
કડી અને વિસાવદરની પેટાચૂંટણીમાં ફરી કોંગ્રેસનો કરૂણ રકાસ થયો છે. બન્ને બેઠકોની હારની જવાબદારી સ્વીકારી શક્તિસિંહ ગોહિલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદેથી રાજીનામું ધરી દીધુ છે. હવે ગુજરાત કોંગ્રેસનો કાંટાળો તાજ કોના શિરે મૂકાશે તે અંગે રાજકીય અટકળો તે જ બની છે. જોકે, પાટીદાર અથવા OBC નેતાને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપાશે તેવી શક્યતા છે.
ગુજરાત કોંગ્રેસનો આંતરિક વિખવાદ ચરમસિમાએ
મૃતપ્રાય ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ પુરવા માટે ખુદ હાઇકમાન્ડે મોરચો સંભાળ્યો છે ત્યાં કડી અને વિસાવદરની પેટાચૂંટણીમાં હારના બહાને શક્તિસિંહ ગોહિલે પ્રમુખ પદેથી વિદાય લીધી છે. આમ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતી સર્જાઇ છે. ગુજરાતમાં કોંગ્રેસની હાલત વધુને વધુ બદતર થઇ રહી છે તેમ છતાંય કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસિમાએ પહોંચ્યો છે. એવુ જાણવા મળ્યું છે કે, શહેર-જિલ્લા પ્રમુખની નિમણૂંકના વિવાદે જ શક્તિસિંહ ગોહિલનો ભોગ લીધો છે. શહેર-જીલ્લા પ્રમુખોની પસંદગીમાં કાર્યકરોનો મત લેવાયો છતાંય અસંતોષનો ચરૂ ઉકળ્યો છે.
ગેનીબેન ઠાકોર-અમિત ચાવડાનું નામ ટોપ પર
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખપદેથી શક્તિસિંહ ગોહિલે રાજીનામુ ધરી દીધુ છે. નવા પ્રદેશ પ્રમુખની શોધખોળ કોંગ્રેસે શરૂ કરી છે.
ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, પરેશ ધાનાણી, વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાનું નામ ચર્ચામાં છે.સૂત્રો અનુસાર અમિત ચાવડા હાઇકમાન્ડની પહેલી પસંદ છે. જો અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપવામાં આવે તો વિધાનસભા વિપક્ષપદ ખાલી પડે તેમ છે. અમિત ચાવડાના સ્થાને યુવા અને આક્રમક ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને વિધાનસબામાં વિપક્ષના નેતા બનાવાય તો નવાઇ નહીં.જ્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલને શૈલેષ પરમારના સ્થાને ઉપનેતા પદ અપાશે.
આ સિવાય પૂજાવંશ, પરેશ ધાનાણી અને વિરજી ઠુમરના નામો પણ રેસમાં છે. હાઇકમાન્ડ હવે કોને ગુજરાત કોંગ્રેસની કમાન સોપે છે તેના પર કાર્યકરોની નજર મંડાઇ છે. અત્યારે તો પ્રદેશ પ્રભારીએ હાઇકમાન્ડ સાથે વાટાઘાટો શરૂ કરી છે.
શક્તિસિંહે કોંગ્રેસના બે સીનિયર નેતાનું પદ ઘટાડ્યું
શક્તિસિંહ ગોહિલે નવા પ્રદેશ પ્રમુખ બન્યા પછી કટ્ટર હરીફ ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડિયાનું મહત્ત્વ ઓછું કરવા, હાઇકમાન્ડથી દૂર રાખવા જગદીશ ઠાકોર, શૈલેષ પરમાર અને હિંમતસિંહનું મહત્ત્વ વધારી દીધું હતું.
શક્તિસિંહ ગોહિલે ગુજરાતના પ્રતિનિધિ તરીકે પૂર્વ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરને વર્કિંગ કમિટીમાં લેવડાવ્યા હતા. તે સમયે ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડિયા હાઇકમાન્ડથી નજીક ન સરકે તે માટે જે-તે વખતે રાષ્ટ્રીય મહામંત્રી વેણુગોપાલને આગ્રહ કરીને જગદીશ ઠાકોરને CWCમાં સમાવડાવ્યા હતા.