
Gujarat Weather: ગુજરાતમાં છેલ્લા ચાર દિવસ કમોસમી વરસાદ, બરફના કરા બાદ હવે આવતીકાલથી માવઠાનું જોર ઘટી જશે. જો કે, 24 કલાક કમોસમી વરસાદનું જોર યથાવત્ રહેવાનું છે. હવામાન વિભાગે આ અંગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તેમજ 50-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની આગાહી પણ કરી છે. આ સિવાય ઉત્તર પૂર્વ રાજસ્થાન પર અપર એર સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય થશે જેથી વાતાવરણમાં ઠંડક અનુભવાશે. જ્યારે ગુજરાતના 16 જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા છે. આ જિલ્લાઓ છે, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ ઉપરાંત રાજકોટ, જૂનાગઢ, ગીર-સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર સાથે વરસાદની સંભાવના છે.
ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. શુક્રવારે (9 મે) અમરેલીમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. અમરેલીના ઘારીના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.
ખેડૂતોની ચિંતામાં વધારો
અમરેલીના ધારીના ગ્રામ્ય વિસ્તારમાં શુક્રવારે હળવાથી ભારે પ્રમાણમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. ભર ઉનાળે વરસાદના કારણે ખેડૂતોનો પાક ધોવાઈ રહ્યો છે. સતત વરસાદી માહોલના કારણે ખેડૂતોને ઉનાળુ પાકમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. 4 દિવસથી વરસી રહેલા વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો. ભારે વરસાદના કારણે અમરેલીના રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. ઠેર-ઠેર પાણી ભરાઈ જવાના કારણે વાહન-વ્યવહાર ખોરવાયો હતો.
હવામાન વિભાગની આગાહી
નોંધનીય છે કે, હજુ સુધી વરસાદ ખમૈયા કરવાના મૂડમાં નથી. હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારે (નવમી તારીખે) આખા ગુજરાતમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. શનિવારે, 10મી તારીખે ગુજરાતના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.