
છત્તીસગઢમાં નક્સલવાદીઓનો જડમૂળથી સફાયો કરવા માટે ચાલી રહેલા ઓપરેશન દરમિયાન નક્સલવાદીઓ અને CRPFવચ્ચે થયેલી અથડામણ દરમિયાન ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગાણા ગામના વતની અને CRPFમાં બ્લેક કોબ્રા કમાન્ડો તરીકે દેશસેવા કરી રહેલા જવાન શહીદ થયા હતા.
CRPFની બ્લેક કોબ્રા કમાન્ડોની ટીમના જવાન મેહુલભાઈ નંદલાલભાઈ સોલંકી શહીદ
છત્તીસગઢના બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તારના સુકમામાં નક્સલવાદીઓ છૂપાયા હોવાની માહિતીના આધારે CRPFની ટીમ પહોંચતા નક્સલવાદીઓએ અચાનક જ ગોળીબાર શરૂ કર્યો હતો. સીઆરપીએફ અને નક્સલીઓ વચ્ચે અથડામણ દરમિયાન CRPFની બ્લેક કોબ્રા કમાન્ડોની ટીમના જવાન મેહુલભાઈ નંદલાલભાઈ સોલંકી (ઉ.વ.આ.૩૩)ને ગોળી વાગી જતાં ગંભીર રીતે ઘાયલ થતાં વીરગતિ પામ્યા હતા.
10 વર્ષની સેનામાં બજાવતા હતા ફરજ
સિહોરના દેવગાણાના વતની અને અપરણિત જવાન મેહુલભાઈ છેલ્લાં 10 વર્ષથી સૈન્યમાં જોડાયેલાં હતા.શહીદ જવાનની વીરગતિની જાણ દેવગાણા સ્થિત તેમના પરિવારને થતાં સમગ્ર સોલંકી પરિવાર પર આભ તૂટી પડયું હતું. જયારે,ગામમાં પણ શોક છવાઈ ગયો હતો.
શહીદના પાર્થિવદેહને શુક્રવારે ચંદીગઢથી પ્લેન મારફતે અમદાવાદ લવાશે. ત્યાંથી સાંજના સમયે બાયરોડ તેમના વતન દેવગાણા લાવી સૈન્ય સન્માન સાથે અંતિમવિધ કરવામાં આવશે. દરમિયાનમાં બ્લેક કોબ્રા કમાન્ડો શહીદ થયાના વાયુવેગે સમાચાર પ્રસરતા દલિત સમાજના આગેવાનો, યુવાનો સહિતનાઓ મોટી સંખ્યામાં દેવગાણા દોડી ગયા હતા. અને પરિવારને સાંતવ્ના આપી હતી. વીર શહીદની અંતિમયાત્રામાં વિશાળ સ્ખ્યામાં રાજકીય-સામાજિક આગેવાનો, યુવાઓ અને ગ્રામજનો જોડાશે.