
ગાંધીનગર શહેર નજીક આવેલા ધોળાકુવામાં સિક્યોરિટી જવાન દ્વારા બે વર્ષના પુત્રની ગળું દબાવીને હત્યા કર્યા બાદ પોતે સાડી વડે ઘરમાં ફાંસો ખાઈને આપઘાત કરી લીધાની ઘટના બહાર આવી છે. જે અંગે ઈન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી છે. તેણે લખેલી અંતિમ ચિઠ્ઠી પણ પોલીસને મળી આવી છે. જેમાં યમરાજ લેવા આવતા હોવાના સપના આવતા હતા.
અંતિમ ચિઠ્ઠીમાં લખ્યું મને યમરાજ આવે છે લેવા
આ અંગે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા ધોળાકૂવામાં માઢવાળો વાસ ખાતે રહેતા સરતાનભાઇ વીરસીંગભાઇ પારઘીના પરિવારમાં પત્ની જશોદા અને બે વર્ષના પુત્ર પ્રિન્સનો સમાવેશ થતો હતો. સરતાનભાઈ સિક્યુરિટી જવાન તરીકે નોકરી કરતા હતા. આ દરમિયાન ગઈકાલે તેઓ સાંજના સમયે નોકરી ઉપર ગયા હતા અને રાત્રે ૧૦.૩૦ વાગે તેઓ તેમનું બાઈક લઈને ઘરે પરત ફર્યા હતા અને તેમની પત્ની જશોદાબેનને કહ્યું હતું કે ભૂખ લાગી છે જમવાનું આપ.
પત્નીને દુધ લેવા મોકલી પછી પુત્રની હત્યા કરી
પત્નીએ પતિને જમવાનું આપ્યું હતું. આ દરમિયાન તેમના પુત્ર પ્રિન્સને દૂધ પીવડાવ્યું હતું અને સરતાનભાઈ માટે દૂધ નહીં વધતા તેમણે દુકાને જઈને દૂધ લઈ આવવા માટે કહ્યું હતું. જોકે જશોદાબેન દૂધ લેવા માટે ગયા હતા અને ત્યાંથી પરત ફર્યા ત્યારે ઘરનો મુખ્ય દરવાજો અંદરથી બંધ હતો. જેથી તેમણે તેમની દેરાણીને બોલાવી હતી અને દરવાજા ઉપરથી બારીમાં હાથ નાખીને દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યોે હતો. આ સમયે તેમણે જોયું તો તેમના પતિ ફાંસો ખાધેલી હાલતમાં જણાયા હતા અને બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા.
લોકોએ ધક્કો મારીને દરવાજો ખોલ્યો હતો અને જોયું તો મહિલાના પતિએ સાડી વડે ફાંસો ખાંધેલી હાલતમાં હતા, તો બીજી તરફ બે વર્ષનો પુત્ર પણ બાજુમાં સૂતો હતો અને કંઈ હલન ચલન કરતો નહોતો,તપાસ કરતા જોયું તો બાળકના ગળાના ભાગે દુપટ્ટો બાંધેલો હતો અને જેથી આસપાસના લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા બંનેને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેમના મોત થયા હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટના અંગે ઇન્ફોસિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને જશોદાબેનની ફરિયાદના આધારે તેમના પતિ સામે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી હતી.