
ગુજરાતમાં વરસાદી ટ્રફ અને સાયક્લોનિક સર્કયુલેશનને લીધે હવામાન વિભાગે માવઠાની આગાહી વ્યક્ત કરી છે. આ સિવાય રાજ્યમાં ક્યાંક હિટવેવ તો ક્યાંક કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે.
સૌરાષ્ટ્રના અમરેલી, ગીર-સોમનાથ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં આજે માવઠાની શક્યતા છે. આ સિવાય ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી છે.
આવતીકાલે એટલે કે, પહેલી એપ્રિલે સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી દર્શાવી છે. જ્યારે પોરબંદર, જૂનાગઢ અને દીવમાં આવતીકાલે કાળઝાળ ગરમી પડવાની આગાહી છે. મંગળવારે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતમાં હળવાથી મધ્યમ વરસાદ થવાનો વર્તારો છે.
દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે આગામી બીદી ઓપ્રિલે પણ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે એવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આ સિવાય 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે. અમદાવાદ શહેરમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે.