
ગુજરાતના દરિયાકાંઠેથી 1800 કરોડનું ડ્રગ્સ ઝડપાતા કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા છે. ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ગુજરાતને ડ્રગ્સ દાણચોરીનું પ્રવેશદ્વાર ગણાવ્યું હતું. આ સાથે જ ડ્રગ્સ પાછળ ભ્રષ્ટાચાર અને હપ્તાખોરીને પણ અસામાજિક પ્રવૃતિ વધવા પાછળ જવાબદાર ઠેરવી હતી.
ગુજરાત ડ્રગ્સ-દાણચોરીનું પ્રવેશદ્વાર-શક્તિસિંહ ગોહિલ
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ કરતા કહ્યું કે, "ગઈ રાત્રિના ગુજરાતના દરિયાકિનારેથી 1800 કરોડનું 300 કિલો ડ્રગ્સ ઝડપાયું:ગુજરાત ડ્રગ્સ દાણચોરીનું પ્રવેશદ્વાર બની ગયું છે . ગુજરાતના દરિયામાંથી અવારનવાર નશીલા પદાર્થ ઝડપાતા હોય છે. યુવાધનને બરબાદ કરનાર ડ્રગ્સના વેપારને રોકવામાં સરકાર સંપૂર્ણ નિષ્ફળ રહી છે . ડ્રગ્સની હેરાફેરી કરનારના ભૂતકાળમાં બીજેપી નેતાઓ સાથેના કનેક્શન ઉજાગર થયા છે . ગુજરાતના ભવિષ્ય એવા યુવાનો અંગે ચિંતાનો વિષય છે . ભ્રષ્ટાચાર અને હપ્તાખોરી અસામાજિક પ્રવૃતિ વધવાનું કારણ છે ."
https://twitter.com/shaktisinhgohil/status/1911641210768285928
મનીષ દોશીએ પણ આપી પ્રતિક્રિયા
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. મનીષ દોશીએ કહ્યું કે, "ગુજરાત ડ્રગ્સનું પ્રવેશદ્વાર બની ગયું છે. ડ્રગ્સ બનાવવાના કારખાના ચાલી રહ્યાં છે. કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાં ઠલવાય છે અને ભાજપ સરકાર વાહવાહી કરી રહ્યું છે. અજાણ્યા શખ્સો ડ્રગ્સ નાખી દે તેવું સામે આવે છે પણ તેમના આકાઓ કેમ પકડાતા નથી? નશાની આગમાં યુવાધન બરબાદ થઇ રહ્યું છે. ખાનગી બંદર પરથી અનેક વખત હજારો કિલો ડ્રગ્સ પકડાય છે પણ તેની કોઇ તપાસ કેમ થતી નથી? ડ્રગ્સની સિન્ડિકેટને નેતૃત્ત્વ કોણ આપે છે તેની તપાસ થવી જોઇએ."
ગુજરાતમાંથી 1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ભારતીય જળસીમામાંથી 1800 કરોડની કિંમતના 311 પેકેટ્સ માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પાકિસ્તાનના ફીદા નામના ડ્ર્ગ્સ માફિયાનો જથ્થો તામિલનાડુના એક શખ્સને આપવામાં આવવાનો હતો.ભારતીય તપાસ એજન્સીને જોઇને પાકિસ્તાની બોટમાં રહેલા શખ્સ દરિયામાં ડ્રમ્સ નાખીને ભાગી ગયા હતા. તપાસ એજન્સીઓએ તપાસ કરતા તેમાંથી 311 પેકેટ્સ માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1800 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. ગુજરાત ATSએ 2018થી 2025 સુધી આઠ વર્ષમાં 10 હજાર કરોડથી વધુનો માદક પદાર્થ જપ્ત કર્યો છે.