
આગામી 22 જૂને 8326 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે. ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્ય બનવા માટે અંદાજે 80 હજારથી વધુ દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. સરપંચ બનવા માટે 17 હજારથી વધુ ઉમેદવારોએ ચૂંટણીમાં ઝુકાવ્યુ છે.
OBC અનામત સાથે યોજાશે ગ્રામ પંચાયતની ચૂંટણી
OBC અનામત સાથે પહેલીવાર ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવવા જઇ રહી છે. 4688 પંચાયતોમાં સામાન્ય,મધ્યસત્ર ચૂંટણી યોજાઇ રહી છે જ્યારે 3638 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી થઇ રહી છે. 3710 પંચાયતોમાં સામાન્ય ચૂંટણીમાં સભ્ય માટે 64,714 ફોર્મ ભરાયાં છે જ્યારે સરપંચ બનવા માટે 17,728 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. 3531 પંચાયતોમાં સભ્ય બનવા 2 હજારથી વધુ અને સરપંચ માટે 971 ફોર્મ ભરાયા હોવાનું જાણવા મળ્યુ છે.
ગામડાઓમાં સમરસતા ભૂલાઇ
કેન્દ્ર સરકારે હવે સરપંચોને વધુ સત્તા આપી છે તે જોતાં આ વખતે સરપંચ માટે વધુ ફોર્મ ભરાયાં છે. પંચાયત પર રાજકીય કબજો જમાવવા માટે દાવેદારોએ અત્યારથી જ ઉધામા મચાવ્યા છે. આ ઉપરાંત સ્થાનિક સમીકરણો, વકરતાં જતાં જ્ઞાતિવાદને લીધે હવે ગામડાઓમાં પંચાયતની ચૂંટણી જંગ ખેલાઇ રહ્યો છે. ગત વખતની સરખામણીમાં આ વખતે સમરસ પંચાયતોની સંખ્યા ઓછી છે. તે જોતા હવે સમરસતા ભૂલાઇ છે. ગઇકાલે ફોર્મ પાછા ખેંચવાની અંતિમ તારીખ હતી ત્યારે હવે પંચાયતની ચૂંટણીનું આખરી ચિત્ર ખબર પડશે. રાજકીય પક્ષો સરપંચ કે સભ્યને મેન્ડેટ આપતાં નથી પણ સમર્થન જરૂર આપે છે. આ કારણોસર પંચાયતોની ચૂંટણીમાં પાછલા બારણે રાજકીય પક્ષોની નજર અને મદદ હોય છે. મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉમેદવારો પ્રચાર કરીને પંચાયત કબજે કરવા રાજકીય કાવાદાવા કરશે.