવી છે.
રશિયાએ એમ માન્યું હતું કે, નાનકડા યુક્રેનને તો એ થોડા દિવસોમાં મસળી નાખશે અને એને શરણે આવવું પડશે, પરંતુ એની સામે ઝેલેંસ્કીએ પડકાર ફેંકતા કહ્યું, 'તમે અમારા પર હુમલો કરશો, ત્યારે તમે અમારી પીઠ નહીં, પણ અમારો ચહેરો જોશો.'
એની સાથે એણે સૈન્યનાં વસ્ત્રો ધારણ કર્યા અને આજે એનો સૈનિકનો પોશાક એની ઝઝૂમવાની મુરાદ બતાવે છે. રશિયાએ એમ જાહેર જાહેર કર્યું કે, ઝેલેંસ્કી તો રાજધાની કિવ છોડીને અને દેશને નોંધારો મૂકીને ભાગી ગયા છે, ત્યારે ઝેલેંસ્કીએ પોતાના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે કિવ હોય તેવો એક વીડિયો પોસ્ટ કર્યો અને કહ્યું, 'અમે અહીં જ છીએ, અમારા કિવમાં છીએ અને અમારા દેશ યુક્રેનનું રક્ષણ કરી રહ્યા છીએ.'
આમ, ઝેલેંસ્કી યુક્રેનની આઝાદી માટેનું રાષ્ટ્રીય પ્રતીક બની ગયા. એણે યુરોપના દેશોને સાવચેત કરતાં કહ્યું કે, 'આજ નહીં તો આવતીકાલે યુદ્ધ તમારો દરવાજો પણ ખખડાવશે.'
ઝેલેંસ્કી સામે પારવાર મુશ્કેલીઓ પણ હતી. પશ્ચિમનાં દેશો પાસેથી સહાય મેળવવી અને યુક્રેનને નાટોમાં ઝડપી સદસ્યતા આપવી એ જરૂરી હતી અને આવે સમયે એણે વિશ્વભરમાં સહાય માટે અપીલ કરી. એણે લાચારી દર્શાવવાને બદલે લોકશાહી અને માનવઅધિકારોની રક્ષા માટે સહાયની માગણી કરી અને આક્રમણખોરને કારણે સર્જાતી માનવપીડાને વિશેષ પ્રગટ કરી. યુરોપિયન સંસદ અને અમેરિકન સંસદનાં એમનાં ભાવુક સંબોધનોએ વિશ્વસ્તરે સહાનુભૂતિ જગાવી.
મહત્ત્વની બાબત એ છે કે યુદ્ધ દરમિયાન ઝેલેંસ્કીએ આબાદ રીતે લોકજુસ્સો જાળવી રાખ્યો છે. 'મારે શસ્ત્રની જરૂર છે, સાઇકલ, મોટરબાઈક કે સવારીની નહીં', એવાં એમનાં નિવેદનોએ એમનાં નેતૃત્વની દ્રઢતાને પ્રગટ કરે છે. કિવમાં જ રહેવાનો એમનો નિર્ધાર પ્રજામાં પ્રચંડ જુસ્સો જગાવનારો બન્યો. પોતાના સત્ત્વ અને સ્વમાનને કાજે ઝઝૂમતા દેશને તો પ્રેરણા આપી, પરંતુ એથીયે વિશેષ સમગ્ર વિશ્વને એણે રાષ્ટ્રરક્ષા માટે અપ્રતીમ પ્રેરણા આપી છે. ઝેલેંસ્કીએ કોઇ અસાધારણ પ્રભાવક કે અસામાન્ય નેતા તરીકે પોતાની છબિ ઉપસાવવાને બદલે એણે સામાન્ય લોકો સાથે જોડાવવાનું વધુ પસંદ કર્યું છે, જેમાં એ સૈનિકો સાથે ઘૂમતો અને દેશવાસીઓ સાથે પ્રત્યક્ષ સંવાદ સાધતો જોવા મળે છે.
રશિયાના સતત હુમલાઓ છતાં ઝેલેંસ્કીએ પોતાના દેશવાસીઓ અને દુનિયાભરનાં પ્રજાજનો સાથે સંચાર જાળવી રાખ્યો છે. રશિયાએ યુક્રેનમાં આક્રમણ કર્યું, ત્યારે યુક્રેનના ઘણા નેતાઓ રાજધાની કિવમાંથી પોતાની સલામતી માટે ભાગી ગયા હતા, ત્યારે ઝેલેંસ્કીએ કિવમાં રહીને કહ્યું કે, 'હું યુદ્ધનાં મોરચા ઉપર યુક્રેનવાસીઓ સાથે છું.' આને પરિણામે યુદ્ધ સમયના નેતા તરીકે જ નહીં, બલ્કે એક માનવતાવાદી વ્યક્તિ તરીકે ઝેલેંસ્કીનો પ્રભાવ વિસ્તર્યો. આનું પરિણામ શું આવ્યું ? પરિણામે યુક્રેનનાં પ્રાદેશિક મતભેદો અને વર્ષોથી ચાલી રહેલી રાજકીય અસ્થિરતાને કારણે થયેલા વિભાજનની વાતો ભૂલાઈ ગઈ અને આખો દેશ એક બનીને ઊભો રહ્યો. સહુએ દેશનું સાર્વભૌમત્વ જાળવવાનાં સહિયારા ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને પરિણામે આપોઆપ રાષ્ટ્રીય એકતાનું જાગરણ થયું.
રશિયાનાં ભયાવહ આક્રમણને કારણે લાખો યુક્રેનવાસીઓ શરણાર્થી બની ગયા છે, પરંતુ એમને આંતરરાષ્ટ્રીય કક્ષાની સેવા પૂરી પાડીને અને હૃદયસ્પર્શી સંદેશાઓ પાઠવીને ઝેલેંસ્કી એમના મનોબળને આબેહૂબ રીતે ટકાવી રહ્યા છે. નાગરિકોનાં રક્ષણને પ્રાથમિકતા આપીને વહીવટીતંત્ર દ્વારા સ્થળાંતર પ્રયાસોનું આયોજન કરે છે, વિસ્થાપિતો માટે સલામત ક્ષેત્રો બનાવ્યાં છે, તો બીજી બાજુ રશિયાનાં સૈન્ય દ્વારા નાગરિકો પર કરવામાં આવતા અત્યાચારો અંગે વિશ્વભરમાં અવાજ ઊઠાવતા રહે છે, જેથી યુદ્ધને કારણે થતાં માનવીય દુ:ખથી વિશ્વ વાકેફ રહે. ડેવિડ વિરુદ્ધ ગોલિયાથના સંગ્રામ જેવી યુક્રેન પરનાં રશિયાનાં આક્રમણની ઘટનામાં ડેવિડ વિરુદ્ધ ગોલિયાથના સંગ્રામ જેવી યુક્રેન પરનાં રશિયાનાં આક્રમણની ઘટનામાં ડેવિડ જે રીતે ઝઝૂમી રહ્યો છે, તેને - ઝેલેંસ્કીની જવામર્દીને આજે સહુ સલામ કરે છે.
મનઝરૂખો
વીસમી સદીમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર સ્પેનના યુગસર્જક ચિત્રકાર પાબ્લો પિકાસો ચિત્રસર્જન કરી રહ્યા હતા, ત્યારે એમનો એક મિત્ર એમને મળવા આવ્યો. કલાસાધનામાં તલ્લીન પિકાસોને જોઇને મિત્રએ એની એકાગ્રતામાં ખલેલ પહોંચાડવાને બદલે પાછો ફરી જવાનું વધુ ઉચિત માન્યું. પિકાસોને જે ચિત્ર સર્જતા જોયા હતા, એ ચિત્ર થોડા સમય બાદ બજારમાં વેચાતું જોયું. એણે એ ખરીદી લીધું. આનું કારણ એ હતું કે બજારમાં પિકાસોને નામે ઘણાં નકલી ચિત્રો વેચાતાં હતાં. મિત્ર આ ચિત્ર લઇને પિકાસોની પાસે ગયો અને એણે કહ્યું, 'જુઓ, તમારું આ ચિત્ર તો અસલી છે ને મેં નજરોનજર તમને એનું સર્જન કરતાં જોયા છે.' પિકાસોએ કહ્યું, 'ચિત્ર તો મેં જ બનાવ્યું છે, પણ એ અસલી લાગતું નથી.' આ સાંભળીને એમના મિત્રને માથે તો આકાશ તૂટી પડયું. એ જોઇને પિકાસોએ કહ્યું, 'આ ચિત્ર મેં બનાવેલું અસલી ચિત્ર નથી એનો અર્થ એ થયો કે આ ચિત્ર દોરતી વખતે હું કોઇ સર્જક નહોતો, પરંતુ મારા જ ચિત્રની નકલ કરી રહ્યો હતો. હું એમ માનું છું કે આ ચિત્ર બનાવતી વખતે હું કોઇ સ્રષ્ટા કે સર્જક હોતો નથી.' પિકાસોના મિત્રએ અકળાઈને પૂછ્યું, 'સ્રષ્ટા એટલે તું શું કહેવા માગે છે ?'
પિકાસોએ કહ્યું, 'સ્રષ્ટા એને કહેવાય કે જે અદ્વિતીયનું સર્જન કરે, જ્યારે હું તો મારી કૃતિઓની જ નકલ કરું છું, તેથી કઇ રીતે મારી જાતને આ ચિત્રનો સર્જ કહી શકું ?' પિકાસોનું પ્રમાણિક સત્ય આ મહાન સર્જકની કલાભાવનાનો પરિચય આપે છે.
- ડૉ.કુમારપાળ દેસાઈ